દેશના તમામ રાજ્યોમાં આજે વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે. હવામાન ખાતાનું માનીએ તો આજે એટલે કે 13મી સપ્ટેમ્બરે ઓડિશા, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આ રાજ્યોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી આંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. ગુજરાત માટે શું કહે છે હવામાન ખાતાની આગાહી અને આગાહીકાર અંબાલાલ પટેલ તે પણ ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અન્ય રાજ્યોના હાલ
હવામાનનું પૂર્વાનુમાન કરતી એજન્સી સ્કાયમેટનું માનીએ તો ઓડિશા, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો, અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ વરસી શકે છે. ઉત્તર પ્રદેશ, તેલંગણા, મરાઠાવાડા, આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ, લક્ષદ્વિપ, કેરળ, કર્ણાટકના કાંઠા વિસ્તારો, કોંકણ અને ગોવા, દક્ષિણ આંતરિક કર્ણાટક અને મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગોમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ વરસી શકે છે. 


આજે નવી દિલ્હીના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ સમગ્ર અઠવાડિયું નવી દિલ્હીમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. જ્યારે યુપીની રાજધાની લખનઉની વાત કરીએ તો લખનઉમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડવાની વકી છે. 


કેવું રહેશે ગુજરાતમાં હવામાન
હવામાન વિભાગે આગામી 4 દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે વાત કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે તેમાં ક્યાંય ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. 


શું કહે છે અંબાલાલ પટેલની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 12 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ ઊભી થતા  14 સપ્ટેમ્બરથી મજબૂત બનીને ઉત્તર ઓરિસ્સા તરફ આગળ વધી મહારાષ્ટ્રના ભાગોમાં થઇને મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે. આ ઉપરાંત આ સિસ્ટમ મજબૂત થઈને 15-16 સુધીમાં મધ્ય પ્રદેશ અને 18-19-20 માં ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવશે. આ સાથે છૂટોછવાયો વરસાદ કયા જિલ્લાઓમાં રહેશે તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે. આગામી સમયમાં સિસ્ટમ બનવાની અને વરસાદ મળવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.


આ દિવસોમાં મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. તારીખ 19-20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. 21-22-23 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 23-24 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. મધ્યપ્રદેશમાં કેટલીક નદીઓમાં પુરની શક્યતા છે. 23-24 સપ્ટેમ્બરે વડોદરા, અમદાવાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમયે અરબસાગર અને અને બંગાળાની ખાડીમાં હલચલ થશે.  


આગામી સમયમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનવાની સંભાવનાઓ જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં અતિભારે કે ભારે વરસાદની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી. 


આ સાથે માછીમારો માટે પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી. પરંતુ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ જેવા ભાગોનો સમાવેશ થાય છે. આ સિવાય વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતનો સમાવેશ થાય છે. આ ભાગોમાં છૂટોછવાયો હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદનું હવામાન વાદળછાયું રહેવાની સંભાવનાઓ છે.