નવી દિલ્હી/વોશિંગ્ટન: દેશમાં હાલ આતંકી હુમલાઓ વધી રહ્યાં છે. જમ્મુ અને કાશ્મીરમાં આતંકી સંગઠન સતત સુરક્ષાદળો અને પોલીસકર્મીઓને નિશાન બનાવી રહ્યાં છે. આ બધા વચ્ચે અમેરિકાથી એક એવો અહેવાલ સામે આવ્યો છે. જે મુજબ દુનિયાના તમામ આતંક પ્રભાવિત દેશોમાં ભારત સતત બીજા વર્ષે ત્રીજા સ્થાને રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકી વિદેશ વિભાગ દ્વારા પોષિત નેશનલ કન્સોર્ટિયમ ફોર ધી સ્ટડી ઓફ ટેરરિઝમ એન્ડ રિસ્પોન્સ ટુ ટેરરિઝમ (START)ના તાજા અહેવાલ મુજબ 2017માં દુનિયામાં આતંકનો સૌથી વધુ માર ઈરાકે ઝેલ્યો. બીજા સ્થાને અફઘાનિસ્તાન રહ્યું અને આ રિપોર્ટ મુજબ ભારતમાં માઓવાદીઓએ આતંકના મામલે સૌથી વધુ ચોટ પહોંચાડી છે. 


ભારતમાં સીપીઆઈ-માઓવાદી છઠ્ઠો ખતરનાક આતંકી સમૂહ
STARTના રિપોર્ટ મુજબ ભારતના સીપીઆઈ-માઓવાદી સંગઠનને 2017નું દુનિયાનું છઠ્ઠુ ખતરનાક આતંકી સંગઠન ગણાવવામાં આવ્યું છે. 2017માં આ સંગઠને 317 હુમલા કર્યાં. આ હુમલામાં 233 લોકોના મોત થયા છે. આ હુમલામાં 2016ની સરખામણીમાં 12 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ દરમિયાન તેના હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યામાં 15 ટકા વધારો નોંધાયો છે જે ભારત માટે ખતરાની ઘંટી છે. 



ભારત સહિત 5 દેશોમાં 59 ટકા હુમલા
2017માં દુનિયામાં થયેલા કુલ આતંકી હુમલામાં 59 ટકા હુમલા ભારત અને પાકિસ્તાન સહિત એશિયા મહાદ્વિપના પાંચ દેશોમાં થયાં. આ હુમલાનો શિકાર સૌથી વધુ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાક અને ફિલિપાઈન્સ થયા. દુનિયામાં થયેલા કુલ આતંકી હુમલામાં થી અડધાથી વધુ હુમલા ચાર દેશોમાં થયાં. જેમાં ઈરાકમાં 23 ટકા, અફઘાનિસ્તાનમાં 13 ટકા, ભારતમાં 9 ટકા અને પાકિસ્તાનમાં 7 ટકા હુમલા થયાં. આ હુમલામાં મરનારા કુલ લોકોમાં અડધાથી વધુ મોત 3 દેશો ઈરાક (24 ટકા), અફઘાનિસ્તાન (13 ટકા) અને સીરિયા (8 ટકા)માં થઈ. 


હિજબુલ અને ટીટીપી પણ સૂચિમાં સામેલ
દુનિયાના 20 સૌથી ખૂંખાર આતંકી સંગઠનોની સૂચિમાં સીપીઆઈ-માઓવાદી છઠ્ઠા સ્થાને છે. આ ઉપરાંત ગોરખા જનમુક્તિ મોર્ચા (જીજેએમ)ને 14માં સ્થાને રખાયું છે. જીજેએમએ 2017માં 70 હુમલા કર્યાં અને એક વ્યક્તિને માર્યો. આ સૂચિમાં પાકિસ્તાનનું આતંકી સંગઠન તહરિક એ તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) 11માં સ્થાને છે. તેના 106 હુમલામાં 500 લોકો માર્યા ગયાં. જ્યારે ભારતમાં આતંક ફેલાવનાર પાકિસ્તાનનું આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીન 20માં સ્થાને છે. તેણે 49 હુમલા કર્યાં જેમાં 47 લોકો માર્યા ગયાં. 2016ની સરખામણીમાં આ હુમલામાં 188 ટકાનો વધારો થયો. 


જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલામાં 24 ટકાનો વધારો
અમેરિકી વિદેશ વિભાગ દ્વારા પોષિત સ્ટાર્ટ તરફથી ભેગા કરાયેલા આંકડામાં દાવો કરાયો છે કે જમ્મુ અને કાશ્મીરમાં 2017માં આતંકી ઘટનાઓમાં 24 ટકાનો વધારો થયો છે. જ્યારે પ્રદેશમાં આ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યામાં આ દરમિયાન 89 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ મુજબ 2017માં ભારતમાં કુલ 860 આતંકી હુમલા થયા જેમાંથી 25ટકા હુમલા ફક્ત જમ્મુ અને કાશ્મીરમાં થયા છે. 



2017માં ઘટ્યો વૈશ્વિક આતંકવાદ
રિપોર્ટમાં દાવો કરાયો છે કે 2017માં સતત ત્રીજા વર્ષે દુનિયામાં આતંકી હુમલામાં 23 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે આતંકી હુમલામાં મરનારા લોકોની સંખ્યામાં પણ 27 ટકા ઘટાડો થયો છે. 2017માં દુનિયાભરમાં કુલ 10,900 આતંકી હુમલા થયા. જેમાં 26,400 લોકોના મોત થયાં. આ અગાઉ 2014માં દુનિયામાં 17000 સર્વોચ્ચ આતંકી હુમલા નોંધાયા હતાં. જેમાં 45000 લોકોના મોત થયા હતાં. 2017ના વર્ષનો સૌથી જીવલેણ આતંકી હુમલો સોમાલિયાની રાજધાની મોગાદીશૂમાં થયો હતો. એક વિસ્ફોટમાં 580 લોકો માર્યા ગયા હતાં. 


દુનિયાના સૌથી ખૂંખાર આતંકી સંગઠન
રિપોર્ટ મુજબ ઈસ્લામિક સ્ટેટ (ISIS) દુનિયાનું સૌથી ખૂંખાર આતંકી સંગઠન રહ્યું. તેણે 2017માં દુનિયાભારમાં 1321 આતંકી હુમલા કર્યાં જેમાં કુલ 7120 લોકો માર્યા ગયાં. જો કે ISISના હુમલામાં 10 ટકા અને મૃતકોની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો થયો છે. આ સૂચિમાં બીજા સ્થાને તાલિબાન છે જેણે દુનિયાભરમાં 907 હુમલા કર્યાં. હુમલામાં 4925 લોકોના મોત થયાં. અલ શબાબ ત્રીજા સ્થાને છે. જેણે 573 હુમલા કર્યાં અને 1894 લોકોને માર્યાં. ચોથા સ્થાને ન્યૂ પીપલ્સ આર્મી છે. તેણે 363 હુમલા કર્યાં જેમાં 200 લોકોના મોત થયાં. પાંચમા સ્થાને બોકો હરામ છે. આ જૂથે 2017માં 337 હુમલા કર્યાં અને 1577 લોકોના મોત થયાં.