ઝાડ પર કેમ લગાવાય છે લાલ અને સફેદ રંગના પટ્ટા? જાણો તેની પાછળનું કારણ
તમે રસ્તા પર જતા હશો તો આજુ બાજુ ઘણા બધા વૃક્ષો જોવા મળશે. પરંતુ શહેરમાં અથવા કોઈ જાહેર સ્થળો પર ઝાડના થડના ખાસ પ્રકારના રંગથી રંગાયેલા જોવા મળે છે. જેની પાછળ પણ એક ખાસ કારણ રહેલું છે.
નવી દિલ્લીઃ શહેરોમાં વૃક્ષોને સુંદર રીતે રંગોથી રંગવામાં આવે છે. જેમાં ખાસ કરીને વૃક્ષના થડમાં લાલ અને સફેદ રંગના પટા દોરેલા હોય છે. આ પદ્ધતિ ખુબ જ જૂની છે. પરંતુ ક્યારે એ સવાલ થયો કે આવી રીતે જ કેમ. લાલ અને સફેદ રંગ જ કેમ. અન્ય કોઈ રંગ કેમ નથી લગાવાતા ઝાડના થડ પર. તો આજે આવા તમામ સવાલોના જવાબ તમને મળી જશે.
કોઈ પણ રોપાને વૃક્ષ બનતા ઘણો સમય લાગે છે. છોડની ખુબ જ માવજત કરવી પડે છે. જેથી તેને કોઈ નુકસાન ના પહોંચે. વર્ષોની મહેનત બાદ છોડ ઘટાદાર વૃક્ષ બની જતું હોય છે.પરંતુ વૃક્ષ બન્યા બાદ પણ તેની ઘણી સાર સંભાળ રાખવી પડતી હોય છે. ત્યારે વૃક્ષના થડમાં લાલ અને સફેદ રંગના પટ્ટા દોરવામાં આવે છે.
વૃક્ષને રક્ષણ આપે છે રંગ-
ઝાડના નીચેના ભાગમાં કલર કરવાની પદ્ધતિ ખૂબ જ જૂની છે. લીલોતરીવાળા ઝાડને વધુ શક્તિ મળે તેના માટે આવું કરવામાં આવતું હોય છે. વૃક્ષ મોટું થાય એટલે તેના થડમાં તિરાડો પડે છે અને તેની છાલ નીકળવા લાગે છે. જેનાથી વૃક્ષ નબળું પડતું હોય છે. ત્યારે ઝાડને મજબૂત કરવા માટે સફેદ અને લાલ રંગના પટ્ટા મારવામાં આવે છે.
વૃક્ષનું આયુષ્ય વધારવા ખાસ પદ્ધતિ-
ઝાડ પર કલર કરવાનું એક કારણ એ પણ છે કે તેમાં જીવાતો થતી નથી. જંતુઓ થવાથી કોઈ પણ વૃક્ષ ખોખલું થઈ જતું હોય છે. જેને અટકાવવા માટે લાલ અને સફેદ રંગના પટ્ટા કરવામાં આવે છે. કલર કરવાથી ઝાડમાં જંતુઓ થતાં નથી. ઝાડને કલર કરી જીવજંતુઓથી બચાવી શકાય છે જેનાથી તેનું આયુષ્ય વધે છે.
જાગૃતતાનો પુરાવો છે રંગ-
ઝાડને કલર કરવાથી તેને રક્ષણ મળી રહે છે. કલર કામ થયેલું હોવાથી એ સાબિત થાય છે વન વિભાગ વૃક્ષની જાળવણી માટે સજાગ છે. અને આ વૃક્ષોને કાપવામાં આવતા નથી. કેટલાક સ્થળો પર ઝાડને કલર કરવા માટે માત્ર સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ઘણી જગ્યાએ લાલ અને વાદળી રંગનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
રસ્તાની ઓળખ માટે પણ થાય છે ઉપયોગ-
હાઈવે રોડ પર તમ વૃક્ષોની મોટી સંખ્યામાં હાજરી જોતા હશો. જેથી અહીં કલર કરવાની પદ્ધતિ ખુબ જ કારગત નિવડે છે. રાષ્ટ્રીય રસ્તાની આજુ-બાજુ લગાવેલા ઝાડને સફેદ કલરથી રંગવામાં આવે છે. જેથી રાતના અંધારામાં પણ તેની ચમકથી વાહન ચાલકોને રોડની ખબર પડે છે.