Independence Day Special: દુનિયા જેમના કરે છે વખાણ, જાણો એવી ભારતીય નારી શક્તિના સંઘર્ષની કહાની
આજના દિવસે જાણીએ ભારતની એવી કેટલીક નારી વિશે જેમણે કરેલા કામની આખી દુનિયાએ નોંધ લીધી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. ભારત આજે દુનિયાના વિકસીત દેશોની સરખામણીએ કહી શકાય કે કદમથી કદમ મીલાવીને ચાલી રહ્યો છે. શિક્ષણથી લઈને સુરક્ષા સહિતના તમામ ક્ષેત્રેમાં ભારત હવે આત્મ નિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે વિવિધ ક્ષેત્રોમાં ભારતી નારી શક્તિએ જે અમુલ્ય યોગદાન આપ્યું છે એ પણ ક્યારેય ભૂલાય એવા નથી. જોકે, આજે તેમને યાદ કરવાનો દિવસ છે. ક્યારે આ આર્ટિકલમાં જાણીએ ભારતની એવી નારી શક્તિ વિશે જે દુનિયાભરમાં કરોડો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે.
ઈન્દિરા ગાંધીઃ આયર્ન લેડી તરીકે જાણીતા ભારતના પ્રથમ મહિલા પ્રધાન મંત્રી-
ઈન્દિરા ગાંધી જેઓ દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતા. જેમના કાર્યકાળમાં દેશ એક અલગ મજબૂતી સાથે આગળ આવ્યો. ઈન્દિરા ગાંધી ભારતરત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા નેતા છે. ઇન્દિરા ગાંધીની ગણના દુનિયાના સૌથી તાકતવર નેતાઓમાં કરવામાં આવે છે. ઇન્દિરા ગાંધીએ વર્ષ 1966-1977 દરમિયાન ભારતના પ્રધાનમંત્રી તરીકે સેવા આપી. ત્વરિત નિર્ણય લેવાના કારણે ઈન્દિરા ગાંધી લોકપ્રિય હતા. આ કારણોસર તેઓ પોતાની પાછળ દેશના આયર્ન લેડી તરીકેની છાપ છોડી ગયા. પોતાના પ્રધાનમંત્રીના કાળમાં તેમણે રણનીતિ અને રાજનીતિક કુશળતાનો પરિચય આપ્યો જેને આખુ વિશ્વ માને છે. જોકે દુર્ભાગ્યવશ 1984માં થયેલી સુવર્ણ મંદિરમાં તોફાનની ઘટનાની જવાબી કાર્યવાહી રૂપે તેમના જ શીખ બોડીગાર્ડસે હત્યા કરી હતી.
ભારત રત્ન લતા મંગેશકરઃ ધ ગ્રેટ સિંગર-
ભારત રત્ન લતા મંગેશકર જન્મ 28 સપ્ટેમ્બર, 1929ના રોજ ઇંદોરમાં થયો. લતાજીનું બાળપણનું નામ ‘હેમા’ હતુ. પછીથી તેમના માતા-પિતાએ નામ બદલીને લતા પાડ્યું. લતા મંગેશકરનાં પિતા દીનાનાથ એ જમાનામાં સુપ્રસિદ્ધ સંગીતકાર હતા. લતા મંગેશકર ભારતનાં સૌથી ખ્યાતનામ ગાયિકા છે. તેમની કારકિર્દી છ દાયકા ચાલતી આવે છે. લતાજીએ ઘણા બિનફિલ્મી ગીતો પણ ગાયા છે. પરંતુ તેમની ખ્યાતિ હિન્દી પાર્શ્વ ગાયિકા તરીકે થઈ. વર્ષ 1962માં ભારત ચીન યુદ્ધ પછી એક કાર્યક્રમમાં લતાજીએ પંડિત પ્રદીપનું લખેલુ ગીત 'એ મેરે વતન કે લોગો' ગાયું હતુ ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુની આંખોમાંથી આંસૂ આવી ગયા હતા. લતા મંગેશકરની બરાબરી કરી શકે તેવો કંઠ હજુ ફિલ્મી દુનિયાને પ્રાપ્ત થયો નથી. લતાજીએ 26 હજારથી પણ વધુ ગીતો ગાયા છે. તેમનું નામ પણ ગિનિસ બુકમાં આવ્યુ છે. લતા મંગેશકરને અનેક પુરસ્કાર અને સન્માન મળ્યા. પરંતુ જેટલા મળ્યા તેના કરતા પણ વધારે માટે તેમણે મનાઈ ફરમાવી દીધી. 1970 બાદ તેમણે ફિલ્મફેરને જણાવી દીધુ કે, તેઓ સર્વશ્રેષ્ઠ ગાયિકાનું પુરસ્કાર નહીં સ્વીકારે, તેમના જગ્યાએ નવા ગીતકારોને આપવાની અપીલ કરી. લતાજીને ભારત સરકાર તરફથી 1969માં પદ્મ ભૂષણ, 1989માં દાદા સાહેબ ફાળકે, 1999માં પદ્મ વિભૂષણ, 2001માં ભારત રત્નનું સન્માન મળ્યું.
મધર ટેરેસાઃ સમાજ સેવિકા-
મધર ટેરેસા એક એવું વ્યક્તિત્વ જેણે પોતાના વિચારો સાથે પુરી દુનિયાને બદલી નાંખી. મધર ટેરેસાને તેમની માનવતાની સેવા માટે ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળી ચૂક્યા છે. સમાજ સેવા અને લોક કલ્યાણના કામો કરવા બદલ લોકો મધર ટેરેસાની પ્રશંસા કરતા. 1980માં મધર ટેરેસાને દેશના સર્વોચ્ચ નગારીક સન્માન ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને 1979માં નોબેલ શાંતી પ્રાઇઝ સહિત વિશ્વના અનેક દેશોના એવોર્ડ મળ્યા છે. મધર ટેરેસાએ તેમનું પુરુ જીવન ગરીબ લોકોની સેવામાં સમર્પિત કરી દીધુ. મધર ટેરેસાએ માત્ર 18 વર્ષની ઉંમરે જ માનવસેવા કરવાનો નિર્ણય લીધો હતો. મધર ટેરેસાએ 1948માં મિશનરીઝ ઓફ ચેરિટી સંસ્થાની સ્થાપના કરી. 1996 સુધીમાં 125 અલગ અલગ દેશોમાં 755 જેટલા ઘર નિરાધાર લોકો માટે ખોલ્યા. જેમાં નિરાંશ્રિતોને આશરો, ભુખ્યા લોકોને ભોજન, બીમાર દર્દીઓ અને ગરીબોની સેવા શરૂ કરવામાં આવી. મધર ટેરેસાએ બેઘર બાળકો માટે શિશુ ભવન સ્થાપ્યા. ઉપરાંત વિશ્વભરમાં ગરીબી નાબૂદ કરવા અને તેમના જીવનમાં સુધારણા માટે અથાગ મહેનત કરી. એટલા માટે જ આજે પણ જ્યારે જ્યારે વિશ્વની મહાન મહિલાઓને યાદ કરવામાં આવે છે ત્યારે મધર ટેરેસાનું નામ સૌપ્રથમ લેવામાં આવે છે.
કલ્પના ચાવલાઃ પ્રથમ ભારતીય અવકાશયાત્રી-
દેશની સશક્ત મહિલાઓની વાત થતી હોય ત્યારે કલ્પના ચાવલાને કેવી રીતે ભુલી શકાય. જેઓ અવકાશમાં સફર કરનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા. બાળપણમાં આકાશમાંથી વિમાન પસાર થતું ત્યારે કુતુહલવશ તે વિમાનને જોયા કરતી અને આકાશમાં ઉડવાના સપના જોતી હતી. આખરે મોટી થઈને ખૂબ મહેનત કરી કલ્પના ચાવલાએ પોતાના સપનાને પુરુ કર્યુ અને અવકાશયાત્રી બન્યા. 1995માં કલ્પના નાસામાં અંતરિક્ષ યાત્રી તરીકે સામેલ થઇ. 1997માં તાલીમ લઇ અંતરિક્ષ શટલમાં પ્રવેશનારા કોલંબિયાના છ યાત્રીઓમાંની એક બની. સાથે અંતરિક્ષમાં જનારી ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રી બની. કલ્પનાએ 360થી વધુ કલાક અંતરિક્ષમાં વિતાવ્યા અને 1 કરોડ માઇલનું અંતર કાપી પૃથ્વી પર પરત ફરી. વર્ષ 2000માં ફરીથી તેઓ સ્પેસની સફરે ગયા. પરંતુ 2003માં જ્યારે શટલ પૃથ્વી પર નીચે આવી રહ્યુ હતુ તે દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાઇ અને સ્પેસ શટલ તૂટી પડ્યુ.. જેમાં કલ્પના સહિતના 6 યાત્રીઓએ દુનિયા ગુમાવી દીધી. દુનિયાએ ભારે દુઃખ સાથે કલ્પના ચાવલાની બહાદુરીને સલામ કરી. સપનાઓને સફળતામાં બદલી શકાય છે. બસ તેના માટે જરૂરી છે તમારી દીર્ઘ દ્રષ્ટી સાહસ અને લગન. કલ્પના હાલ આપણી વચ્ચે નથી પરંતુ તેમની શીખ આજે પણ દિકરીઓને સતત પ્રેરણા આપે છે.
મેરી કોમઃ પ્રથમ મહિલા બોક્સર-
મૈંગતે ચંગ્નેઇઝેંગ એટલે કે જે મેરી કોમના નામે વિખ્યાત છે, તેઓ એક ઓલિમ્પિક કાંસ્યપદક વિજેતા ભારતીય મહિલા મુક્કેબાજ છે. મેરી કોમનો જન્મ 1 માર્ચ 1983માં ભારતના ઉત્તર-પૂર્વી રાજ્ય મણિપુરમાં થયો. મેરી કોમ વર્લ્ડ બોક્સિંગ કોમ્પિટિશનની વિજેતા રહી ચૂક્યા છે. 6 વર્લ્ડ ચેમ્પિયનશિપની દરેકમાં એક મેડલ જીતનારી વિશ્વની એકમાત્ર મહિલા મુક્કેબાજ છે. 2012માં લંડન ઓલિમ્પિક્સમાં ભાગ લેનારી અને ફ્લાયવેઇટ કેટેગરીમાં કાંસ્યપદક જિતનારી એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે. મેરી કોમની પ્રતિભાથી પ્રભાવિત થઈને ઇન્ટરનેશનલ એમેચ્યોર બોક્સિંગ એશોસિએશને તેમને ‘મેગ્નિફિસન્ટ મેરી’નું સંબોધન આપ્યું. મેરી કોમની સફળતાએ અનેક ગરીબ પરિવારની યુવતીઓને પહેલા માત્ર પુરુષોની ગણાતી એવી મુક્કેબાજીની સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહન પૂરુ પાડ્યુ છે.
અવની ચતુર્વેદીઃ પ્રથમ મહિલા ફાઈટર પાયલટ-
મધ્યપ્રદેશના રેવામાં 27 ઓક્ટોબર 1993નાં રોજ જન્મેલા અવની ચતુર્વેદી ભારતની પ્રથમ મહિલા ફાઈટર પાયલટ છે. વર્ષ 2016માં, અવનીની સાથે મોહના સિંહ અને ભાવના કાંતને ભારતીય વાયુ સેનામાં ફાઈટર સ્ક્વોડ્રન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્રણેયને એક વર્ષ સુધી ફાઈટર પાયલટ તરીકે તાલીમ આપવામાં આવી હતી. આ પહેલા ભારતીય વાયુસેનામાં મહિલાઓને ફાઈટર પ્લેન ચલાવવાની મંજૂરી ન હતી. મંજૂરી મળ્યા બાદ અવની દેશની પ્રથમ મહિલા ફાઈટર પાઇલટ બની. વર્ષ 2018માં, અવની એકલા હાથે મિગ -21 ફાઈટર પ્લેન ઉડાડનારી પહેલી ભારતીય મહિલા પાયલટ બની. ત્યાર બાદ વર્ષ 2018માં અવનીની પદોન્નતિ ફ્લાઈટ લેફ્ટનન્ટના પદ પર થઈ.
જસ્ટીસ અના ચેંડીઃ પ્રથમ મહિલા ન્યાયાધીશ-
ભારતમાં પ્રથમ મહિલા ન્યાયાધીશનો બીરુદ જસ્ટીસ અન્ના ચેંડીને ફાળે જાય છે. તેમણે પોતાના દમ પર શ્રીમતી નામનું એક મેગેઝિન સ્થાપ્યું હતુ જેનો મુખ્ય હેતુ મહિલાઓને જાગૃત કરવાનો અને મહિલાઓના હકના કારણોને પ્રોત્સાહન આપવાનો હતો. આ સિદ્ધિ તેમણે સ્વતંત્રતા પહેલા વર્ષ 1937માં હાંસલ કરી હતી. આઝાદી પછી વર્ષ 1948માં તેઓ જિલ્લા અદાલતના ન્યાયાધીશ બન્યા. જેમાં 11 વર્ષ સેવા કર્યા પછી 1959માં તેમને કેરળની હાઇકોર્ટમાં બઢતી મળી. જસ્ટીસ અના ચેંડી પર એક આત્મકથા પણ લખવામાં આવી છે. જેમાં તેમની સિદ્ધિઓની ચર્ચા કરવામાં આવી અને ભવિષ્યના યુવાઓને પ્રેરણા આપી.
કિરણ બેદીઃ પ્રથમ મહિલા IPS ઓફિસર-
9 જૂન, 1949નાં રોજ જન્મેલા કિરણ બેદી એક નિવૃત્ત ભારતીય પોલીસ સેવા અધિકારી, સામાજિક કાર્યકર્તા, ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી છે. કિરણ બેદી ભારતીય પોલીસ સેવા (IPS)માં જોડાનાર પ્રથમ મહિલા છે. 2007માં સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા પહેલાં 35 વર્ષ સુધી તેમણે બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની સેવામાં વ્યસ્ત રહ્યા હતાં. કિરણ બેદીએ મહિલાઓ સામેના ગુનાઓમાં ઘટાડો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મે 1993માં, કિરણ બેદીની દિલ્લી જેલમાં ઇન્સ્પેક્ટર જનરલ (IG) તરીકે પોસ્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે તિહાડ જેલમાં અનેક સુધારા કર્યા. કિરણ બેદીએ કરેલી કામગીરીની વિશ્વભરમાં પ્રશંસા કરવામાં આવી અને 1994માં તેમને રામોન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. 2003માં કિરણ બેદી યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલના પોલીસ સલાહકાર તરીકે નિયુક્ત થનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા. ત્યારબાદ 2007માં તેમણે સામાજિક કાર્યકર્તા અને લેખન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રાજીનામું આપ્યું હતું.
આનંદી ગોપાલ જોશીઃ પ્રથમ મહિલા ડૉક્ટર-
આનંદી ગોપાલ જોશી ભારતમાં પ્રથમ મહિલા ડૉક્ટર હતા. ઉપરાંત યુએસથી તબીબીની ડિગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા. આનંદી ગોપાલ જોશીએ 1887માં પ્રથમ મહિલા ચિકિત્સર બન્યા હતા. તેઓએ અમેરિકામાં અભ્યાસ કર્યો હતો. જ્યારે તેઓ અભ્યાસના બીજા વર્ષમાં હતા ત્યારે તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમ છતાં તેઓ પોતાના અભ્યાસને લઇને ગંભીર હતા. પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ભારત પરત ફર્યા. પાછળથી તેમને ક્ષય રોગ હોવાની જાણ થઇ. સારવાર કરવામાં આવી છતાં માત્ર 21 વર્ષની વયે તેમનું અવસાન થયુ. તેમના નિધન સમયે દેશને એક વિદ્વાન મહિલાને ખોટ પડી હતી. પરંતુ આનંદી જોશીએ જતાં જતાં પણ ઘણી યુવા ભારતીય મહિલાઓ માટેના દરવાજા ખોલ્યા જેઓ પોતાનું જીવન ઘરના કામકાજમાં કાઢી નાખતા હતાં. તેઓ તમામ મહિલાઓ માટે એક પ્રેરણારૂપ રહ્યા.
ગીતા ગોપીનાથનઃ IMFમાં પ્રથમ ભારતીય મુખ્ય અર્થશાસ્ત્રી-
ગીતા ગોપીનાથન વર્ષ 2018મા આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)માં પહેલીવાર ભારતના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે નિયુક્તિ થઈ. હાર્વર્ડમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરનારી ગીતા, પ્રખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પછી હાર્વર્ડના અર્થશાસ્ત્ર વિભાગમાં કાયમી સભ્યપદ મેળવનારી બીજી ભારતીય છે. 2011માં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા ગીતા ગોપીનાથનને યંગ ગ્લોબલ લીડરનું બિરુદ મળ્યું હતું. 2014માં, IMF દ્વારા બહાર પાડવામાં આવેલા વિશ્વના ટોચના 25 અર્થશાસ્ત્રીઓમાં તેમનું નામ પણ લેવામાં આવ્યું હતું.
સાવિત્રીબાઈ ફુલેઃ સમાજ સુધારક-
સાવિત્રીબાઈ ફુલે ભારતીય સમાજ સુધારક, શિક્ષણવિદ અને કવિ હતાં. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજમહારાષ્ટ્રના એક દલિત પરિવારમાં થયો હતો. સાવિત્રીબાઈ ફુલેને ભારતના પ્રથમ મહિલા શિક્ષક માનવામાં આવે છે. તેમણે પતિ જ્યોતિરાવ ફુલે સાથે મળીને સ્ત્રી અધિકારો અને શિક્ષણના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કર્યુ. ફુલે દંપતીએ 1848માં પુણેના ભીડેવાડામાં પહેલી ભારતીય કન્યા શાળાની સ્થાપના કરી હતી. પુણે વિશ્વ વિદ્યાલયનું નામ તેમના નામ પર રાખવામાં આવ્યું, જે હવે સાવિત્રીબાઈ ફુલે પુણે વ્શ્વ વિદ્યાલય તરીકે ઓળખાય છે. તેમણે જાતિ અને લિંગના આધાર પર લોકો સાથે થતા અનુચિત વ્યવહાર અને ભેદભાવને સમાપ્ત કરવાનું કાર્ય કર્યું. મહારાષ્ટ્રમાં સમાજ સુધાર આંદોલનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. સમાજસેવી અને શિક્ષણવિદ ફુલે મરાઠી સાહિત્યના અગ્રગણ્ય લેખિકા તરીકે પણ જાણીતા છે. સાવિત્રીબાઇએ પોતાનું જીવન સમાજ સેવામાં સમર્પિત કર્યુ. 10 માર્ચ 1897 દરમિયાન પ્લેગને કારણે અસરગ્રસ્ત થયેલા દર્દીઓની સેવા કરવા સમયે સાવિત્રીબાઇનું નિધન થયું હતું.
સરોજિની નાયડુઃ હિંદની બુલબુલ-
સરોજિની નાયડુ અંગ્રેજી ભાષાના ભારતીય કવિયત્રી, સ્વાતંત્ર્યસેનાની અને પ્રથમ મહિલા રાજ્યપાલ હતા. સ્વરમીઠાશને કારણે લોકો તેઓ 'હિંદની બુલબુલ' તરીકે ઓળખાતા હતા. ભારત સરકારે 13 ફેબ્રુઆરી 1964ના રોજ તેમની સ્મૃતિમાં 15 પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડી હતી. 13 ફેબ્રુઆરી 1879ના રોજ હૈદરાબાદના બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા સરોજિની નાયડુનો ઉછેર હિન્દુ કે બ્રાહ્મણના બદલે એક ભારતીય તરીકે થયો હતો.1917માં સરોજિની નાયડુ રાજકારણમાં સક્રિય બન્યા. 1906માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનને તેમણે આપેલા વક્તવ્યથી ગોપાલ કૃષ્ણ ગોખલે પ્રભાવિત થયા અને તેમને માતૃભૂમિની સેવા કરવા માટે આગ્રહ કર્યો. સરોજિની નાયડુએ સ્ત્રીઓને આગળ લાવવા ઘણી ચળવળો ચલાવી. તેઓ હંમેશા હિન્દુ મુસ્લિમની એકતા માટે કાર્ય કરતા હતા. 1915થી 1918 સુધી તેમણે મોટેગ્યુંચેમ્સ્ફર્ડનો સુધારા અને રોલેટ એક્ટનો ખૂબ વિરુદ્ધ કર્યો હતો. તેમણે 1919માં બનેલા જલિયાવાલા બાગના હત્યાકાંડ તથા અમૃતસરમાં લશ્કરી કાયદા વિરુદ્ધ તેમણે ધારદાર વકતવ્યો આપ્યા હતા. 1914માં ગાંધીજીને મળ્યા અને તેમના જીવનમાં પરીવર્તન આવ્યું અને તેઓ સ્ત્રીસેવા, સમાજસેવા અને સત્યાગ્રહની લડતમાં ગળાબૂડ ડૂબી ગયા. 1925માં સરોજિની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદે ચૂંટાયા. 2 માર્ચ 1949માં રાજ્યપાલના હોદ્દા પર હતા તે દરમિયાન તેમનું અવસાન થયું હતું.
મેડમ ભીખાજી કામાઃ સ્વાતંત્ર્ય સેનાની-
મેડમ ભીખાજી કામા. એક એવી મહિલા હતા જેમણે વિદેશની ધરતી પર પ્રથમ વખત તિરંગો લહેરાવ્યો હતો. જ્યારે દેશમાં અંગ્રેજોનું શાસન હતુ ત્યારે ભારતીય તિરંગાને વિદેશની ધરતી પર લહેરાવવાનું શું મહત્વ હશે તેનો અંદાજો લગાવી શકાય છે. અને આ પરાક્રમ કર્યુ હતુ આ પારસી મહિલાએ. વર્ષ 1907માં જર્મનીના સ્ટુટગાર્ડમાં ઇન્ટરનેશનસ સોશિયાલિસ્ટ કોંગ્રેસમાં ભારતનો ઝંડો ફરકાવ્યો હતો. તેમના સાહસની ખુબ પ્રશંસા થઇ હતી. શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ કામા દ્વારા ડિઝાઇન કરાયેલા તે ભારતીય ઝંડાને હાલના ભારતીય તિરંહાની આધારશીલા તરીકે જોવાય છે. 1885માં ભારતીય કોંગ્રેસની સ્થાપના થઇ ત્યારે તેઓ માત્ર 24 વર્ષના હતા. છતાં તેમના વિચારો રાષ્ટ્રભક્તિને સમર્પીત હતા. ધીમે ધીમે તેઓ સક્રિય કાર્યકર બન્યા. તેવામાં મુંબઇમાં પ્લેગ ફાટી નીકળ્યો. લોકોની સેવા કરતા કતાં તેઓ પણ પ્લેગમાં સપડાઇ ગયા અને સારવાર માટે ઇંગ્લેન્ડ આવ્યા. જ્યાં તેઓ સ્વસ્થ રહેવાની સાથે સ્વતંત્રતાની ચળવળમાં હંમેશા કાર્યશીલ રહ્યા હતા.
લક્ષ્મી સહગલ: સ્વાતંત્ર્ય સેનાની-
લક્ષ્મી સહગલ ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના ક્રાંતિકારી, ભારતીય રાષ્ટ્રીય સૈન્યના અધિકારી, અને આઝાદ હિન્દ સરકારમાં મહિલા બાબતોના પ્રધાન હતા. સહેગલને ભારતમાં સામાન્ય રીતે "કેપ્ટન લક્ષ્મી" તરીકે ઓળખવામાં આવે છે. લક્ષ્મી સહેગલનો જન્મ મદ્રાસ પ્રેસિડેન્સીના મલબારમાં 24 ઓક્ટોબર 1914નાં દિવસે થયો હતો. સહેગલે ક્વીન મેરીસ કૉલેજમાં અભ્યાસ કર્યો અને 1937માં મદ્રાસ મેડિકલ કૉલેજમાંથી MBBSની ડિગ્રી મેળવી. લક્ષ્મી સહગલને ભારતીય સ્વતંત્રતા સેનાની ચળવળમાં શામેલ થવામાં રસ હતો. 1940માં સિંગાપોર ખાતેના રોકાણ દરમિયાન તેમની મુલાકાત સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજના કેટલાક સભ્યો સાથે થઈ. સુભાષચંદ્ર બોઝે સહેગલને મહિલા રેજિમેન્ટ સ્થાપવાનો આદેશ કર્યો. પૂર્ણ રીતે સ્ત્રીઓને બનેલી આ રેજિમેન્ટમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ અને લક્ષ્મી સહગલ બન્યા કેપ્ટન લક્ષ્મી. લક્ષ્મી સહગલે તેમના જીવનમાં ઘણી ભૂમિકાઓ નિભાવી. જેમ કે, ડૉક્ટર, ક્રાંતિકારી, રાજકીય ઉમેદવાર વગેરે. 1998માં, સહેગલને ભારતીય રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન દ્વારા પદ્મવિભૂષણ એનાયત કરાયો હતો.
અરૂણા અસફ અલીઃ સ્વાતંત્ર્ય સેનાની-
અરૂણા અસફ અલી ભારતની સૌથી પ્રભાવશાળી સ્વાતંત્ર્ય સેનાની મહિલઓમાં સમાવિષ્ટ છે. તેમની હિંમતને આજે પણ બીરદાવવામાં આવે છે. ભારતીય સ્વતંત્રતાની લડતમાં અરુણા અસફ અલી સ્વતંત્રતા ચળવળની ગ્રાન્ડ ઓલ્ડ લેડી તરીકે જાણીતા છે. અરુણાએ દાંડી કુચ દરમિયાન અનેક જાહેર વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જેના માટે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. 1942ના ભારત છોડો આંદોલનમાં તેમની ભૂમિકા માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. ભૂગર્ભ આંદોલનનો સક્રિય ભાગ બનીને તેમણે બ્રિટિશરો વિરુદ્ધ પોતાનું આંદોલન પણ ચાલુ રાખ્યુ હતુ.. તે સમયે તેઓ આંદોલનના હિરોઇન તરીકે ઓળખાવવા લાગ્યા હતા. ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં આંદોલન દરમિયાન તેમણે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને 1958માં તેઓ દિલ્લીના પ્રથય મેયર બન્યા હતા. ભારત રત્ન મેળવનાર તેઓ ત્રીજા મહિલા બન્યા હતા. 1997માં તેમના અવસાન બાદ તેમને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.