આપણાં દેશમાં પણ આ વિસ્તારોમાં જવા માટે લેવા પડે છે વિઝા! હજુ ત્યાં તો એવું બધુ છે કે...
આપણાં દેશમાં પણ ઘણી જગ્યાએ એવા એવા નિયમો છેકે, જેને જાણીને તમે પણ અચરજમાં મુકાઈ જશો. ઘણાં દેશો પોતાના દેશને વિઝા ફ્રી કરી રહ્યાં છે. જ્યારે આપણાં ત્યાં દેશની અંદર અંદર પણ અમુક જગ્યાએ જવા માટે લેવા પડે છે વિઝા!
ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં જવા માટે તમારે વિઝાની જરૂર નથી. પરંતુ તમારા જ દેશમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં જવા માટે તમારે વિઝા લેવાની જરૂર હોય છે. અહીં તમને એવા રાજ્યો વિશે જણાવી રહ્યા છે, જ્યાં જવા માટે તમારે પરમિટ લેવી પડશે. આવો જાણીએ કયા છે તે રાજ્યો. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આવા વિઝાને સત્તાવાર ભાષામાં ઈનર લાઈન પરમિટ (ILP) કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે અંગ્રેજોએ તેમના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે આવા વિઝાની શરૂઆત કરાવી હતી. જે આજે પણ દેશના કેટલાક વિસ્તારોમાં લાગુ છે.
ઈનર લાઈન પરમિટ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવે છે. આ પરમિટ 15 દિવસ માટે હોઈ શકે છે. આ પરમિટ અરજદારે ઓનલાઈન લેવાની હોય છે. આવા વિઝામાં ભારતીય નાગરિકોને સંરક્ષિત વિસ્તારોમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવે છે. ભારતમાં ભારતીય નાગરિકો માટે ઈનર લાઈન પરમિટનો નિયમ બ્રિટિશ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો હતો.
ઈનર લાઈન પરમિટ વિઝા માત્ર હરવા-ફરવા માટે જ નહીં પરંતુ જોબ કે બિઝનેસ કરવા માટે પણ લેવા પડે છે. ખાસ કરીને સરહદી રાજ્યો અને આંતરરાષ્ટ્રીય સરહદને લગતા વિસ્તારમાં આ નિયમ લાગુ પડે છે. ઈનર લાઈન પરમિટવાળા રાજ્યો કે વિસ્તારો છે અત્યંત સંવેદનશીલ છે. તાજેતરમાં નાગાલેન્ડના દીમાપુરમાં આ પરમિટ લાગુ કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
ઈનર લાઈન પરમિટ દેશના ઉત્તર-પૂર્વ સ્થિત ત્રણ રાજ્યો મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં લાગુ પડે છે. એટલું જ નહીં, સરહદી રાજ્યોના શહેરોમાં પણ ઈનર લાઈન પરમિટ લાગુ કરવામાં આવે છે. ઈનર લાઈન પરમિટવાળા વિસ્તારોમાં લેહ-લદ્દાખનો પણ સમાવેશ થાય છે. થોડા સમય પહેલા કાશ્મીર જવા માટે પણ ઈનર લાઈન પરમિટની જરૂર હતી, જેને તમામ વિવાદો બાદ સમાપ્ત કરવામાં આવી. ભારત સરકાર સુરક્ષાના દૃષ્ટિકોણથી ઈનર લાઈન પરમિટ લાગુ કરવાનો નિર્ણય કરે છે. આ નિયમ એવા રાજ્યોને લાગુ પડે છે જે આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાય છે.