અમેરિકાની મધ્યાવધિ ચૂંટણીમાં ટ્રમ્પને મોટો ફટકો, નિચલા ગૃહમાં ડેમોક્રેટ્સનો કબજો
મધ્યાવધિ ચૂંટણીમાં પ્રથમ વખત બે મુસ્લિમ મહિલાઓ પણ કોંગ્રેસમાં ચૂંટાઈ છે, એક સમલૈંગિક પુરુષ પણ ગવર્નર પદ માટે ચૂંટાયો છે
વોશિંગટનઃ અમેરિકામાં થયેલી મધ્યાવધિ ચૂંટણીનાં પરિણામો મંગળવારે આવ્યા હતા, જેમાં હવે કોંગ્રેસના નીચેના ગૃહમાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમતિ આવી ગઈ છે. એટલે કે અમેરિકન સંસદનું નિચલું ગૃહ ડેમોક્રેટિકના નિયંત્રણમાં આવી જશે. આ પરિણામ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો ફટકો કહેવાઈ રહ્યા છે. જોકે, તેમની રિપબ્લિકન પાર્ટીનું ઉપરના ગૃહ સેનેટમાં નિયંત્રણ રહેશે.
આ પરિણામોથી વોશિંગટનમાં સત્તાના સંતુલનમાં પરિવર્તન થવાની આશા છે. 2016માં થયેલી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી કોંગ્રેસના બંને ગૃહમાં બહુમત ધરાવતી હતી, પરંતુ હવે મધ્યાવધિ ચૂંટમીના પરિણામ બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પને શાસન ચલાવવામાં મુશ્કેલી પડી શકે છે. જોકે, દેશભરમાં અત્યારે મતગણતરી ચાલુ છે અને કેટલાક રાજ્યોમાં મતદાન પણ ચાલી રહ્યું છે.
પ્રથમ મુસ્લિમ પ્રતિનિધિ ચૂંટાઈ
મધ્યાવધિ ચૂંટણીમાં અનેક રેકોર્ડ પણ બન્યાં છે. પ્રથમ વખત મોટી સંખ્યામાં મતદારો વોટ આપવા નિકળ્યા હતા અને પ્રથમ બે મુસ્લિમ મહિલાઓ પણ ચૂંટાઈ આવી છે. તેમાં પણ એક સૌથી નાની વયની મહિલા કોંગ્રેસમાં પહોંચી છે. આ ઉપરાંત એક સમલૈંગિક પુરુષ ગવર્નર પદ માટે ચૂંટાયો છે.
ઈલ્હાન ઉમર નામની મહિલાએ મિન્નેસોટાની પાંચમી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટની અને રાશિદા તાલિબે મિશીગનની 13મી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ બેઠક પર વિજય મેળવ્યો છે. બંને કોંગ્રેસ માટે ચૂંટાયેલી પ્રથમ મુસ્લિમ મહિલા બનીં છે. આ બંને વિરોધ પક્ષ ડેમોક્રેટ પાર્ટીની ટિકિટ પર ચૂંટાઈ છે.
ઈલ્હાન ઉમર આ ઉપરાંત એવી પ્રથમ સોમાલી-અમેરિકન મહિલા છે જે કોંગ્રેસમાં પહોંચશે. તે બે દાયકા પહેલાં શરણાર્થી તરીકે અમેરિકા આવ્યાં હતાં. ઉમરની જેમ તાલિબ પણ પેલેસ્ટાઈનથી આવેલા એક શરણાર્થી પરિવારની પુત્રી છે.
ઉમર અને રાશિદાના આગમનથી કોંગ્રેસમાં મુસ્લિમ સમુદાયના લોકોની સંખ્યા વધીને ચાર થઈ જશે. આ ઉપરાંત બે અન્ય મુસ્લિમ પુરુષ પહેલાથી જ કોંગ્રેસમાં ચૂંટાયેલા છે.
માત્ર 29 વર્ષની ન્યૂયોર્ક ડેમોક્રેટિક કોંગ્રેસનલ ઉમેદવાર એલેક્ઝેન્ડરિયા ઓકાસિઓ કાર્ટેજ વિજયની સાથે જ કોંગ્રેસમાં પહોંચનારી સૌથી નાની વયની મહિલાનો રેકોર્ડ પણ પોતાને નામે કર્યો છે. લેટિન અમેરિકન દેશ પ્યુટોરિકાના માતા-પિતાની સંતાને રિપબ્લિકન ઉમેદવાર જો ક્રોલેને હરાવ્યો હતો.