મોદી સરકારનો બિગ પ્લાન, તમામ સંસદીય ક્ષેત્રમાં ખુલશે પાસપોર્ટ સેવા કેન્દ્ર
પાસપોર્ટ સુધી દરેક ભારતીયની પહોંચ ખુબ જ સરળ બને તે માટે સરકાર દ્વારા માળખાગત ફેરફાર કરાયા બાદ 1 મહિનામાં 10 લાખ જેટલી અરજીઓ આવ્યાનો રેકોર્ડ સર્જાયો
નવી દિલ્હી : લોકોની પાસપોર્ટ સેવાઓ સુધી પહોંચ બનાવવા માટે તથા તેની પ્રક્રિયાને સરળ કરવા માટે ભારત સરકાર દેશનાં તમામ 543 સંસદીય વિસ્તારમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવાની તૈયારી કરી રહ્યું છે. વિદેશ રાજ્યમંત્રી વી.કે સિંહે આ વાત કરી. અમેરિકામાં ભારતીય દૂતાવાસમાં આયોજીત પાસપોર્ટ સેવા કાર્યક્રમના શુભારંભ દરમિયાન સિંહે કહ્યું કે, સરકાર તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી રહી છે કે ભારતની સાતે સાથે વિદેશમાં પણ કોઇ ભારતીય નાગરિકને પાસપોર્ટ મેળવવામાં મુશ્કેલી ન પડે.
પાસપોર્ટ સેવાઓમાં ધરમુળથી આવ્યું પરિવર્તન
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, પાસપોર્ટ મેળવવા તથા પાસપોર્ટ રિનોવેશન સહિતનાં તમામ કામોમાં માળખાગત ફેરફારો થયા છે, જેનાં કારણે એક મોટુ પરિવર્તન જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું કે, અનેક યોજનાઓ વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોને પણ ઘણી મદદ કરી રહી છે. આ સેવા વાસ્તવિક અર્થમાં નાગરિકો માટે છે. હવે નવા પાસપોર્ટ માટે અરજી કરવી પણ ખુબ જ સરળ બની છે. પાસપોર્ટનું કામ કેટલે પહોંચ્યું છે તે પણ હવે ટ્રેક કરી શકાય છે.
માર્ચ સુધીમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર સ્થાપિત કરવાની યોજના
સિંહે કહ્યું કે, સરકારની યોજના માર્ચ, 2019 સુધીમાં દેશની તમામ 543 સંસદીય ક્ષેત્રોમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર સ્થાપિત કરવાની છે. તેમણે કહ્યું કે, અમારી યોજના ભારતમાં દરેક મુખ્ય પોસ્ટ ઓફીસમાં એક પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવાની છે જેથી લોકોને પાસપોર્ટ સેવાઓ માટે 50-60 કિલોમીટરર દુર ન જવું પડે.
મંત્રીએ કહ્યું કે, 2017માં પાસપોર્ટ સાથે જોડાયેલી સેવાઓમાં 19 ટકાનો વધારો થયો છે. માસિક આધાર પર આવેદન જમા થવાનો આંકડો પહેલીવાર 10 લાખને પાર થઇ ચુક્યો છે. પાસપોર્ટ સેવા પ્રણાલીનાં માધ્યમથી 6 કરોડથી પણ વદારે પાસપોર્ટ ઇશ્યુ કરવામાં આવ્યા છે.