IFFCOનું `નેનો ફર્ટિલાઈઝર` કૃષિ જગતમાં લાવશે ક્રાંતિઃ ડો. યુ.એસ.અવસ્થી
ઈફ્કોને બે વર્ષમાં આ અંગેની પેટન્ટ મળવાની સંભાવના છે, બે ગ્રામ નેનો ફર્ટિલાઈઝર 100 કિલો યુરિયા જેટલું કામ કરશે
પ્રયાગરાજઃ ખાતરના ક્ષેત્રમાં સહકારિતાની દિગ્ગજ કંપની ઈફ્કોના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર યુ.એસ. અવસ્થીએ બુધવારે જણાવ્યું કે, કંપનીનું 'નેનો ફર્ટિલાઈઝર' કૃષિ જગતમાં ક્રાંતિ લાવશે. તેમણે જણાવ્યું કે, તેની પેટન્ટ મેળવી લેવામાં આવશે અને બે ગ્રામ નેનો ફર્ટિલાઈઝર 100 કિલો યુરિયા જેટલું કામ કરશે.
ઈફકોના ફૂલપુર એકમમાં પત્રકારો સાથેની વાતચીતમાં અવસ્થીએ જણાવ્યું કે, "ખેડૂતના ઉત્પાદન ખર્ચની દૃષ્ટિએ આ અત્યંત ક્રાંતિકારી પગલું હશે. સાથે જ તે માટીના અસંતુલનમાં પણ ફાયદાકારક સાબિત થશે. તેની પેટન્ટ માટે અરજી કરી દેવાઈ છે અને બે વર્ષમાં તેની પેટન્ટ મળવાની સંભાવના છે."
તેમણે જણાવ્યું કે, પ્રાયોગિક ધોરણે એક સ્થાને 100 ટકા નેનો ફર્ટિલાઈઝરનો ઉપયોગ કરાયો હતો, બીજી જગ્યાએ 25 ટકા યુરિયા નાખવામાં આવ્યો અને 75 ટકા નેનો ફર્ટિલાઈઝર નાખવામાં આવ્યું હતું. બંને સ્થળે પેદાશમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. અવસ્થીએ જણાવ્યું કે, ઈફ્કોએ ગુજરાતના કલોલ એકમમાં નેનો ફર્ટિલાઈઝર માટે એક પ્રયોગશાળાની સ્થાપના કરી છે.
સ્વચ્છ સર્વેક્ષણ 2019: 10 લાખથી વધુ વસ્તીવાળા સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ ક્રમે
તેમણે જણાવ્યું કે, ઈફ્કોએ દેશભરમાં લીમડાના 45 લાખ ઝાડ ઉગાડ્યા છે અને ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા પાસે સંશોધન કરાવાઈ રહ્યું છે, જેથી લીમડાનું ઝાડ 5 વર્ષમાં તૈયાર થઈ જાય. અત્યારે લીમડાનું ઝાડ તૈયાર થવામાં 10 વર્ષનો સમય લાગે છે.
અવસ્થીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, ઈફકો સિક્કિમ સરકાર સાથે મળીને પણ એક પ્લાન્ટ નાખી રહ્યું છે, જ્યાં જૈવિક ઉત્પાદોનોને પ્રોસેસ કરીને વેચવામાં આવશે. પંજાબામં સ્પેનિશ ટેક્નોલોજી સાથે એક પ્લાન્ટ નાખવામાં આવી રહ્યો છે, જ્યાં શાકભાજીને ફ્રીઝ કરીને રાખી શકાશે અને ત્યાર પછી તેની નિકાસ કરવામાં આવશે.