સૌથી ઝડપતા વિશ્વના ટોપ-20 શહેરમાં ભારતના 17, ગુજરાતના સુરતનો વિકાસ તેજ
વર્ષ 2018થી 2035 દરમિયાન સુરત શહેર વાર્ષિક 9.2 ટકાના જીડીપીના દરે સૌથી ઝડપે વિકાસ કરશે
નવી દિલ્હીઃ ઓક્સફોર્ડ ઈકોનોમિક્સ દ્વારા તાજેતરમાં જ કરવામાં આવેલા સરવે પ્રમાણે 2019થી 2035 દરમિયાન વિશ્વમાં જે ટોપ-20 શહેરોનો વિકાસ થશે, તેમાં ભારતના 17 છે. ભારતીય શહેરોમાં ગુજરાતની સુરત શહેર સૌથી મોખરે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, "2035 સુધીમાં, ભારતીય શહેરોનો સંયુક્ત જીડીપી ચીનના શહેરોની સરખામણીએ ઘણો જ ઓછો હશે (અથવા ઉત્તર અમેરિકા અને યુરોપિયન શહેરો). જોકે, જીડીપીના વિકાસદરની બાબતે ભારતીય શહેરો સ્ટાર પરફોર્મર રહેશે. વિશ્વમાં 2019થી 2035 દરમિયાન જે 20 શહેરો પ્રમુખતાથી વિકાસ પામશે તેમાં ભારતના 17 છે."
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, એશિયન શહેરોનો સરેરાશ જીડીપી ઉત્તર અમેરિકા અને યુરોપિયન શહેરોના સંયુક્ત જીડીપીની સરખામણીએ 2027માં પ્રથમ વખત વધુ સારો હશે.
વૈશ્વિક શહેરોના વાર્ષિક વિકાસ દરનો રિસર્ચ રિપોર્ટ જાહેર કરતાં ઓક્સફોર્ડ ઈકોનોમિક્સે જણાવ્યું કે, 2035 સુધીામં ચીનના શહેરો ઉત્તર અમેરિકા અથવા યુરોપનાં શહેરોની સરખામણીએ વધુ આઉટપુટ પેદા કરશે. જોકે, રિપોર્ટે એક સત્ય એ પણ સ્વીકાર્યું છે કે, 2035 સુધીમાં ન્યૂયોર્ક શહેર સૌથી વિશાળ શહેરી અર્થતંત્ર બનેલું રહેશે.
ગુજરાતના સુરતનો તેજ વિકાસદર
આ સુરતમાં જે ચોંકાવનારી અને ગર્વ કરનારી વાત છે તે છે સુરત શહેરનો વાર્ષિક વિકાસદર. રિપોર્ટમાં જણાવાયું છે કે, સુરત શહેર 2018થી 2035 દરમિયાન 9.2%ના જીડીપીના વિકાસ દર સાથે ભારતીય શહેરોમાં સૌથી અગ્રેસર હશે. ત્યાર પછી આગરા, બેંગલુરુ, હૈદરાબાદ, નાગપુર, ત્રિપુરા, રાજકોટ, તિરુચિરાપલ્લી, ચેન્નઈ અને વિજયવાડાનો નંબર આવશે.
ભારતીય શહેરો સિવાય વિશ્વના અન્ય શહેરોમાં સૌથી ઝડપી વિકાસદર કંબોડિયાના નોમ પેન્હનો રહેશે. આ શહેર 8.1 ટકાના વિકાસ દરે પ્રગતિ કરશે.