Voter Id Aadhaar Link: સરકારે વોટર આઈડીને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારી, ઘરે બેઠા આ રીતે કરો પ્રોસેસ
જો તમ હજુ સુધી તમારું વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું ન હોય તો સમય કાઢીને પહેલા કરાવી લો. કારણ કે કેન્દ્ર સરકારે મતદાર ઓળખ પત્રને આધાર સાથે જોડવા મામલે મોટી રાહત આપી છે. સરકારે વોટર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા એક વર્ષ આગળ વધારી છે. સરકારનું આ પગલું અનેક લોકોને રાહત આપનારું રહેશે. જે લોકોએ વોટર આઈડીને આધાર સાથે લિંક કરાવ્યું છે તેમણે સારું કામ કર્યું છે અને જે લોકોએ હજુ સુધી આ કામ પૂરું કર્યું નથી તેમના માટે કેન્દ્ર સરકારે સમયમર્યાદા આગળ વધારી છે. નાગરિકો પોતાના આધારને વોટર આઈડી સાથે ઓનલાઈન કે એસએમએસના માધ્યમથી પણ લિંક કરી શકે છે.
એક વર્ષ સમયમર્યાદા આગળ વધી
મળતી માહિતી મુજબ સરકારે મતદાર ઓળખ પત્રને આધાર કાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ એક વર્ષ આગળ વધારીને હવે 31 માર્ચ 2024 સુધીની કરી છે. આ અગાઉ મતદાર ઓળખ પત્રને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ આ વર્ષની હતી એટલે કે 1 એપ્રિલ 2023 સુધીની હતી. જો કે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે વોટર આઈડી કાર્ડને આધાર સાથે લિંક કરવું એ સ્વૈચ્છિક છે.
આ કારણે સરકારે ભર્યું પગલું
વાતજાણે એમ છે કે દેશમાં ફેક મતદાનને જોતા કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2021માં લોકસભામાં એક બિલ રજૂ કર્યું હતું. આ બિલનું નામ ચૂંટણી કાયદો (સંશોધક) બિલ હતું અને તેને સદનમાં પાસ કરાવ્યું હતું. બિલ પાસ થતા જ દેશમાં આધાર કાર્ડને વોટર આઈડી સાથે જોડવું અધિકૃત થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ આ લિંકિંગ એક જ મતદાન વિસ્તારમાં એકથી વધુ મતદાર ક્ષેત્રમાં કે એકથી વધુ વાર એક જ વ્યક્તિના નામ પર રજિસ્ટ્રેશનની ઓળખમાં મદદ કરે છે.
એસએમએસ દ્વારા લિંક કરાવી શકો છો
જો તમે ઈચ્છો તો તમારું વોટર આઈડી કાર્ડ તમે આધાર સાથે લિંક કરાવવા માટે ફોનનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે એક એસએમએસ મોકલવાનો રહેશે. તમારા આધાર કાર્ડમાં જે નંબર છે તેનાથી તમે 166 કે 51969 નંબર પર એક SMS મોકલી શકો છો. જેમાં તમારે ECLINK સ્પેસ ઈપીઆઈસી નંબર સ્પેસ આધાર નંબર લખવાનો રહેશે. ત્યારબાદ ઉપર આપેલા નંબર પર સેન્ડ કરી લો.
ટોલ ફ્રી નંબર પર કરો કોલ
લોકોની સગવડતા માટે કેન્દ્ર સરકારે ટોલ ફ્રી નંબરથી પણ વોટર આઈડી કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની સુવિધા આપી છે. આ માટે કેન્દ્ર સરકારે અલગ અલગ રાજ્યોમાં પોતાના કોલ સેન્ટર કોલ્યા છે. 1950 ટોલ ફ્રી નંબર પર કોલ કરીને તમે લિંક કરાવી શકો છો.
સ્ટેપ બાય સ્ટેપ માહિતી
ઘરે બેઠા પણ તમે વોટર આઈડી આધાર સાથે લિંક કરાવી શકો છો. આ માટે ઓનલાઈન માધ્યમથી લિંક કરાવવાની પ્રોસેસ જાણો...
સ્ટેપ 1- રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ (એનવીએસપી) ની અધિકૃત વેબસાઈટ nvsp.in પર જાઓ.
સ્ટેપ- 2- પોર્ટલ પર લોગ ઈન કરો અને હોમ પેજ પર 'સર્ચ ઈન ઈલેક્ટોરલ રોલ' વિકલ્પ પર જાઓ.
સ્ટેપ 3- વ્યક્તિગત માહિતી આપો અને આધાર નંબર નાખો.
સ્ટેપ 4- આધાર વિગતો નાખ્યા બાદ યૂઝરને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર કે ઈમેઈલ પર ઓટીપી મળશે.
સ્ટેપ 5- વેરિફિકેશન કરવા માટે ઓટીપી નાખો. એકવાર થઈ ગયા બાદ તમારું વોટર આઈડી એ આધાર સાથે લિંક થઈ જશે.