નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના નવા કેસ અને મોતના આંકડામાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. દેશમાં એકવાર ફરીથી કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 24 કલાકમાં 1.32 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 3207 લોકોના મૃત્યુ થયા છે. આ અગાઉ મંગળવારે જાહેર કરાયેલા આંકડા મુજબ દેશભરમાંથી નવા 1.27 લાખ કેસ નોંધાયા હતા જ્યારે 2795 લોકોના મોત થયા હતા. 


છેલ્લા 24 કલાકમાં 1.32 લાખથી વધુ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,32,788 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા હવે 2,83,07,832 થઈ છે. જેમાંથી 17,93,645 દર્દીઓ હજુ પણ સારવાર  હેઠળ છે. એક દિવસમાં કોરોનાથી 2,31,456 દર્દીઓ રિકવર થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,61,79,085 પર પહોંચી છે. થોડી રાહત બાદ આજે મૃત્યુના આંકડામાં ફરીથી વધારો જોવા મળ્યો. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 3207 દર્દીઓનો ભોગ લીધો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 3,35,102 થઈ ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 21,85,46,667 ડોઝ અપાયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube