`ભારત બંધ`માં કોણ કોંગ્રેસની પડખે અને કોણે જાળવ્યું અંતર? જાણો એક ક્લિક પર
પેટ્રોલ ડીઝલના આગ ઝરતા ભાવવધારા સામે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે આ બંધને 21 વિપક્ષી પાર્ટીઓનું સમર્થન મળ્યું છે. જો કે કેટલીક પાર્ટીઓ તેના વિરોધમાં પણ છે
નવી દિલ્હી: પેટ્રોલ ડીઝલના આગ ઝરતા ભાવવધારા સામે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે આ બંધને 21 વિપક્ષી પાર્ટીઓનું સમર્થન મળ્યું છે. જો કે કેટલીક પાર્ટીઓ તેના વિરોધમાં પણ છે.
કોંગ્રેસ તરફથી આજે કરાયેલા ભારત બંધના આહ્વાનમાં જેમણે સમર્થન કર્યું છે તેમાં શરદ પવારની એનસીપી, ડીએમકે, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની જનતા દળ (સેક્યુલર), રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનેસ) શરદ યાદવની લોકતાંત્રિક જનતા દળ, આરજેડી, હિંદુસ્તાની અવામ મોર્ચા (હમ) બીએસપી, સીપીઆઈ, સીપીએમ, પીડબલ્યુપી, શેતકરી કામગાર પાર્ટી, આરપીઆઈ( જોગેન્દ્ર કવાડે જૂથ) અને રાજુ શેટ્ટીની સ્વાભિમાની શેતકારી પાર્ટી સામેલ છે. આ ઉપરાંત કોંગ્રેસનો દાવો છે કે અનેક ચેમ્બર્સ ઓફ કોમર્સ અને અનેક મજૂર સંગઠનોનો પણ તેને સાથ મળેલો છે.
કોણે બંધથી જાળવ્યું અંતર?
પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ, નવીન પટનાયકની બીજૂ જનતા દળ અને મહારાષ્ટ્ર સરકારમાં બીજેપીની સહયોગી શિવસેના, નીતિશકુમારની જનતા દળ(યુ) અને દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી( આપ)એ આ બંધનો વિરોધ કર્યો છે. આમ આદમી પાર્ટીએ રવિવારે જ સ્પષ્ટ કરી દીધુ હતું કે તેઓ કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલા ભારતબંધમાં સામેલ થશે નહીં. આ બાજુ પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે જે મુદ્દાઓ પર ભારત બંધ બોલાવવામાં આવ્યું છે તેના પર તેઓ સાથે છે પરંતુ પાર્ટી સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનરજીની ઘોષિત નીતિ મુજબ તેઓ રાજ્યમાં કોઈ પણ પ્રકારની હડતાળની વિરુદ્ધમાં છે.