#IndiaKaDNA: દેશના વડાપ્રધાન બનવાની રેસમાં? જાણો અખિલેશે આપ્યો શું જવાબ
અખિલેશ યાદવે ઝી ન્યૂઝના ઈન્ડિયા કા ડીએનએ 2019 કોન્ક્લેવમાં બોલતા કહ્યું કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમનાથી ભૂલ થઈ.
નવી દિલ્હી: અખિલેશ યાદવે ઝી ન્યૂઝના ઈન્ડિયા કા ડીએનએ 2019 કોન્ક્લેવમાં બોલતા કહ્યું કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમનાથી ભૂલ થઈ. તેઓ હકીકતમાં વિચારતા હતાં કે રસ્તા, મેટ્રોના કામના આધારે મત મળે પરંતુ ભાજપે જાતિ, ધર્મ, સંપ્રદાયના નામે મતો માંગ્યાં. તેમનો ફોર્મ્યુલા સફળ થયો. આ સાથે જ ઝી ન્યૂઝના સંપાદક સુધીર ચૌધરીએ પૂછ્યું કે રાજકારણને જો શેરબજારની રીતે જોવામાં આવે તો આજકાલ વિપક્ષી મહાગઠબંધનની ધૂરી તરીકે તમે જ જોવા મળી રહ્યાં છો. તેનું ઉદાહરણ આપતા કહ્યું કે કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ શપથ ગ્રહણ સમારોહમાં તમને જ સૌથી વધુ ભાવ મળી રહ્યો હતો. જેનો જવાબ આપતા તેમણે કહ્યું કે ભાજપ પાસેથી જ શીખવા મળ્યું છે કે જે દેખાય છે તે વેચાય છે.
કોણ બનશે પીએમ?
2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સપાની ભૂમિકા પર બોલતા અખિલેશ યાદવે કહ્યું કે દિલ્હીની સત્તાનો રસ્તો યુપીમાં થઈને જાય છે. આથી જે પણ વડાપ્રધાન બનશે તેણે યુપીમાં આવવું જ પડશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે પણ વિપક્ષ તરફથી વડાપ્રધાનની રેસમાં છો તો તેમણે કહ્યું કે પીએમની રેસમાં તો નથી પરંતુ યુપીથી છું જ્યાં આ સૂચિ બનશે.
કાશ્મીરનો સવાલ
જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ અને પીડીપીના ગઠબંધનના તૂટવાના સવાલ પર અખિલેશ યાદવે કહ્યું કે તેમાં ભાજપની જરૂર કોઈ રણનીતિ છે. આવું એટલા માટે કારણ કે ગઠબંધન પહેલેથી જ તાલમેલ વગરનું હતું. પરંતુ આમ છતાં કરવામાં આવ્યું અને હવે પોતાની સુવિધાને લઈને તોડી નખાયું. આથી તેમાં કોઈ ને કોઈ રીતે ભાજપની રણનીતિ જરૂર છે કારણ કે 2019ની ચૂંટણી સામે છે.
સામાજિક ન્યાય વિરુદ્ધ રાષ્ટ્રવાદ
જ્યારે સુધીર ચૌધરીએ તેમને પૂછ્યું કે જે રીતે સપા અને બસપા એક સાથે આવ્યાં તો તે જ રીતે પીડીપી અને ભાજપ ગઠબંધન બન્યું હતું. જેના પર અખિલેશ યાદવે કહ્યું કે અમારું ગઠબંધન હકીકતમાં સામાજિક ન્યાયની લડાઈ છે અને ભાજપ-પીડીપીનું ગઠબંધન રાષ્ટ્રવાદ પર ટક્યું હતું. જેથી કરીને તમારે સામાજિક ન્યાય અને રાષ્ટ્રવાદના નેરેટિવને સમજવું જોઈએ.
બીએસપી સાથે સંબંધ
બીએસપી સાથે ગઠબંધનના મામલે અખિલેશ યાદવે કહ્યું કે તે સામાજિક ન્યાયનું ગઠબંધન છે. જ્યારે પૂછવામાં આવ્યું કે તેમાં સીટો અંગે શું ફોર્મ્યુલા હશે તો તેમણે કહ્યું કે તેઓ હજુ રણનીતિનો ખુલાસો નહીં કરે. તેમાં ભાજપ સાથે જૂનિયર-સીનિયર પાર્ટનરશિપના નામે અખિલેશ યાદવે કહ્યું કે રાજકારણમાં કોઈ જૂનિયર કે સીનિયર હોતા નથી. બસ રાજનેતા સીનિયર કે જૂનિયર હોય છે.
જો આજે ચૂંટણી થાય તો
અખિલેશ આદવે આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે જો આજે ચૂંટણી થાય તો સપાથી વધુ ખુશ કોઈ નહીં હોય. લોકસભા તથા વિધાનસભા ચૂંટણી એકસાથે થશે તો સૌથી વધુ ખુશી અમને થશે.