નવી દિલ્હીઃ  ભારત સરકારે આર્જેન્ટિના સાથે લિથિયમના અન્વેષણ અને ખોદકામ માટે લિથિયમ એક્સપ્લોરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આર્જેન્ટિનામાં પાંચ લિથિયમ બ્લોકના અન્વેષણ સાથે સંકળાયેલો ભારત સરકારનો આ કરાર કાર્બન ઉત્સર્જન ઓછું કરવાની દિશામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ ઉપરાંત, આ કરાર લિથિયમની આયાત માટે ભારતની ચીન પરની નિર્ભરતાને ઓછી કરવામાં મદદરૂપ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15,703 હેક્ટર વિસ્તારમાં પાંચ લિથિયમ બ્રાઇન બ્લોક સાથે સંકળાયેલો આ ભારતનો પ્રથમ લિથિયમ અન્વેષણ અને ખાણકામ પ્રોજેક્ટ છે. કેન્દ્ર સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે, 'આ વ્યૂહાત્મક પગલું ફક્ત ભારત અને આર્જેન્ટિના વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને જ મજબૂત નહીં બનાવે, પરંતુ તે ખાણકામ ક્ષેત્રના ટકાઉ વિકાસમાં પણ યોગદાન આપશે, જે વિવિધ ઉદ્યોગો માટે જરૂરી મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનિજો માટેનું વાતાવરણ પૂરું પાડશે અને એક ફ્લેક્સિબલ અને વૈવિધ્યસભર પુરવઠા શ્રૃંખલા સુનિશ્ચિત કરશે.'


પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય તરફ સકારાત્મક પરિવર્તન માટે લિથિયમ આવશ્યક છે. લિથિયમ ઊર્જા રૂપાંતરણ માટે સૌથી મહત્વપૂર્ણ ખનિજ તરીકે જાણીતું છે. તે ઇલેક્ટ્રિક વાહનો અને બેટરી ઊર્જા સંગ્રહ પ્રણાલીમાં ઉપયોગમાં લેવાતી લિથિયમ-આયન બેટરીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. ડીઝલ અને પેટ્રોલ વાહનોથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.


આ પણ વાંચોઃ પ્રાણ પ્રતિષ્ઠાઃ 22 જાન્યુઆરીએ શું ખુલ્લું અને શું બંધ રહેશે? જાણો દરેક સવાલનો જવાબ


અત્યાર સુધી ભારત લિથિયમ માટે ચીન, ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિના જેવા દેશો પર નિર્ભર રહ્યું છે. ભારતની નવી ડીલ બાદ એવો અંદાજ છે કે આ મહત્વપૂર્ણ ખનિજ પર માત્ર ચીનનો જ અંકુશ નહીં રહે, પરંતુ ભારત લિથિયમના ખાણકામમાં પણ તેની સાથે સ્પર્ધા કરી શકશે.


ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારત સરકારે જાહેરાત કરી હતી કે તેને જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં 59 લાખ ટન લિથિયમનો ભંડાર મળ્યો છે. એકવાર અહીંથી સપ્લાય શરૂ થઈ જશે તો ચીન પરની ભારતની નિર્ભરતા લગભગ ખતમ થઈ જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube