ઘાયલ ભારતીય પાઈલટના વીડિયો વાયરલ કરવા બદલ ભારતે પાક.ની ઝાટકણી કાઢી
ભારતીય પાઈલટને તાત્કાલિક સુરક્ષિત છોડી મુકવાની માગ સાથે ભારતે જણાવ્યું કે, પાકિસ્તાને આ પ્રકારના વીડિયો વાઈરલ કરીને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા અને જીનેવા કન્વેન્શનનું ઉલ્લંઘન કર્યું છે
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન દ્વારા અટકમાં લેવાયેલા એક ભારતીય પાઈલટને સુરક્ષિત પાછો સોંપી દેવા જણાવ્યું છે. ભારતે પાકિસ્તાનને જણાવ્યું છે કે, અમારા પાઈલટને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચવું ન જોઈએ. ભારતીય પાઈલટને તાત્કાલિક છોડી મુકવાની સાથે ભારતે જણાવ્યું કે, પાકિસ્તાને આ પ્રકારના વીડિયો વાઈરલ કરીને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા અને જીનેવા કન્વેન્શનનું ઉલ્લંઘન કર્યું છે.
પાકિસ્તાને પોતાના નિવેદનમાંથી ફેરવી તોળ્યું હતું કે તેની કસ્ટડીમાં બે ભારતીય પાઈલટ છે. જોકે, ત્યાર બાદ પાકિસ્તાન સરકારે ટ્વીટ કરીને એવી માહિતી આપી કે, તેમની પાસે ભારતનો માત્ર એક જ પાઈલટ અટકમાં છે.
દિલ્હીઃ વિદેશ મંત્રાલયે પાક.ના નાયબ હાઈકમિશનર સૈયદ હૈદર શાહને બોલાવ્યા
આ અગાઉ પાકિસ્તાને દાવો કર્યો હતો કે, તેણે બે ભારતીય પાઈલટને પકડ્યા છે, જેમાંથી એકનો ઈલાજ ચાલી રહ્યો છે. પાકિસ્તાની સેનાએ એક પાઈલટનો વીડિયો પણ બહાર પાડ્યો હતો. જ્યારે બીજા પાઈલટ અંગે તેણે જણાવ્યું કે, તેને સેન્ટ્રલ મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને ઈલાજ ચાલી રહ્યો છે.
ગભરાયેલા પાક. પીએમ ઈમરાન ખાને કહ્યું, "અમે દરેક મુદ્દે વાટાઘાટો કરવા તૈયાર"
મોડી સાંજે ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના નાયબ હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને તાત્કાલિક બોલાવ્યા હતા. ભારત સરકાર તેમને પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદની હાજરી અંગેના પુરાવા સાથેનું ડોઝિયર સોંપ્યું હતું અને જણાવ્યું કે, પાક. સેનાની કસ્ટડીમાં રહેલા ભારતીય પાઈલટને કોઈ પણ જાતનું નુકસાન પહોંચવું જોઈએ નહીં. સાથે જ તેને તાત્કાલિક સુરક્ષિત છોડી મુકવાની પણ માગણી કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા સાંજે સોશિયલ મીડિયામાં તેણે પકડેલા ભારતીય પાઈલટના કેટલાક વીડિયો અને ફોટોગ્રાફ વાઈરલ કરાયા હતા. ભારતે આ બાબતનો કડક શબ્દોમાં વાંધો ઉઠાવાયો છે અને જણાવાયું છે કે, તે પાકિસ્તાન આ પ્રકારની નાપાક હરકતો કરવાનું બંધ કરી દે. આમ કરીને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે.