નવી દિલ્લીઃ ચીનના વુહાન શહેરમાંથી બે વર્ષ પહેલાં વાયરસના રૂપમાં જે ઝહેર દુનિયામાં ફેલાયું તેનાથી દુનિયાભરમાં હાહાકાર મચી ગયો. અમે વાત કરી રહ્યાં છીએ કોરોનાના કહેરની. કોવિડ-19 એટલેકે, કોરોનાની મહામારીને કારણે ભારત સરકારે વિદેશથી આવતા વિમાનો પર પ્રતિબંધ લાદ્યો હતો. હવે કોરોનાની સ્થિતિ હળવી થતાં, કેસોમાં ઘટાડો થતાં ભારત સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય વિમાનો પર લાદવામાં આવેલાં પ્રતિબંધો હટાવી લેવાનો નિર્ણય લેવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે અંતર્ગત ભારતમાં બે વર્ષ પછી એટલે કે 27 માર્ચથી ફરી એક વાર નિયમિત રીતે નિર્ધારિત કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓની શરુઆત થઇ જશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી હતી. મંત્રાલયે કહ્યું કે ભારત સરકારે 27 માર્ચથી ભારત માટે અને અહીંથી કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓને ફરીથી શરુ કરવાનો નિર્ણય લીધો છે.


આ સાથે મંત્રાલયે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યાત્રા માટે સ્વાસ્થ્ય મંત્રાલયના દિશાનિર્દેશોનું કડકાઇથી પાલન કરવું પડશે. આ પહેલા 19 જાન્યુઆરી અને પછી 28 ફેબ્રુઆરીએ દેશમાં આંતરાષ્ટ્રીય પેસેન્જર ઉડાનોનું નિલંબન આગામી આદેશ સુધી વધારી દીધું હતું. કોરોના વાયરસ મહામારીના કારણે 23 માર્ચ 2020થી ભારતમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ઉડાનો નિલંબિત છે. જોકે આ પછી એર બબલ વ્યવસ્થા અંતર્ગત જુલાઇ 2020થી ભારત અને લગભગ 45 દેશો વચ્ચે વિશેષ યાત્રી ઉડાન સંચાલિત થઇ રહી છે.


આ દેશો સાથે ભારત હવાઈ પરિવહન ધરાવે છે. જેમાં ઓસ્ટ્રેલિયા, બહેરીન, બાંગ્લાદેશ, ભૂતાન, કેનેડા, ઇથોપિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇરાક, જાપાન, કઝાકિસ્તાન, કેન્યા, કુવૈત, માલદીવ્સ, મોરેશિયસ, નેપાળ, નેધરલેન્ડ્સ, નાઇજિરિયા, ઓમાન, કતાર, રશિયા, રવાન્ડા, સાઉદી અરેબિયા, સેશેલ્સ, સિંગાપોર, શ્રીલંકા, સ્વિટ્ઝર્લેન્ડ, તાન્ઝાનિયા, યુક્રેન, યુનાઇટેડ આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ કિંગડમ અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. 2021ના અંતમાં ભારતે કેટલીક શરતો સાથે 15 ડિસેમ્બર 2021થી કેટલીક વાણિજ્યિક આંતરરાષ્ટ્રીય યાત્રી સેવા ફરીથી શરુ કરવાની યોજનાની જાહેરાત કરી હતી. જોકે વિશ્વમાં આવેલી કોરોનાની ત્રીજી લહેરના કારણે યોજનાને સ્થગિત કરી દીધી હતી.