કેરળમાં ફરીથી ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી, મુખ્યમંત્રીએ માગી કેન્દ્રની મદદ
કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને જણાવ્યું કે, શ્રીલંકાના સમુદ્ર કિનારે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતાં હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે
થિરૂવનંતપુરમઃ ભારતીય હવામાન ખાતાએ રવિવારે કેરળ અને તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી આપી છે. કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને જણાવ્યું કે, શ્રીલંકાના સમુદ્ર કિનારે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતાં હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, 7 ઓક્ટોબર રવિવાર માટે ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની પાંચ ટૂકડીઓ મોકલી આપવા વિનંતી કરવામાં આવી છે.
માછીમારોને પણ નજીકના સમુદ્ર કિનારે 5 ઓક્ટોબર સુધીમાં પહોંચી જવા માટે સુચના આપી દેવામાં આવી છે.
પત્રકારો સાથેની વાતચીતમાં કેરળના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, "માશીમારોને 5 ઓક્ટબર સુધીમાં સલામત રીતે દરિયા કિનારે પાછા આવી જવા માટે સુચના આપી દેવાઈ છે. આ અંગેની ચેવતણી જાહેર કરી દેવાઈ છે. 7 ઓક્ટોબર માટે રાજ્યનાં ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે."
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, "રાજ્યના આપત્તિ વ્યવસ્થા વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આગામી પરિસ્થિતીની સમીક્ષા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર પાસે પણ અમે મદદ માગી છે અને NDRFનવી 5 ટૂકડી મોકલી આપવા માટે જણાવ્યું છે."
મુખ્યમંત્રીના જણાવ્યા પ્રમાણે, રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં સત્તાધિકારીઓને આ અંગે સુચના આપી દેવાઈ છે અને આપત્તીને પહોંચા વળવા માટે આગમચેતીનાં પગલાં લેવાની શરૂઆત કરી દેવાઈ છે. પ્રવાસીઓને હીલ સ્ટેશનમાં ન જવા સલાહ આપવામાં આવી છે, ખાસ કરીને નિકલાકુરિંજી જેવા માટે મુન્નાર જતા પ્રવાસીઓને સાવચેત રહેવા જણાવાયું છે.
મુખ્યમંત્રીએ હવામાન ખાતાની આગાહી અંગે જણાવ્યું કે, "ભારતીય હવામાન વિભાગે શ્રીલંકાના અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાયું હોવાની ચેતવણી આપી છે. આ હળવું દબાણ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે. જેના કારણે તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. લક્ષદ્વીપના કિનારાની આજુ-બાજુમાં આ વમળ સર્જાય તેવી સંભાવના છે."
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને કેરળમાં અતિ ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું અને રાજ્યને કરોડોનું નુકસાન થયું હતું. આ પૂરમાં 231નાં મોત થયા હતા.