હવે સામાન્ય લોકો માટે ખુલશે સુપ્રીમનાં દરવાજા, 1 કલાકની હશે ગાઇડેડ ટુર
જાહેર રજાનાં દિવસોને છોડીને પ્રત્યેક શનિવારે સુપ્રીમ કોર્ટની મુલાકાત લોકો લઇ શકે છે, શનિવારે સુપ્રીમમાં સુનવણી નથી થતી
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે હવે પોતાનાં દરવાજા સામાન્ય માણસ માટે પણ ખોલી દીધા છે. હવે સામાન્ય વ્યક્તિ સુપ્રીમ કોર્ટનાં કોર્ટરૂમથી માંડીને સમગ્ર પરિસરમાં સામાન્ય રીતે હરી ફરી શકશે. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે એક ઔપચારિક પોર્ટલ લોંચ કર્યું છે. આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી લોકો સરળતાથી સુપ્રીમ કોર્ટની મુલાકાત લઇ શકશે. જાહેર રજાઓનાં દિવસોને છોડીને દરેક શનિવારે સુપ્રીમ કોર્ટમાં ફરવા માટે લોકો જઇ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે સુપ્રીમ કોર્ટમાં કોઇ સુનવણી નથી થતી.
ગાઇડને સાથે રાખવો પડશે.
સીજેઆઇ રંજન ગોગોઇએ આ મુદ્દે ગુરૂવારે એક ઔપચારિક પોર્ટલ લોંચ કર્યું. રજીસ્ટ્રેશન કરી લોકો સુપ્રીમ કોર્ટમાં એક કલાક માટે ગાઇડની સાથે રાખીને ફરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાંવકીલ, કેસ સંબંધિત લોકો, પ્રેક્ટિસ કરનારા ઇન્ટર્ન, લો વિદ્યાર્થીઓ અને પત્રકારોને જ પ્રવેશ આપવામાં આવતો હતો. મળતી માહિતી અનુસાર આ એક કલાક દરમિયાન લોકોની સાથે એક ગાઇડ પણ હાજર રહેશે. લોકો સરળતાથી વેબસાઇટ પર જઇને પોતાની મુલાકાતનો સમય અને તારીખની પસંદગી કરી શકે છે.
કોર્ટ પરિસરની ફોટોગ્રાફી નહી કરી શકાય
સુપ્રીમ કોર્ટમાં ફરવા માટે આવેલા લોકોને કોઇ ફી નહી ચુવવી પડે. આ મુલાકાત સવારે 10થી 1 વાગ્યા સુધીની હશે. વેબસાઇટ પર મુલાકાતીઓને એક ટેક્સ્ટ મેસેજ આવશે. આ મેસેજનો સુપ્રીમ કોર્ટનાં રિસેપ્શન ડેસ્ક પર સ્કેન કરીને લોકો માટે એક અસ્થાયી ઇલેક્ટ્રોનિક એન્ટ્રી કાર્ડ ઇશ્યું કરવામાં આવશે. જેને મુલાકાત બાદ પરત જમા કરાવવું પડશે. આ મુલાકાત દરમિયાન લોકોને નાય્યાધીશોની લાઇબ્રેરી અને કોરિડોરમાં પણ પ્રવેશ મળી શકશે. આ દરમિયાન લોકોને ફોટોગ્રાફીની મનાઇ હશે.