નવી દિલ્હી: ભારતે કોરોના (Corona) રસીકરણ મામલે નવો રેકોર્ડ બનાવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં પાંચ દિવસમાં બીજીવાર કોરોના રસીના એક કરોડથી વધુ ડોઝ અપાયા અને અત્યાર સુધીમાં કુલ 65 કરોડથી વધુ ડોઝ  અપાઈ ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દિવસમાં 1.09 કરોડ ડોઝનો રેકોર્ડનો રેકોર્ડ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે સાંજે છ વાગ્યા સુધીમાં ભારતે એક દિવસમાં સૌથી વધુ 1.09 કરોડ ડોઝ આપવાનો રેકોર્ડ કર્યો છે. તેમણે પાંચ દિવસની અંદર જ બીજીવાર એક કરોડથી વધુ ડોઝ મૂકવાની ઉપલબ્ધિ બદલ સમગ્ર દેશના વખાણ કર્યા છે. આરોગ્યમંત્રીએ 50 કરોડથી વધુ પહેલો ડોઝ અપાયાની ઐતિહાસિક ઉપલબ્ધિ મેળવવામાં મદદ કરવા બદલ કોરોના વોરિયર્સ અને લોકોની લગનના પણ વખાણ કર્યા. 


મંત્રીએ ટ્વીટ  કરીને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દુનિયાના સૌથી મોટા રસીકરણ કેમ્પેઈન હેઠળ એક અન્ય ઉપલબ્ધિ મેળવવામાં આવી અને 50 કરોડ લોકો કોરોના રસીનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે. આ ઉપલબ્ધિ મેળવવામાં મદદ પહોંચાડવા બદલ કોરોના વોરિયર્સ અને લોકોની લગનની પ્રશંસા કરું છું. 



તેમણે લખ્યું કે ભારતે આજે કોરોના રસીના એક કરોડ ડોઝ લીધા. સાંજે 6 વાગ્યા સુધીમાં 1.09 કરોડ ડોઝ લેવાનો એક દિવસનો રેકોર્ડ, ગણતરી હજુ ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત કોરોનાનો જોરદાર ઢબે મુકાબલો કરી રહ્યો છે. 


આ રીતે આગળ વધ્યું કેમ્પેઈન
ભારતને 10 કરોડ ડોઝ સુધી પહોંચવામાં 85 દિવસ લાગ્યા અને ત્યારબાદ 20 કરોડ સુધી પહોંચવામાં 45 દિવસ લાગ્યા. આ સાથે જ 30 કરોડ સુધી પહોંચવામાં બીજા 29 દિવસ અને દેશને 40 કરોડના આંકડે પહોંચવામાં અન્ય 24 દિવસ લાગ્યા હતા. છ ઓગસ્ટના રોજ 50 કરોડ ડોઝનો આંકડો પાર કરવામાં 20 દિવસ લાગ્યા. જ્યારે 25 ઓગસ્ટના રોજ 60 કરોડનો આંકડો પાર કરવામાં 19 દિવસ થયા. 


અત્યાર સુધીમાં 65 કરોડ ડોઝ અપાયા
સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારતના કોરોના રસીકરણે આજે 65 કરોડ (65,12,14,767) ના ઐતિહાસિક પડાવને પાર કરી  લીધો છે. સાંજે સાત વાગ્યા સુધીના આંકડા મુજબ ત્રીજા તબક્કાની શરૂઆતથી અત્યાર સુધીમાં 18-44 વર્ષની વયના 25,32,89,059 લોકો પહેલો ડોઝ અને 2,85,62,650 લોકો બંને ડોઝ લઈ ચૂક્યા છે. 



અમેરિકા અને ચીન કરતા પણ આગળ
સૂત્રના જણાવ્યાં મુજબ ભારત 114 દિવસના સમયગાળામાં 14 કરોડ ડોઝ લગાવી ચૂક્યું હતું જે વિશ્વ રેકોર્ડ છે. અમેરિકાએ આટલા ડોઝ આપવામાં 115 દિવસ અને ચીનને 119 દિવસ લાગ્યા હતા. સૂત્રએ જણાવ્યું કે આ અગાઉ 27 ઓગસ્ટના રોજ ભારતમાં એક દિવસમાં કોરોના રસીના એક કરોડથી વધુ ડોઝ અપાયા હતા. જે ન્યૂઝીલેન્ડની સમગ્ર વસ્તીને બે વાર ડોઝ આપવા જેવું છે. 


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું તે સમયે હેલ્થવર્કર્સને રસી અપાઈ હતી. ત્યારબાદ બે ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સને સામેલ કરાયા. એક માર્ચથી 60 વર્ષથી ઉપરના અને અન્ય ગંભીર બીમારીથી પીડિત 45 વર્ષથી ઉપરના લોકોને તેમા સામેલ કરાયા હતા. ત્યારબાદ એક એપ્રિલથી આ અભિયાનમાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને સામેલ કરાયા. પછી એક મેના રોજ રસીકરણનો વિસ્તાર કરીને સરકારે 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવાનો નિર્ણય લીધો. 


(અહેવાલ-સાભાર ભાષા)