નવી દિલ્હીઃ ભારતના જંગલોમાં ફરી ચિત્તા વિચરતા જોઈ શકાશે. સાત દાયકા બાદ ભારત ફરી ચિત્તાનું કાયમી નિવાસસ્થાન બનશે. 17 સપ્ટેમ્બરે આફ્રિકાના નામિબિયાથી આઠ ચિત્તાને ભારત લાવવામાં આવશે. મધ્ય પ્રદેશનું કુનો નેશનલ પાર્ક આ ચિત્તાનું રહેઠાણ હશે...આ માટે કુનો નેશનલ પાર્કમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નેશનલ પાર્કની આસપાસના 20 ગામના 150 પરિવારોને તેમની મૂળ જગ્યાએથી ખસેડીને તેમનું પુનઃવસન કરવામાં આવી રહ્યું છે. જંગલી પશુઓ અને માણસો વચ્ચેના સંઘર્ષને ટાળવા માટે આ સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી છે. વધુ જગ્યા મળતા ચિત્તાને પણ મોટું રહેઠાણ પણ મળી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પર્યાવરણ મંત્રાલયના સૂત્રોનું માનીએ તો જંગલમાં રહેતા ચિત્તાએ માણસો પર હુમલો કર્યો હોય તેવી કોઈ ઘટના હજુ સુધી નોંધાઈ નથી. તેમ છતા પ્રોજેક્ટ ચિત્તા હેઠળ આ અંગેની સંભવિતતા ધ્યાને લેવાઈ છે અને જો કોઈ વ્યક્તિ પર ચિત્તાના હુમલાની ઘટના સામે આવે તો તેના વળતર માટે બજેટની પણ જોગવાઈ કરાઈ છે. 


કુનોમાં ચિત્તા માટે કેવી વ્યવસ્થા ઉભી કરાઈ?
ભારતમાં આવનાર તમામ ચિત્તાને રેડિયો કોલર લગાડવામાં આવશે, તેમજ તેમના દ્વારા કરવામાં આવતા શિકાર અને તેમનું શારીરિક પરીક્ષણ દિવસમાં બે વખત કરવામાં આવશે. આ ઉપરાંત કુનો નેશનલ પાર્કમાં ચિત્તા માટેના મોટા વાડામાંથી કેટલાક દીપડાને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે, તેમજ ચિત્તા અને દીપડાના સામનાને ટાળવા માટે ઈલેક્ટ્રીફાઈડ ફેન્સિંગ કરવામાં આવ્યું છે. નામીબિયાથી ભારતમાં 8 ચિત્તા આવ્યા બાદ વધુ 12 ચિત્તા દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવશે. આ માટે એમઓયુની પ્રક્રિયા ચાલી રહી છે. દક્ષિણ આફ્રિકાના એક પ્રતિનિધિ મંડળે ગયા સપ્તાહે મધ્યપ્રદેશની મુલાકાત પણ લીધી હતી.


ચિત્તા માટે ખાસ ક્વોરન્ટાઈન ફેસિલિટી:
17 સપ્ટેમ્બરે ચાર્ટર્ડ કાર્ગો ફ્લાઈટમાં 8 ચિત્તાને નામીબિયાના વિન્ડહોકથી જયપુર એરપોર્ટ લાવવામાં આવશે, જ્યાંથી તેમને હેલિકોપ્ટર વડે કુનો નેશનલ પાર્ક લઈ જવાશે. આ માટે કુનોમાં હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. કુનોમાં પ્રધાનમંત્રી મોદી ચિત્તાનું સ્વાગત કરશે અને ચિત્તાને કુનોના ક્વોરન્ટાઈન એરિયામાં મુક્ત કરશે. 30 દિવસ સુધી ક્વોરન્ટાઈન એરિયામાં રાખ્યા બાદ ચિત્તાને તેમના મોટા વાડામાં ખસેડવામાં આવશે. 6 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા ક્વોરન્ટાઈન એરિયામાં કોઈ અન્ય શિકારી પ્રાણી નહીં પ્રવેશી શકે. આ એરિયામાં ચિત્તાના રહેવા માટે 9 કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે. 


સૂત્રોનું માનીએ તો પરિવહન દરમિયાન જો ચિત્તાનું વર્તન સામાન્ય રહેશે તો તેમને ટ્રાન્ક્વિલાઈઝ એટલે કે બેભાન કરવામાં નહીં આવે. હાલ કુનો નેશનલ પાર્કનો વિસ્તાર 20 ચિત્તાને સમાવી શકે તેટલો છે. જો કે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો કુનોમાં 40 ચિત્તા રહી શકે છે...