નવી દિલ્હી: ભારતીય સેનાએ POKમાં ઘૂસીને ત્રણ પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યાં છે. ભારતીય સેનાની આ કાર્યવાહીમાં એક પાકિસ્તાની સૈનિકના ઘાયલ થવાના પણ અહેવાલ છે. સેનાએ આ કાર્યવાહી શનિવારે 23મી ડિસેમ્બરે પાકિસ્તાન દ્વારા રાજૌરીમાં સીઝફાયર ભંગ કર્યો ત્યારબાદ કરી. પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં ભારતીય સેનાના એક મેજર સહિત ચાર સૈનિકો શહીદ થયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ ઈન્ટેલિજન્સ સૂત્રોના હવાલે એવી માહિતી અપાઈ છે કે ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરીને રાવલકોટના રુખકાકરી સેક્ટરમાં કાર્યવાહી કરતા પાકિસ્તાનના 3 સૈનિકોનો ખાત્મો બોલાવ્યો છે અને સેનાની આ કાર્યવાહીમાં એક પાકિસ્તાની જવાન ઘાયલ થયો હોવાની માહિતી પણ મળી છે. 


પાકિસ્તાની મીડિયાના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે ભારત તરફથી થયેલા આ ફાયરિંગમાં ત્રણ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને એક ઘાયલ થયો. આ અગાઉ રવિવારે ભારતીય સેનાએ નૌશેરામાં પાકિસ્તાની સ્નાઈપરને ઠાર કર્યો હતો. કાર્યવાહીને ભારતીય સેનાના સ્નાઈપરે અંજામ આપ્યો હતો. 




અત્રે જણાવવાનું કે પાકિસ્તાની સૈનિકોએ 23 ડિસેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરમાં એલઓસી પાસે  ભારતીય સેનાની એક પેટ્રોલિંગ ટુકડી પર ફાયરિંગ કર્યુ હતું.  જેમાં એક મેજર સહિત 4 શહીદ થયા હતાં. અધિકારીઓએ જણાવ્યું કે શસ્ત્રવિરામની આ ઘટના એવા સંજોગોમાં થઈ છે જ્યારે મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી લોકોની ફરિયાદો દૂર કરવાના હેતુથી રાજૌરી જિલ્લા હેડક્વાર્ટરમાં છે. આ હુમલામાં મેજર પ્રફુલ્લ અંબાદાસ, લાન્સ નાયક ગુરમેલ સિંહ, લાન્સ નાયક કુલદીપ સિંહ અને જવાન પરગટ સિંહ શહીદ થયા હતાં.