નવી દિલ્લીઃ બ્રિટિશ PM બોરિસ જ્હોનસન બે દિવસના ભારત પ્રવાસે છે. આજે 22 એપ્રિલે એમના પ્રવાસનો બીજો દિવસ છે. ગુજરાતની મુલાકાત બાદ બોરિસ જ્હોનસન દિલ્લી પહોંચ્યા હતાં. જ્યાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદીએ દિલ્હીમાં જ્હોનસનનું જે પ્રકારે શાનદાર સ્વાગત કર્યું જે રીતે આવકાર આપ્યો એ જોતા જ્હોનસન ખુબ જ ગદગદિત થઈ ગયાં હતાં. ગાર્ડન ઓફ ઓનર આપીને મોંઘેરા મહેમાનનું સન્માન કરવામાં આવ્યું. પીએમ મોદીએ બ્રિટનના પીએમને પોતાના મિત્ર કહીને સંબોધ્યા, તો બોરિસ જ્હોનસનને પણ મોદીની દોસ્તીનો રંગ લાગ્યો. પ્રધાનમંત્રી મોદી અને બ્રિટનના પીએમ બોરિસ જ્હોનસન વચ્ચે દિલ્લીના હૈદરાબાદ હાઉસ ખાતે ખાસ બેઠક યોજાઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


બ્રિટનનાં PM સાથેની બેઠક બાદ મોદીએ કહ્યું- આઝાદીના અમૃતકાળ દરમિયાન બોરિસનો ભારત પ્રવાસ ઐતિહાસિક છે.  તમે તમારા ભારત પ્રવાસનો પ્રારંભ સાબરમતી ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપીને કર્યો છે. ભારત અને બ્રિટન આ દાયકામાં સંબંધોને દિશા આપવા માટે રોડમેપ 2030 લોન્ચ કર્યો હતો. આજની વાતચીતમાં રોડમેપની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી છે અને લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આ બેઠકમાં આ દરમિયાન બંને દેશો વચ્ચે સુધારાઓ, અમારી માળખાકીય આધુનિકીકરણ યોજના અને પાઇપલાઇન પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું- અમે બ્રિટનની સાથે મળીને આગળ વધીશું.


બ્રિટન અને ભારતનો અનોખો સંબંધઃ
બ્રિટનમાં ભારતીય મૂળના 15 લાખ લોકો છે, જેઓ ત્યાંની જીડીપીમાં 6% યોગદાન આપે છે. બ્રિટનમાં લગભગ 1 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બ્રિટન અને ભારત વચ્ચે છેલ્લા બે દાયકામાં બિઝનેસ 3 ગણો વધ્યો છે. ગયા વર્ષે ભારતે રૂ. 51,054 કરોડની આયાત કરી હતી જ્યારે નિકાસ રૂ. 79,000 કરોડ હતી. સર્વિસ સેક્ટર સહિતનું ટર્નઓવર 3.81 લાખ કરોડ રૂપિયા છે.


બ્રિટન સાથે ભારતની દોસ્તીઃ
બ્રિટને 2004માં ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારીની શરૂઆત કરી હતી. તેણે આતંકવાદ, પરમાણુ પ્રવૃત્તિઓ અને નાગરિક અવકાશ કાર્યક્રમમાં ભારતનો સાથ આપ્યો છે. બ્રિટન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએટલે કે UNમાં ભારતના કાયમી સભ્યપદનું સમર્થન કરે છે.


વ્યાપાર અંગેની વાતચીત કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યુંકે, છેલ્લાં લાંબા સમયથી ભારત UAE અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને મુક્ત વ્યાપાર કરી રહ્યું છે. તે અંગેના મુક્ત વેપાર કરાર પણ કરવામાં આવ્યાં હતાં. એજ પ્રકારની વ્યવસ્થા સાથે અમે બ્રિટનની સાથે મળીને વિકાસના કામોમાં આગળ વધીશું. એટલું જ નહીં આ બધા સિવાય રશિયા-યુક્રેન યુદ્ધ પણ આજની બેઠકનો મહત્વનો મુદ્દો હશે. અત્યાર સુધી ભારત આ મામલે તટસ્થ વલણ અપનાવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું  અમે તમામ ક્ષેત્રોમાં બ્રિટન દ્વારા આત્મનિર્ભર ભારતના સમર્થનને આવકારી આપીએ છીએ. PM મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરી. PM મોદીએ કહ્યું કે અમે યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામ અને સમસ્યાના નિરાકરણ માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર મૂકવા કહ્યું. અમે તમામ દેશોની પ્રાદેશિક અખંડિતતા અને સંપ્રભૂતાના આદરનું મહત્વ પણ જણાવ્યું.


ઉલ્લેખનીય છેકે, પીએમ મોદી સાથેની મુલાકાત પહેલાં બોરિસ જ્હોનસન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને પણ મળ્યાં હતાં. આ દરમિયાન બંને દેશો વચ્ચે વિસ્તૃત ભાગીદારી અને ભારત-યુકે રોડમેપ 2030ના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બ્રિટિશ PMએ રાજઘાટ પર જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુક્ત વેપાર કરાર ઉપરાંત, 'અર્લી હાર્વેસ્ટ ડીલ પર પણ નિષ્ણાતોની નજર રહેશે. માલ અને સેવાઓ અને રોકાણો તેમજ ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ, જીયોગ્રાફિકલ ઈન્ડીકેશન જેવા મુદ્દાઓ સાથે સંકળાયેલા આ ડીલ પર એક કરાર શક્ય છે. આ ઉપરાંત બંને નેતાઓ દ્વારા ફ્રી એન્ડ ઓપન ઈન્ડો-પેસિફિક પર પણ ભાર મૂકવામાં આવશે. ભારત અને બ્રિટન બંને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને બધા માટે ખુલ્લા રાખવાના પક્ષમાં છે.