કરતારપુર ગુરુદ્વારા સાહિબ જનારા શ્રદ્ધાળુઓએ કાયદેસરનો પાસપોર્ટ સાથે રાખવો જરૂરીઃ વિદેશ મંત્રાલય
રવિશ કુમારે વધુમાં જણાવ્યું કે, `પાકિસ્તાન સાથે થયેલા એમઓયુ અુસાર ભારતીય શ્રદ્ધાળુએ કાયદેસરનો પાસપોર્ટ સાથે રાખવાનો રહેશે. ભારત એક પક્ષીય રીતે એમઓયુમાં ફેરફાર કરી શકે નહીં. તેના માટે બંને પક્ષોની સહમતિ હોવી જરૂરી છે. પાકિસ્તાનના તંત્રમાં ઘણું જ કન્ફ્યુઝન છે.`
નવી દિલ્હીઃ ભારત સરકારના વિદેશ મંત્રાલયે ગુરૂવારે જાહેરાત કરતા જણાવ્યું છે કે, પાકિસ્તાનના પંજાબમાં આવેલા કરતારપુર ગુરુદ્વારા સાહિબની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓએ પોતાની સાથે કાયદેસરનો પાસપોર્ટ રાખવાનો રહેશે. પત્રકાર પરિષદ સંબોધતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું કે, "ભારત પાકિસ્તાન સાથે કરેલા એમઓયુનું પાલન કરવા કટિબદ્ધ છે અને તેમાં જે કોઈ જોગવાઈઓ કરવામાં આવી છે તેનું પાલન કરશે."
રવિશ કુમારે વધુમાં જણાવ્યું કે, "પાકિસ્તાન સાથે થયેલા એમઓયુ અુસાર ભારતીય શ્રદ્ધાળુએ કાયદેસરનો પાસપોર્ટ સાથે રાખવાનો રહેશે. ભારત એક પક્ષીય રીતે એમઓયુમાં ફેરફાર કરી શકે નહીં. તેના માટે બંને પક્ષોની સહમતિ હોવી જરૂરી છે. પાકિસ્તાનના તંત્રમાં ઘણું જ કન્ફ્યુઝન છે. ક્યારેક તેઓ કહે છે કે પાસપોર્ટ જરૂરી છે અને ક્યારેક કહે છે કે જરૂરી નથી. અમને લાગે છે કે તેમના વિદેશ મંત્રાલય અને અન્ય એજન્સીઓ વચ્ચે કોઈ તાલમેલ નથી."
કરતારપુર કોરિડોર ખૂલવાને ગણતરીના કલાકો બાકી, ત્યાં પાકિસ્તાને શીખ શ્રદ્ધાળુઓ સામે મૂકી શરત
રવિશ કુમારે કહ્યું કે, "ભારત અને પાકિસ્તાન વચ્ચે જે દ્વિપક્ષીય કરાર કરવામાં આવ્યો છે તેમાં પાકિસ્તાનના પંજાબમાં સ્થિત કરતારપુર ગુરુદ્વારા સાહિબની મુલાકાત માટે કયા દસ્તાવેજોની અનિવાર્યતા છે તે સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. આ એમઓયુ અનુસાર પાસપોર્ટ સાથે હોવો જરૂરી છે. આથી, ભારત જે કરાર થયો છે તેના પ્રમાણે જ આગળ વધશે. કરાર મુજબ 9 નવેમ્બરના રોજ આ યાત્રા શરૂ થશે અને જ્યાં સુધી નવો એમઓયુ ન થાય ત્યાં સુધી અમે વર્તમાન એમઓયુનું અનુકરણ કરીશું."
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું કે, "કરતારપુર સાહિબ જનારા પ્રથમ જથ્થાની યાદી પાકિસ્તાનને સોંપી દેવાઈ છે અને તેમના તરફથી હજુ આ યાદીને મંજુરી અપાઈ નથી. કરાર મુજબ ચાર દિવસ પહેલા તેમણે આ યાદી મંજુર કરવાની હતી, પરંતુ હજુ સુધી કરી નથી. હવે ભારત તેને મંજુર થયેલી ગણે છે અને યાદીમાં રહેલા દરેકને યાત્રા માટે તૈયાર રહેવાનું કહી દેવાયું છે."
ભારતના વિદેશ મંત્રાલયને આ સ્પષ્ટતા એટલા માટે કરવી પડી છે, કેમ કે એક તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ટ્વીટ કરીને જણાવે છે કે, કરતારપુર સાહિબની મુલાકાત લેનારાને પાસપોર્ટની જરૂર નથી, પરંતુ પાકિસ્તાની સેના પ્રવક્તા મેજર જનરલ આસીફ ગફૂરે જણાવ્યું છે કે, ઈન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ અનુસાર શ્રદ્ધાળુઓએ કાયદેસરનો પાસપોર્ટ પોતાની સાથે રાખવાનો રહેશે.
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube