રેલવેના ઈતિહાસમાં પહેલીવાર...હવે ચાલુ ટ્રેનમાં તમને મળશે આ ખાસ સુવિધા
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતા ભારતીય રેલવેએ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક નવી સેવાઓ શરૂ કરી છે. હવે ભારતીય રેલવે તરફથી એક નવી અને અનોખી સુવિધા શરૂ થઈ રહી છે.
નવી દિલ્હી: મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતા ભારતીય રેલવેએ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક નવી સેવાઓ શરૂ કરી છે. હવે ભારતીય રેલવે તરફથી એક નવી અને અનોખી સુવિધા શરૂ થઈ રહી છે. આ સુવિધા હેઠળ મુસાફરોને ચાલુ ટ્રેનમાં માલિશનો લ્હાવો મળી શકશે. દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બની રહ્યું છે. ભારતીય રેલવે તરફથી મુસાફરોને બહુ જલદી આ સુવિધા આપવામાં આવશે.
રતલામ મંડળે પ્રસ્તાવ તૈયાર કર્યો
રેલવે બોર્ડના મીડિયા અને સંચાર ડાઈરેક્ટર રાજેશ વાજપેયીએ કહ્યું કે પશ્ચિમ રેલવે ક્ષેત્રના રતલામ મંડળે તેનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. અધિકારીના જણાવ્યાં મુજબ રેલવે ઈન્દોરથી દોડનારી 39 ટ્રેનોમાં આ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં દહેરાદૂન-ઈન્દોર એક્સપ્રેસ (14317), નવી દિલ્હી-ઈન્દોર ઈન્ટરસીટી એક્સપ્રેસ (12416) અને ઈન્દોર-અમૃતસર એક્સપ્રેસ (19325) સામેલ છે.
મુસાફરોને આરામ માટે અપાશે મસાજની સુવિધા
વાજપેયીએ કહ્યું કે રેલવેના ઈતિહાસમાં આવું પહેલીવાર બનશે કે મુસાફરોના આરામને ધ્યાનમાં રાખીને તેમને ચાલુ ટ્રેને માલિશની સુવિધા અપાશે. તેનાથી રેલવેને ફક્ત વધારાની આવક વધશે એવું નથી પરંતુ મુસાફરોની સંખ્યામાં પણ વધારો થશે. તેમણે કહ્યું કે આવું પહેલીવાર હશે કે જ્યારે આ પ્રકારનો કોઈ કરાર કરવામાં આવ્યો છે.
જુઓ LIVE TV
રેલવેને વાર્ષિક 20 લાખની આવકની આશા
વાજપેયીએ કહ્યું કે તેનાથી રેલવેને વાર્ષિક 20 લાખ રૂપિયાની આવકની આશા છે. તેમણે કહ્યું કે આ સર્વિસને 15થી 20 દિવસની અંદર શરૂ કરી દેવાશે. તેમણે કહ્યું કે સેવા પ્રદાન કરનારા 20,000 વધુ મુસાફરોના પગલે વધારાની ટિકિટ વેચાણ વધવાથી વર્ષભરમાં 90 લાખ રૂપિયાની આવક વધવાનું અનુમાન છે.
મસાજની સુવિધા મુસાફરો માટે સવારે 6 વાગ્યાથી લઈને રાતે 10 વાગ્યા વચ્ચે મળશે. મુસાફરોએ માથા અને પગમાં એકવાર માલિશ કરાવવા માટે 100 રૂપિયા ચૂકવવા પડશે. આ માટે દરેક ટ્રેનમાં 3થી 5 માલિશવાળા હશે. રેલવે તેમને ઓળખપત્ર ઉપલબ્ધ કરાવશે.