CWCની બેઠક બાદ રાહુલ ગાંધીની મોટી જાહેરાત! તમામ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કરાશે જાતિ ગણતરી
કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં જાતિ જનગણના પર સર્વસંમંતિ સધાઈ હતી. કાર્યકારી સમિતિની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે સમિતિએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિની વસ્તી ગણતરી કરવામાં આવશે
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીનો નવો દાવ. ભાજપની પછાડવા રાહુલ ગાંધીએ ખેલ્યું જાતિ ગણતરીનું કાર્ડ. દિલ્લી ખાતે મળેલી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક બાદ રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત. હવે તમામ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ જનગણના કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, આગામી વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે અત્યાર સુધી કોંગ્રેસ વિવિધ મુદ્દાઓ પર ભાર મુકીને જન માનસ પર અસર છોડવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે CWC એટલેકે, કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક બાદ આખરે કોંગ્રેસને લોકસભાનો મુદ્દો મળી ગયો છે. ખુદ રાહુલ ગાંધીએ આ અંગેની જાહેરાત કરી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે જાતિ ગણતરીના મુદ્દા પર આગળ વધવાનું નક્કી કર્યું છે.
કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં જાતિ જનગણના પર સર્વસંમંતિ સધાઈ હતી. કાર્યકારી સમિતિની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે સમિતિએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિની વસ્તી ગણતરી કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે હવે દેશ જાતિ ગણતરી ઈચ્છે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વર્કિંગ કમિટીમાં જાતિ ગણતરીના મુદ્દા પર 4 કલાક ચર્ચા થઈ.
શું 'INDIA' રાહુલનો સાથ આપશે?
રાહુલ ગાંધીએ આશા વ્યક્ત કરી હતી કે INDIA ગઠબંધનના સહયોગી આ માટે સહમત થશે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે જે વચન આપીએ છીએ તે પાળીએ છીએ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમે જ્ઞાતિની વસ્તી ગણતરી માટે ભાજપ પર દબાણ બનાવીશું. રાહુલે કહ્યું કે જો તેઓ આમ નહીં કરે તો તેમણે પાછળ હટી જવું જોઈએ કારણ કે દેશ જાતિની વસ્તી ગણતરી ઈચ્છે છે.
જાતિ ગણતરી પછી આર્થિક સર્વે પણ-
રાહુલ ગાંધીએ કહ્યું કે જાતિ ગણતરી બાદ આર્થિક સર્વે પણ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે દરેકને ન્યાય મળે તે માટે જાતિની વસ્તી ગણતરી કરવામાં આવશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે સરકાર પાસે ડેટા છે અને તેને જાહેર કરવો જોઈએ. કોંગ્રેસ નેતાએ ફરી એકવાર OBC મુદ્દે પીએમ મોદીને ઘેર્યા છે. રાહુલે કહ્યું કે પીએમ નથી ઈચ્છતા કે ઓબીસીની કોઈ ભાગીદારી ન હોય. તેમણે કહ્યું કે અમે વસ્તીના આધારે હિસ્સેદારી એટલેકે, ભાગીદારી ઈચ્છીએ છીએ.