India`s Beautiful Village: સ્વર્ગ સમા સુંદર ભારતના 10 ગામડાંઓ, PHOTOS જોશો તો ફોરેનને ભુલી જશો
સામાન્ય રીતે લોકોને વિદેશમાં હરવા-ફરવાનો બહુ શોખ હોય છે. અને આપણે વિદેશના શહેરોને જોઈને ખુબ આકર્ષિત થઈ જતાં હોઈએ છીએ. ત્યાંની સુંદરતા અને સ્વચ્છતા આપણને વિશેષ રીતે આકર્ષિત કરતી હોય છે. જોકે, તમને જાણીને આશ્ચર્ય થશે કે, ભારતમાં એવા ગામડાંઓ છે જેની સુંદરતાની સામે વિદેશના શહેરો પણ ઝાંખા પડે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ફરવાના શોખીન લોકો જીવનમાં એકવાર ફોરેન ટ્રીપ પર જવાનું સપનુ ચોક્કસ જુએ છે. ફોરેનની ટૂરિસ્ટ ડેસ્ટીનેશન શાનદાર હોઈ શકે છે. પરંતુ ભારતમાં કુદરતના ખોળે રમતાં ખૂબસૂરત ગામડાં કોઈથી કમ નથી. જી,હા ભારતમાં અનેક ગામડાઓ એવા છે જેમની ખૂબસૂરતીની આગળ વિદેશની જમીન પર બનેલા ટૂરિસ્ટ ડેસ્ટીનેશન્સની લોકપ્રિયતા ઝાંખી પડી શકે છે. જીવનમાં એકવાર તમારે આ ગામડાં ચોક્કસ ફરવા જવું જોઈએ.
1. લાંચુગ, સિક્કિમ:
તિબ્બત બોર્ડર સાથે જોડાયેલ લાંચુગ નામનું ગામ સિક્કિમનું એક શાનદાર ટૂરિસ્ટ ડેસ્ટીનેશન છે. લગભગ 8825 ફૂટની ઉંચાઈ પર આવેલ આ ગામમાં તમે પોતાને બરફથી ઘેરાયેલા પહાડોની વચ્ચે નિહાળશો. આ જગ્યા ગંગટોકથી લગભગ 118 કિલોમીટર દૂર છે. જે તમને એક લાંબી યાત્રાનો આનંદ પણ આપશે. અહીયા ફરવા માટે સફરજન, આદુ અને જરદાલુના ખૂબસૂરત બાગ પણ છે.
2. મલાના, હિમાચલ પ્રદેશ:
ટૂરિસ્ટ ડેસ્ટીનેશન પર જવાનો શોખ રાખનારા કોઈપણ વ્યક્તિએ એકવાર હિમાચલ પ્રદેશના મલાના ગામ તો જરૂર જવું જોઈએ. અહીંયાના રહેવાસીઓને એલેકઝાન્ડર ધ ગ્રેટના વંશજ માનવામાં આવે છે. જે અહીંયા જોડાયેલા કિસ્સાને દિલચશ્પ બનાવે છે. શાંત વાતાવરણ, પ્રાકૃતિક સૌદર્ય અને મોટા શહેરના શોરબકોરથી અલગ આ ગામ તમને જીવનની સૌથી યાદગાર ક્ષણની ભેટ આપી શકે છે. ખીરગંગાનું અદભૂત ટ્રેકિંગ પણ આ જગ્યાની સૌથી નજીક છે.
3. કસૌની, ઉત્તરાખંડ:
દિલ્લીથી લગભગ સવા 400 કિલોમીટર દૂર ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં આવેલું કસૌની ગામ બાગેશ્વર જિલ્લામાં કોસી અને ગોમતી નદીઓની વચ્ચે છે. સમુદ્ર સપાટીથી 6075 ફૂટની ઉંચાઈ પર આ ગામ પ્રકૃતિનું એક સુંદર ઉદાહરણ છે. ગાઢ જંગલો અને પહાડોની વચ્ચે વસેલું આ ગામ પ્રવાસીઓની વચ્ચે ઘણું જાણીતું છે.
4. તકદાહ, પશ્વિમ બંગાળ:
પશ્વિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં આવેલું તકદાહ નામનું એક નાનું ગામ દેશની સૌથી ખૂબસૂરત જગ્યામાંથી એક છે. મોટા શહેરોથી દૂર આ ગામ પ્રકૃતિનું એક અદભૂત નજરાણું છે. અહીંયાના પહાડો અને ગાઢ જંગલો ટ્રેકિંગ માટે સારો વિકલ્પ છે. અહીંયા હિમાલયની ઉંચી પહાડીનો નજારો અને ચાના બગીચા પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
5. ખિમસર, રાજસ્થાન:
ઉત્તર ભારતના એક નાનકડાં ગામ ખિમસરને રાજસ્થાનની ધડકન કહેવામાં આવે છે. ચારેબાજુ રણ વિસ્તારથી ઘેરાયેલું આ ગામ પણ કોઈ લાજવાબ ટૂરિસ્ટ ડેસ્ટીનેશનથી ઓછું નથી. આ જગ્યા પર તમે જીપ કે ઉંટ પર સવાર થઈને ડેઝર્ટ સફારીનો આનંદ ઉઠાવી શકો છો. રણ વિસ્તારમાં રાતના સમયે કેમ્પીંગની મજા પણ કંઈક અલગ જ હોય છે. ખિમસરમાં તેની પણ સુવિધા છે.
6. ઈડુક્કી, કેરળ:
ઈડુક્કી કેરળના પશ્વિમ ઘાટની સૌથી ઉંચી જગ્યા છે. અહીંયાના ખૂબસૂરત તળાવો, વોટરફોલ અને ગાઢ જંગલો આ જગ્યાના ખૂબસૂરતીને ચાર ચાંદ લગાવે છે. આ ગામમાં તમને વૃક્ષ-છોડની અનેક એવી પ્રજાતિઓ જોવા મળશે. જે તમે પહેલાં ક્યારેય જોઈ નહીં હોય. ઈડુક્કી આર્ક ડેમની પાસે તમે કેમ્પીંગની મજા માણી શકો છો. આ ગામમાં આવ્યા પછી અહીંયાના સ્થાનિક રહેવાસીઓની સાથે ટ્રેડિશનલ વ્યંજનોની મજા લેવી બિલકુલ ભૂલી શકશો નહીં.
7. ગોકર્ણા, કર્ણાટક:
કર્ણાટકમાં આવેલું ગોકર્ણા ગોવાથી અત્યંત નજીક એક ખૂબસૂરત ગામ છે. આથી તેને ગોવાનું પાડોશી ગામ પણ કહેવામાં આવે છે. આ ગામ એક ટૂરિસ્ટ ડેસ્ટીનેશનની સાથે તીર્થયાત્રીઓની વચ્ચે પણ અત્યંત લોકપ્રિય છે. કર્ણાટકનો પ્રવાસ કરનારા આ ગામની ખૂબસૂરતીનો નજારો જોવાનું ક્યારેય ભૂલતા નથી.
8. કસૌલ, હિમાચલ પ્રદેશ:
કસૌલ પણ હિમાચલ પ્રદેશનું એક અત્યંત ખૂબસૂરત ગામ છે. જ્યાં આખું વર્ષ પ્રવાસીઓનો જમાવડો રહે છે. લાંબા અને ઉંચા ટ્રેકિંગનો શોખ રાખનારા માટે આ જગ્યા અત્યંત શાનદાર છે. હિપ્પી સંસ્કૃતિ માટે જાણીતી આ જગ્યા બેગપેકર્સ માટે કોઈ સ્વર્ગથી ઓછી નથી. માર્ચ મહિનાથી મે મહિનાની વચ્ચે અહીંયા સૌથી વધારે પ્રવાસીઓ આવે છે.
9. માજુલી, અસમ:
અસમમાં આવેલ માજુલી દુનિયાનો સૌથી મોટો રિવર આઈલેન્ડ છે. જે બ્રહ્મપુત્ર નદીના કિનારા પર છે. 400 સ્ક્વેર કિલોમીટર લાંબો આ આઈલેન્ડ એક શાનદાર ટૂરિસ્ટ ડેસ્ટીનેશન પણ છે. આ જગ્યા વિશે એક ખાસ વાત કહેવામાં આવે છે કે અહીંયાના કેટલાંક માછીમાર કોઈ બીજા માણસની સરખામણીમાં વધારે સમય સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે. તમે અહીંયાની હોડીની મુસાફરી કરીને અનેક ખાસ મ્યૂઝિયમ પણ જોઈ શકાય છે.
10. મોલીનનોન્ગ, મેઘાલય:
મેઘાલયનું મોલીનનોન્ગ ગામ પ્રકૃતિની કોઈ ગુપ્ત ખજાના જેવું છે. સ્થાનિક સમુદાય અને સરકાર સાથે મળીને આ ગામની ખૂબસૂરતીને જાળવી રાખવાની જવાબદારી ઉઠાવવામાં આવી રહી છે. વર્ષ 2003માં તેને સૌથી સ્વચ્છ ગામનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ઓક્ટોબરથી એપ્રિલની વચ્ચે અહીંયા મોસમ સૌથી શાનદાર રહે છે.