ભારત પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સૈનિક રમતોત્સવની કરશે યજમાની, જેસલમેરમાં જામશે જંગ
ભારત પ્રથમ વખત રાજસ્થાનના જેસલમેરમાં આંતરરાષ્ટ્રીય સૈનિક રમતોત્સવનું આયોજન કરવા જઈ રહ્યું છે, ભાગ લેનારા દેશો વચ્ચે સંબંધો મજબૂત કરવા આ આયોજન થઈ રહ્યું છે
નવી દિલ્હીઃ ભારત પ્રથમ વખત રાજસ્થાનના જેસલમેરમાં આંતરરાષ્ટ્રીય સૈનિક રમતોત્સવનું આયોજન કરવા જઈ રહ્યું છે. ભાગ લેનારા દેશ વચ્ચેના સંબંધોને વધુ સુમેળભર્યા બનાવવા માટે આ આયોજન કરાયું છે. સેનાના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે, સોવિયત સંઘના સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય સૈનિક રમતોત્સવનું આયોજન 2015થી થઈ રહ્યું છે. જેમાં દુનિયાના 32 દેશ ભાગ લે છે. વિવિધ 32 રમતોમાં સ્પર્ધા યોજાશે, જેની યજમાની 10 દેશ કરશે.
અધિકારીએ જણાવ્યું કે, ભારત રમતોત્સવના ભાગ સ્વરૂપે આંતરરાષ્ટ્રીય સ્કાઉટ માસ્ટર્સની 5મી સ્પર્ધાનું આયોજન કરશે. સમારોહનું આયોજન સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ એવે જેસલમેર શહેરમાં કરાશે. પાંચમા તબક્કામાં રશિયા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઝિમ્બાબ્વે, આર્મેનિયા, બેલારૂસ, ચીન અને ભારત ભાગ લેશે.
ભારતીય સેના દ્વારા આંતરરાષ્ટ્રીય સ્કાઉટ માસ્ટર્સ રમતોત્સવનું આયોજન 24 જુલાઈથી 17 ઓગસ્ટ દરમિયાન કરાશે. સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું કે, પ્રથમ વખત વૈશ્વિક રમતોત્સવની યજમાની કરવી એ ભારત માટે 'મહાન સન્માન અને ગર્વ'ની બાબત છે.
સેનામાં સ્કાઉટ્સનું મહત્વ
સેનામાં સ્કાઉટ્સનું કામ અત્યંત ખતરનાક અને મહત્વપૂર્ણ હોય છે. સ્કાઉન્ટ સેનાની એ ટૂકડી હોય છે જે મુખ્ય સેનાથી આગળ રહીને દુશ્મન અંગે માહિતી લાવે છે અને દુશ્મન સાથે લડાઈની શરૂઆત કરે છે. આ સ્પર્ધામાં કોઈ પણ ટેક્મેનની દરેક પ્રકારની વિશેષજ્ઞતાને ચકાસવામાં આવે છે. ટેન્કોને જુદા-જુદા વિસ્તારોમાં દોડાવાથી માંડીને નિશાનેબાજી સહિતની અનેક પ્રકારની કુશળતા સૈનિકો દેખાડશે.