ઈસ્લામાબાદ: જમ્મુ અને કાશ્મીરમાં 3 પોલીસકર્મીઓની બર્બરતાપૂર્વક હત્યા અને પાકિસ્તાન દ્વારા કાશ્મીરી આતંકવાદી બુરહાન વાનીના ગુણગાનવાળી પોસ્ટ ટિકિટ જારી કરવા દરમિયાન ભારતે પાકિસ્તાન સાથે ન્યૂયોર્કમાં વિદેશ મંત્રી સ્તર પર થનારી બેઠકને રદ કરવાની જાહેરાત કરી નાખી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આપસી સંબંધો સુધારવા માટે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. જેના લીધે ભારત બેઠક માટે રાજી થયું હતું. પરંતુ તેના માત્ર 24 કલાકની અંદર જ ભારત સરકારે સ્પષ્ટ કરી દીધુ કે કોઈ બેઠક થશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેના પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતના આ નિર્ણયને અહંકારી વલણ ગણાવ્યું. તેમણે કહ્યું કે ભારતના નકારાત્મક વલણથી તેઓ નિરાશ છે. વડાપ્રધાન ખાને એક ટ્વિટમાં કહ્યું કે "શાંતિ વાર્તા ફરીથી શરૂ કરવાના મારા આહ્વાન પર ભારતના અહંકારી અને નકારાત્મક વલણથી હું નિરાશ છું. જો કે મે મારા આખા જીવનમાં જોયુ છે કે નાના લોકો મોટા પદો પર બિરાજે છે અને તેમની પાસે પરંતુ તેમની પાસે મોટી વસ્તુને અંજામ આપવાનો દ્રષ્ટિકોણ હોતો નથી."


આ બાજુ ભારતીય વિદેશ કાર્યાલયે પીએમ મોદી પરની ઈમરાન ખાનની ટ્વિટ પર કોઈ જ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરી દીધો છે. ઈમરાનની આ પ્રકારની પ્રતિક્રિયાથી નજીકના ભવિષ્યમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ઔપચારિક વાતચીતની કોઈ પણ સંભાવના વધુ નબળી થતી જોવા મળી રહી છે. 


વિદેશ મંત્રીઓની બેઠક રદ
સયુંક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક પહેલા વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને તેમના પાકિસ્તાનના સમકક્ષ મહેમૂદ કુરૈશી વચ્ચે બેઠક થવાની હતી. બેઠક રદ થવાની જાહેરાત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું હતું કે ઘટનાક્રમોથી વિશ્વ સમક્ષ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઈમરાન ખાનનો 'અસલ ચહેરો' તથા વાતચીત પાછળ છૂપાયેલો ઈસ્લામાબાદનો નાપાક એજન્ડા 'સામે આવી ગયો છે.' 


રવીશકુમારે કહ્યું કે "પાકિસ્તાન સ્થિત તત્વો તરફથી સુરક્ષાકર્મીઓની બર્બર હત્યા અને એક આતંકી (બુરહાન વાણી)ના ગુણગાનવાળી 20 પોસ્ટ ટિકિટોની શ્રેણી જારી કરવાની ઘટના તથા આતંકવાદથી એ વાતની પુષ્ટિ થાય છે કે પાકિસ્તાન સુધરશે નહીં" કુમારે કહ્યું હતું કે "બદલાતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે ન્યૂયોર્કમાં કોઈ બેઠક થશે નહીં."


ભારતના નિવેદન પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાન વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે શુક્રવારે કહ્યું કે પાકિસ્તાન સંપૂર્ણ રીતે આ આરોપોને ફગાવે છે. અમારા અધિકારી સચ્ચાઈની તપાસ માટે સયુંક્ત તપાસ કરાવવા તૈયાર રહેશે. પોસ્ટ ટિકિટો અંગે ફૈસલે કહ્યું કે આ ટિકિટો 25 જુલાઈની ચૂંટણી અને 18 ઓગસ્ટના રોજ વડાપ્રધાન ખાનના પદભાર સંભાળવવા પહેલા જારી કરાઈ હતી. 


ભાજપનો પાકિસ્તાનના વડાપ્રધાન પર પલટવાર
સત્તારૂઢ ભાજપે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પર શનિવારે નિશાન સાધતા કહ્યું કે તેઓ પોતાના દેશની સેનાના નિર્દેશો પર સત્તામાં છે અને ભારત પાડોશી દેશ સાથે ત્યાં સુધી વાત નહીં કરે જ્યાં સુધી તેના સૈનિકોની હત્યા થતી રહેશે. વરિષ્ઠ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પૂછ્યું કે તે વ્યક્તિ પાસે વધુ શું આશા રાખી શકાય કે જે પોતાની દેશની સેનાના નિર્દેશ પર વડાપ્રધાન પદ પર બેઠા છે.


વડાપ્રધાન અંગે અપશબ્દો અસ્વીકાર્ય-કોંગ્રેસ
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા ભારત સરકાર અંગે અપાયેલા નિવેદનની ટીકા કરતા કોંગ્રેસે કહ્યું કે ઈમરાન ખાન ત્યાંની સેના અને આઈએસઆઈના માસ્ક છે તથા તેમને ભારતની સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે અપશબ્દ કહેવાનો કોઈ અધિકાર નથી. 


પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન અંગે અમે માત્ર એ જ કહીશું કે સૂપ બોલે તો બોલે, ચારણી શું બોલે જેમાં હજાર કાણા છે. જે આતંકવાદનો જન્મદાતા છે તે પાકિસ્તાનને કોઈ અધિકાર નથી કે ભારત સરકાર અને વડાપ્રધાન અંગે અપશબ્દ બોલે. આ અમને કદાપિ સ્વિકાર્ય નથી.