G20 Summit 2023: પાકિસ્તાન અને ચીનની ચાલ પર ભારતે કેવી રીતે પાણી ફેરવી દીધું? જાણો
ભારતે G20 સમિટની બેઠક માટે ચીન અને પાકિસ્તાનના નાપાક મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ગૃહ યુદ્ધ તરફ આગળ વધતું પાકિસ્તાન હજુ પણ સમજવાનું નામ નથી લેતું.
નવી દિલ્હીઃ G20 સમિટ માટે થોડા દિવસો પહેલા અરુણાચલ પ્રદેશમાં એક બેઠક યોજાઈ હતી. આ માટે ચીન સહિતના તમામ દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે ચીને આ બેઠકથી પોતાને દૂર રાખ્યું હતું. પાકિસ્તાન અને ચીને G20 બેઠકની તારીખ અને સ્થળ બાબતે વાંધો ઉઠાવ્યો હતો. ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક 22-24 મેના રોજ શ્રીનગરમાં યોજાવાની હતી. જો કે ભારતે ચીન અને પાકિસ્તાનના પાયાવિહોણા વાંધાને ફગાવતા સ્પષ્ટ કર્યું છે કે બેઠક શ્રીનગરમાં જ યોજાશે.
ચીન આ મુદ્દે પોતાની મનમાની કરવા માગે છે. પાકિસ્તાનની હાલત તો એટલી ખરાબ છે કે ત્યાં લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. તેમ છતા તે ભારત વિરુદ્ધ કાવતરું ઘડવામાં સૌથી આગળ છે. પાકિસ્તાને શ્રીનગરમાં યોજાનારી બેઠકને રોકવા માટે સાઉદી અરેબિયા, તુર્કી અને ચીનને અપીલ કરી હતી. શ્રીનગરમાં બેઠકનો વિરોધ કરવા પાકિસ્તાન આ તમામ દેશો સામે કરગર્યું પણ ખરૂં. જો કે ભારતે પાકિસ્તાનના મનસૂબા સફળ ન થવા દીધા. આ દરમિયાન ચીને અરુણાચલના 11 સ્થળોના નામ બદલી નાખ્યા. જેનો ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચોઃ દલાઈ લામાએ બાળકને કિસ કરી અને કહ્યું...... સોશિયલ મીડિયા પર થયો વિરોધ, વીડિયો વાયરલ
ભારતે શુક્રવારે જ પોતાનું G20 કેલેન્ડર અપડેટ કર્યું છે. જેમાં પર્યટનને લગતી બેઠકનો દિવસ 22-24 મે નક્કી કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે અરુણાચલની જેમ ચીન પણ શ્રીનગરની બેઠકનો બહિષ્કાર કરી શકે છે. જો કે, સત્તાવાર સૂત્રોનું માનીએ તો શ્રીનગરમાં આયોજિત બેઠક અંગે કોઈ સંદેહ નહતો. ગયા વર્ષથી જ તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન ચીનના સંરક્ષણ અને વિદેશ મંત્રી SCOની બેઠક માટે ભારતની મુલાકાત લઈ શકે છે. જુલાઈમાં SCO સમિટની તારીખ નક્કી કરવા માટે ભારત ચીન, રશિયા અને અન્ય દેશોના સંપર્કમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube