નવી દિલ્લીઃ દર વર્ષે 15મી ઓગસ્ટના દિવસે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે દર વર્ષે 26મી જાન્યુઆરી આપણે ગણતંત્ર દિવસ એટલેકે, પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. આખા દેશમાં અલગ-અલગ જગ્યાએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન ફરકાવવાનો પ્રકાર અલગ હોય છે. ઉલ્લેખનીય છેકે, 15 મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો હતો. જ્યારે 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતની પ્રજાના હાથમાં સત્તા સોંપાઈ હતી, બંધારણ અમલમાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને અહીંયાના નાગરિકો માટે 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બંને દિવસ મહત્વપૂર્ણ છે. 15 ઓગસ્ટે જ્યાં આખો દેશ શહીદોને નમન કરી આઝાદીની ઉજવણી કરે છે. તો 26મી જાન્યુઆરીએ આપણે પોતાના બંધારણ અને લોકતંત્રના મહત્વનો અહેસાસ કરાવે છે. વર્ષમાં આ બંને તહેવારો પર દેશભરમાં ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. પરંતુ બંનેમાં થોડોક તફાવત છે. ત્યારે આવા જ ત્રણ તફાવત તમને જણાવીશું.


પહેલો તફાવત:
નવી દિલ્લીમાં આયોજિત થનારા વિશેષ કાર્યક્રમ 26 જાન્યુઆરીના રોજ દેશના રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. જ્યારે 15 ઓગસ્ટે ધ્વજારોહણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે.


બીજો તફાવત:
26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ બંને મુખ્ય કાર્યક્રમ નવી દિલ્લીમાં આયોજિત થાય છે. પરંતુ જગ્યા અલગ-અલગ હોય છે. 26 જાન્યુઆરીએ ધ્વજારોહણ રાજપથ ખાતે કરવામાં આવે છે. જ્યારે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવામાં આવે છે.


ત્રીજો તફાવત:
આ અંતર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના પ્રકારમાં છે. 15 ઓગસ્ટે ત્રિરંગાને (જે થોડો નીચે બાંધેલો હોય છે) ઉપર તરફ ખેંચીને ફરકાવવામાં આવે છે. તેને ધ્વજારોહણ કહેવામાં આવે છે. જ્યારે 26 જાન્યુઆરીએ ઝંડો ઉપરથી જ બાંધેલો હોય છે. તેને ત્યાંથી ખોલીને ફરકાવવામાં આવે છે. જેને માત્ર ધ્વજ ફરકાવવો જ કહેવામાં આવે છે.


રાષ્ટ્રપતિ જ કેમ ફરકાવે છે ધ્વજ:
રાષ્ટ્રપતિ દેશના બંધારણના પ્રમુખ છે અને પ્રધાનમંત્રી રાજકીય. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. જેના માનમાં આ દિવસે ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે દેશને પોતાના પહેલા રાષ્ટ્રપતિ પણ મળ્યા હતા. ડૉ.રાજેન્દ્ર પ્રસાદે આ દિવસે રાષ્ટ્રપતિના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો. જેના કારણે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે.