Indian Railways: બદલાઈ ગયો રેલવેનો રિઝર્વેશનનો નિયમ? હવે 120 દિવસ નહીં પરંતુ આટલા દિવસ પહેલા શરૂ થશે ટિકિટ બુકિંગ
Railway Ticket Booking Rules: રેલવે તરફથી એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હાલના નિયમ મુજબ મુસાફરી કરવા માટે 120 દિવસ પહેલા બુકિંગ કરાવવું પડતું હતું પરંતુ 1 નવેમ્બરથી નિયમ બદલાઈ જશે.
ફેસ્ટિવ સીઝનમાં ટ્રેન ટિકિટની મારામારી વચ્ચે રેલવે તરફથી ટિકિટ બુકિંગ માટેના નિયમમાં મોટો ફેરફાર કરાયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હવે મુસાફરો ટ્રેનના પ્રસ્થાનની તારીખથી ફક્ત 60 દિવસ પહેલા જ IRCTC થી ટિકિટ બુક કરાવી શકશે. હાલના સમયમાં એડવાન્સ ટિકિટ બુકિંગનો સમયગાળો 120 દિવસનો છે.
અત્રે જણાવવાનું કે મુસાફરો તરફથી લાંબા સમયથી એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમમાં ફેરફાર કરવાની માંગણી થઈ રહી હતી. જેના પર હવે રેલવેએ મોટો નિર્ણય લીધો છે.
અગાઉથી બુક કરેલી ટિકિટ પર કોઈ અસર નહીં
સૂત્રોનો દાવો છે કે ટિકિટ બુકિંગ સંલગ્ન નવો નિયમ 1 નવેમ્બર 2024થી લાગૂ થશે. પહેલેથી બુક થયેલી ટિકિટો પર તેની કોઈ અસર પડશે નહીં. અત્રે જણાવવાનું કે 1 નવેમ્બરે દીવાળી અને 6 નવેમ્બરે છઠ પૂજાના પગલે રેલવેના તમામ રૂટ પર ટિકિટ બુકિંગને લઈને પડાપડી છે. મુસાફરો તરફથી ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફારની લાંબા સમયથી માંગણી થઈ રહી હતી. મુસાફરો તરફથી એવા આરોપ લગાવવામાં આવ્યા હતા કે બુકિંગ શરૂ થતાની સાથે જ એજન્ટો પહેલેથી જ સીટ બુક કરી લે છે. તેના કારણે અસલ મુસાફરોને ટિકિટ મળવામાં પરેશાની થાય છે.
આ બધા વચ્ચે ભારતીય રેલવેએ પોતાની સિસ્ટમ અને પ્રોસેસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને સામેલ કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. રેલવેએ પહેલેથી જ લિનન અને ખાવાની ક્વોલિટીની નિગરાણી માટે એઆઈ લેસ કેમેરા લગાવેલા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમે ટ્રેનોની ઓક્યુપેન્સની તપાસ માટે એઆઈ મોડલની પુષ્ટિ કરી. તેનાથી એ ભાળ મેળવવામાં આવી કે ટ્રેનમાં કેટલી સીટો ખાલી છે.