Brahmos Missile: હવે અવળચંડા ચીનને નહીં મળે ચેન, ફિલિપાઈન્સ ભારતના બ્રહ્મોસથી થશે સજ્જ
ભારતની બ્રહ્મોસ મિસાઈલ હવે ફિલિપાઈન્સની કરશે સુરક્ષા. ભારતે બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલનો પહેલો જથ્થો પહોંચાડી દીધો છે. ભારતીય એરફોર્સના વિમાન અતિ ઘાતક બ્રહ્મોસ લઈને ફિલિપાઈન્સ પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.
વાત ભારતમાં તૈયાર થઈ રહેલી બ્રહ્મોસ મિસાઈલની છે. કેમ કે ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલનો પહેલો જથ્થો પહોંચાડી દીધો છે. ઈન્ડિયન એરફોર્સના વિમાન સી-17 ગ્લોબ માસ્ટર વિમાનમાં આ મિસાઈલને ફિલિપાઈન્સ મરીન કોર્પ્સને સોંપવામાં આવી. બ્રહ્મોસ મિસાઈલની ઘાતક ક્ષમતાને જોઈને ફિલિપાઈન્સે ભારત પાસે ડીલ કરી હતી. ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલની ત્રણ સિસ્ટમ સોંપી છે. જેમાં એક સિસ્ટમમાં બે મિસાઈલ લોન્ચર હશે. એક રડાર અને એક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હશે. તેની મદદથી સબમરીન, શિપ, એરક્રાફ્ટમાંથી મિસાઈલ લોન્ચ કરી શકાશે. 2 બ્રહ્મોસ મિસાઈલ 10 સેકંડની અંદર દુશ્મન પર ફેંકી શકાશે.
અત્રે જણાવવાનું કે બંને દેશો વચ્ચે જાન્યુઆરી 2022માં ડીલ થઈ હતી. બંને દેશ વચ્ચે 375 મિલિયન ડોલરની ડીલ થઈ હતી. બ્રહ્મોસ મિસાઈલ મેળવનાર પહેલો દેશ ફિલિપાઈન્સ બન્યો છે. આ મિસાઈલને ફિલિપાઈન્સ સાઉથ ચીન સી પર તહેનાત કરશે.
બ્રહ્મોસ મિસાઈલનું નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કવા નદીના નામને મળીને બનાવ્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ મધ્ય પ્રદેશની રેલીમાં કહ્યું કે પહેલાં આપણે બીજા દેશો પાસેથી હથિયાર ખરીદતા હતા. આજે આપણે બ્રહ્મોસ મિસાઈલ એક્સપોર્ટ કરી રહ્યા છીએ.
બ્રહ્મોસ મિસાઈલના અનેક વર્ઝન છે. બ્રહ્મોસને લોન્ચ પેડ, શિપ લોન્ચ, સબમરીન લોન્ચ, હવામાંથી લોન્ચ કરી શકાય છે. તેની મારક ક્ષમતા 290 કિલોમીટર સુધીની છે. તેને જોઈને ફિલિપાઈન્સે ભારત પાસેથી આ મિસાઈલ ખરીદી છે. તેની કેમ જરૂર પડી તેના પર નજર કરીએ તો...
- ચીન સાથે ફિલિપાઈન્સને હાલમાં સાઉથ ચીન સીમાં અથડામણ થઈ હતી.
- ફિલિપાઈન્સ આ મિસાઈલને સાઉથ ચીન સીમાં તહેનાત કરશે
- તેનાથી સમુદ્રમાં ફિલિપાઈન્સની તાકાતમાં વધારો થશે.
- સમુદ્રમાં ચીનના વધતા પ્રભાવને રોકવામાં બ્રહ્મોસ અસરકારક બનશે.
બ્રહ્મોસની ડીલથી ફિલિપાઈન્સને મજબૂતી મળશે. તો ભારત આત્મનિર્ભર બનવા માટે સક્ષમ બનશે. આ ડીલથી મિલિટ્રી ઈન્ડસ્ટ્રીનું મનોબળ વધશે અને સાઉથ-ઈસ્ટ એશિયામાં ભારત એક વિશ્વાસપાત્ર એક્સપોર્ટરના રૂપમાં આગળ વધશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube