ભારત વિરુદ્ધ ઝેર ઓકતા મસૂદ અઝહરની કમર તોડી નાખી ભારતીય વાયુસેનાએ, ખાસ વાંચો અહેવાલ
ભારતીય વાયુસેના તરફથી કરવામા આવેલી આ `સર્જિકલ સ્ટ્રાઈક`માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા જૈશના આતંકી કેમ્પોને નિશાન બનાવતા બોમ્બવર્ષા કરવામાં આવી. ભારતીય વાયુસેનાએ ખાસ કરીને બાલાકોટમાં તબાહી મચાવી. આ બાલાકોટ જૈશ એ મોહમ્મદ માટે ખુબ મહત્વનું હતું.
નવી દિલ્હી: Indian Air Force Attack on Pakistan: ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સરહદની અંદર ચાલી રહેલા આતંકી કેમ્પો પર મંગળવારે વહેલી સવારે એર સ્ટ્રાઈક કરી. ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પુલવામામાં સીઆરપીએફ કાફલા પર પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદ દ્વારા કરાયેલા આતંકી હુમલાથી નારાજ ભારત તરફથી મંગળવારે વહેલી સવારે પીઓકેમાં જૈશના પ્રમુખ ઠેકાણાઓ પર કાર્યવાહી કરવામાં આવી. ભારતીય વાયુસેના તરફથી કરવામા આવેલી આ 'સર્જિકલ સ્ટ્રાઈક'માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા જૈશના આતંકી કેમ્પોને નિશાન બનાવતા બોમ્બવર્ષા કરવામાં આવી. ભારતીય વાયુસેનાએ ખાસ કરીને બાલાકોટમાં તબાહી મચાવી. આ બાલાકોટ જૈશ એ મોહમ્મદ માટે ખુબ મહત્વનું હતું. તેનો સૌથી મોટો ટ્રેનિંગ કેમ્પ પણ અહીં જ હતો.
અત્રે જણાવવાનું કે આ કાર્યવાહીના 12 દિવસ અગાઉ જ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ આતંકી જૂથ જૈશ એ મોહમ્મદના આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં.
ભારતીય વાયુસેનાના જેટ વિમાનોએ સુનિયોજિત હુમલા હેઠળ બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચકોટીમાં આતંકી શિબીરોને નિશાન બનાવ્યાં. ભારતીય વાયુસેનાના જેટ વિમાનોની સાથે સાથે આ મિશનમાં અન્ય સેન્ય જેટ વિમાનો પણ સામેલ હતાં.
ભારતીય વાયુસેનાની આ કાર્યવાહી બાદ જનતાના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આખરે આ ઓપરેશનને અંજામ આપવા માટે બાલાકોટની જ કેમ પસંદગી થઈ? આવો જાણીએ કે બાલાકોટ પર કેમ બોમ્બ ઝીંકવામાં આવ્યાં.
આ કારણથી વાયુસેનાએ કરી બાલાકોટમાં કાર્યવાહી
તાલિબાનના ખાત્મા બાદ જૈશ એ મોહમ્મદે પોતાના કેમ્પ બાલાકોટમાં શિફ્ટ કરેલા છે. વર્ષ 2000થી 2001 વચ્ચે જૈશે બાલાકોટમાં ટ્રેનિંગ કેમ્પ બનાવી લીધા હતાં. અલ રહેમાન ટ્રસ્ટના નામથી જૈશનું વધુ એક સંગઠન આ વિસ્તારમાં છે. ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે આતંકી મસૂદ અઝહરના સંબંધી મૌલાના યુસૂફ અઝહરનો સંબંધી બાલાકોટમાં ચાલતા તમામ આતંકી કેમ્પોનું સંચાલન કરતો હતો. વાયુસેનાની આ કાર્યવાહીથી મૌલાના યુસૂફ અઝહર પણ માર્યો ગયો છે.
આ ઉપરાંત બાલાકોટથી અઢીસો કિલોમીટર દૂર પેશાવરમાં પણ જૈશના ઠેકાણા છે. બાલાકોટથી 40 કિમી દૂર પીઓકેના મુઝફ્ફરાબામાં પણ જૈશના કેમ્પ છે. બાલાકોટને આતંકીઓનો ગઢ ગણવામાં આવે છે. આતંકી ગતિવિધિઓના કારણએ જ બાલાકોટ પણ અમેરિકાના રડાર પર છે. આ જ કારણોસર ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કાર્યવાહી કરી છે.