India–United States relations: ભારત સાથે `જોર જબરદસ્તી` નહીં પરંતુ એક સહયોગી તરીકેની ભૂમિકામાં જોવા મળ્યું અમેરિકા
રશિયા અને યુક્રેનનું જ્યાં એકબાજુ ભીષણ યુદ્ધ ચાલુ છે ત્યાં બીજી બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલી બેઠક કરી. આ બેઠકમાં અમેરિકાએ ધાકધમકી અજમાવવાની નહીં પરંતુ એક સહયોગીની જેમ પોતાને રજૂ કરી.
નવી દિલ્હી: રશિયા અને યુક્રેનનું જ્યાં એકબાજુ ભીષણ યુદ્ધ ચાલુ છે ત્યાં બીજી બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલી બેઠક કરી. આ બેઠકમાં અમેરિકાએ ધાકધમકી અજમાવવાની નહીં પરંતુ એક સહયોગીની જેમ પોતાને રજૂ કરી. વાત જાણે એમ છે કે ભારત અત્યાર સુધી યુદ્ધ મામલે તટસ્થ ભૂમિકા અપનાવી રહ્યું છે. તેણે ન તો રશિયા વિરુદ્ધ અમેરિકી જૂથમાં રસ દાખવ્યો છે કે ન તો રશિયાને સંપૂર્ણ રીતે એકલું અટલું કરી દીધુ છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત રશિયા વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા વૈશ્વિક અભિયાનમાં સામેલ થાય. આ કવાયત હેઠળ બાઈડેને પીએમ મોદી સાથે વાત કરી.
બેઠકની સૌથી મહત્વની વાત
આ વર્ચ્યુઅલ બેઠકની ખાસ વાત એ રહી કે તે બાઈડેનની પહેલ પર યોજાઈ. બેઠકમાં પીએમ મોદીએ કોઈ પણ દબાણમાં આવ્યા વગર પોતાની વાત રજૂ કરી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેઓ રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ ઈચ્છે છે અને તેમણે પોતાના તરફથી દરેક શક્ય પ્રયત્ન કર્યા છે. પીએમ મોદીએ યુક્રેનના બુચા શહેરમાં નાગરિકોની જે રીતે નિર્મમ હત્યા થઈ તેની પણ આલોચના કરી. બેઠકમાં એકવાર ફરીથી અમેરિકી રાષ્ટ્રપતિએ યુક્રેનમાં માનવીય સંકટને લઈને ભારતના સહયોગની અપેક્ષા સ્પષ્ટ કરી અને સાથે યુક્રેનના લોકોને રાહત સામગ્રી મોકલવાના ભારતના પ્રયત્નોની પ્રશંસા કરી. યુએસ રાષ્ટ્રપતિએ એ પણ કહ્યું કે બંને આ મામલે હજુ આગળ વાત કરતા રહેશે.
આ કારણે ભારતનો સાથ ઈચ્છે છે અમેરિકા
બેઠકન ટોન અને પીએમ મોદીની બોડી લેન્ગવેજ ધ્યાન આપવા જેવા છે. પીએમ સમગ્ર બેઠકમાં પોઝિટિવ બોડી લેન્ગવેજમાં જોવા મળ્યા. જે દર્શાવે છે કે ભારત અમેરિકાને 'ચૌધરી' નથી સમજતું કે ન તો અમેરિકા ભારત સામે પોતાની જાતને સુપરપાવર ગણાવીને રજૂ કરે છે. હકીકત એ છે કે અમેરિકા ભારતને એશિયા-પ્રશાંત વિસ્તારમાં એક મોટી શક્તિ તરીકે જુએ છે. અમેરિકા અને ભારત દુનિયાના બે સૌથી મોટા લોકશાહી ધરાવતા દેશ છે. આવામાં જ્યારે ભારત શાંતિની વાત કરે છે તો તેના કઈક અર્થ હોય છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત તેના પક્ષમાં જોવા મળે કારણ કે તેનાથી રશિયા વિરુદ્ધ તેનું નરેટિવ મજબૂત બનશે.
ભારતની નારાજગી નથી ઈચ્છતું અમેરિકા
જ્યાં સુધી ભારત અને રશિયાના સંબંધનો સવાલ છે તો યુદ્ધ દરમિયાન આ સંબંધમાં વધુ મજબૂતાઈ આવી છે. રશિયા ભારત સાથે રૂપિયા-રૂબલમાં કારોબારના વિકલ્પ જોવા લાગ્યું છે. જ્યારે ચીન તો પહેલેથી કહી ચૂક્યું છે કે તે રશિયા સાથે વેપારી સંબંધો ચાલુ રાખશે. હવે સવાલ એ છે કે જો એશિયાની બે પ્રમુખ અર્થવ્યવસ્થા રશિયા સાથે વેપાર ચાલુ રાખશે તો શું પશ્ચિમી દેશોના પ્રતિબંધોની કોઈ ખાસ અસર પડશે? આ સવાલ અમેરિકી રાષ્ટ્રપતિને પણ પરેશાન કરી રહ્યો છે અને એટલે તેઓ ભારતને પોતાની પડખે લાવવા માંગે છે. જો કે સંતુલન જાળવવું પણ જરૂરી છે. તેઓ ઈચ્છે તો પણ ભારતની નારાજગી વ્હોરી શકે તેમ નથી.
બીજો મહત્વપૂર્ણ પહેલું એ પણ છે કે અમેરિકા એશિયા-પ્રશાંત વિસ્તારમાં ચીનના દબદબાને ખતમ કરવા માંગે છે. બંને દેશો વચ્ચે ટ્રેડ વોર જગ જાહેર છે. ચીને તાઈવાન સહિત અનેક દેશોના નાકમાં દમ કર્યો છે. તાઈવાન મુદ્દે અમેરિકા અને ચીનમાં ખેંચતાણ છે. અમેરિકા ચીનની કરજની જાળમાં ફસાવવાની નીતિથી વાકેફ છે. જેનું પરિણામ હાલ શ્રીલંકા ભોગવી રહ્યું છે. અમેરિકાને સારી પેઠે ખબર છે કે માત્ર ભારત જ એવો દેશ છે જે ચીનને જડબાતોડ જવાબ આપી શકે તેમ છે. આવામાં અમેરિકા એશિયા-પ્રશાંત વિસ્તારમાં ભારતની ભૂમિકા અને તેના મહત્વની બરાબર સમજે છે. અમેરિકી રાષ્ટ્રપતિની પોતાના તરફથી ભારતીય પ્રધાનમંત્રી સાથેની આ બેઠક માટેની પહેલ કરવી એ તેનો પુરાવો છે.
ગજબ ભેજું! ઓફિસ આવ-જા કરવા એવી કાર બનાવી નાખી...માત્ર 5 રૂપિયામાં 60 કિમીની કરે છે મુસાફરી
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube