ભારત અને કેનેડા વચ્ચે રાજનીતિક સંકટ વધી રહ્યું છે. ભારતે કેનેડાના 6 રાજનયિકોને 19 ઓક્ટોબરના રોજ તેમના દેશ પાછા ફરવા જણાવી દીધુ. જ્યારે કેનેડાએ પણ ભારતના 6 રાજનયિકોને રવાના કર્યા. ભારત અને કેનેડા વચ્ચેના આ તણાવના કારણે હવે વિઝા અરજીઓમાં સમસ્યાઓ પેદા થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંને દેશો વચ્ચે ખરાબ થઈ રહેલા સંબંધોની અસર વિઝા પ્રક્રિયા પર પડી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ રાજનયિક સંકટથી વિઝાની સંખ્યામાં કાપ મૂકાઈ શકે છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો ગત વર્ષે ભારત પર ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ થવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હતા. ત્યારબાદથી ભારતે કેનેડાના બે તૃતિયાંશથી વધુ રાજનયિકોને પાછા મોકલી દીધા. એટલું જ નહીં કેનેડાના મિશનમાં પણ કર્મચારીઓની સંખ્યા ઘટી ગઈ. 


ગત વર્ષે જ્યારે તણાવ વધ્યો તો ભારતે એક મહિના માટે કેનેડાના નાગરિકો માટે વિઝા સર્વિસ સસ્પેન્ડ કરી હતી. એટલે કે ભારતે કેનેડાના નાગરિકોને વિઝા આપવા પર રોક મૂકી હતી. મળતી માહિતી મુજબ ભારત પાસે વિઝા માંગવામાં મોટાભાગે કેનેડામાં રહેતા ભારતીય મૂળના નાગરિકો છે જે પોતાના પરિજનોને મળવા માટે ભારત આવતા હોય છે. આવામાં આ પ્રતિબંધની સીધી અસર તેમના પર પડી. જો કે જે ભારતીય નાગરિકો પાસે ઓવરસીસ સીટિઝનશીપ ઓફ ઈન્ડિયા એટલે કે ઓસીઆઈ કાર્ડ કે લોંગ ટર્મ વિઝા હતા તેમના પર કોઈ અસર ન પડી. 


ભારતે નવેમ્બર 2023માં વિઝા સર્વિસ ફરીથી શરૂ કરી દીધી હતી. પરંતુ તેમાં પણ બિઝનેસ અને મેડિકલ વિઝાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. જવાબમાં કેનેડાએ પણ બેંગ્લુરુ, ચંડીગઢ, અને મુંબઈમાં વિઝા તથા પર્સનલ કોન્સ્યુલર સર્વિસને અસ્થાયી રીતે સસ્પેન્ડ કર્યા હતા. 


આ સિવાય ભારત અને કેનેડાએ અૃહજુ સુધી કોવિડ 19 બાદ સીધી એર કનેક્ટિવિટી પણ શરૂ કરી નથી. કેનેડા હજુ પણ ભારતીયો માટે સૌથી મનપસંદ જગ્યાઓમાંથી એક છે. જ્યાં પીઆર, વર્ક પરમિટ, અને સ્ટુડન્ટ વિઝા માટે હજારો  અરજીઓ આવે છે. આ વર્ષની શરૂઆતમાં કેનેડાએ બે વર્ષના સમયગાળા માટે અપાતા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝાની સંખ્યાને 3.60 લાખ સુધી સિમિત કરી હતી. જે 2022ની સરખામણીમાં 35 ટકા ઓછી છે. 


આ પગલાએ ભારતને સૌથી વધુ પ્રભાવિત કર્યું હતું. કારણ કે કેનેડામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાંથી 41 ટકા જેટલા તો ભારતીયો છે. વિઝાની સંખ્યામાં કાપ મૂકવાનો અર્થ એ છે કે ઓછા ભારતીય વિદ્યાર્થીઓને હવે કેનેડાની કોલેજમાં ભણવાની તક મળી શકશે.