નવી દિલ્હી: સીબીઆઈ ચીફ આલોક વર્માના ઘરની બહાર ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)ના ઓફિસરો સાથે થયેલી ગેરવર્તણૂંક મામલે આઈબી ખુબ નારાજ છે. કહેવાય છે કે આઈબી ચીફે આ અંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળીને ફરિયાદ  કરી છે અને આ મામલે વધુ જાણકારી પણ ઉપલબ્ધ કરાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યાં મુજબ આઈબીએ દિલ્હી પોલીસને તે છ કર્મીઓના નામ પણ આપ્યાં છે જેમાં સીબીઆઈ પ્રમુખના પીએસઓ સામેલ છે અને કહ્યું છે કે તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે. આઈબી આ બાબતે અન્ય જાણકારીઓ પણ ભેગી કરી રહ્યું છે.


વાત જાણે એમ છે કે અચાનક રજા પર મોકલી દેવાયેલા સીબીઆઈ ચીફ આલોક વર્માના સરકારી આવાસ બહાર ઈન્ટેલિજન્સ બ્યુરોના ચાર અધિકારીઓ સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું કે આલોક વર્માના બે જનપથ નિવાસ સ્થાન બહાર હાઈ સિક્યોરિટી ઝોનમાં ચાર વ્યક્તિ નિયમિત ગુપ્ત ડ્યૂટી પર હતાં. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પોલીસ તેમને ખેંચીને લઈ ગઈ અને તેમની પૂછપરછ કરી. 



આઈબી અધિકારીઓને રસ્તા પર કોલર પકડીને તેમને સીબીઆઈ ચીફના ઘરની અંદર લઈ જવાનો વીડિયો ખુબ વાઈરલ થયો છે. જેના કારણે આઈબીમાં ખુબ નારાજગી જોવા મળી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ આ મામલા અંગે કહ્યું હતું કે આઈબી પર કાયદો અને વ્યવસ્થા તથા આંતરિક સુરક્ષા પર અસર કરી શકે તેવી સ્થિતિઓની ગુપ્ત માહિતીઓ ભેગી કરવાની જવાબદારી છે. અન્ય વાતોમાં તેમની શાખાઓ સંવેદનશીલ વિસ્તારોમાં નિયમિત રીતે તહેનાત થતી હોય છે.