નવી દિલ્હી: દહેજ સતામણી કેસો (498એ)માં તરત ધરપકડ પર રોક માટે દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર, જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 3 જજોની પેનલે જૂના ચુકાદામાં સંશોધન કરતા કહ્યું છે કે મામલાની ફરિયાદની તપાસ માટે કમિટીની જરૂર નથી. પોલીસને જો જરૂરી લાગે તો તે આરોપીની ધરપકડ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપી માટે ખુલ્લો છે આ વિકલ્પ
કોર્ટે કહ્યું કે આરોપી માટે આગોતરા જામીનનો વિકલ્પ ખુલ્લો છે. કોર્ટે આરોપીઓની ધરપકડ પર લાગેલી રોક હટાવતા કહ્યું કે વિક્ટિમ પ્રોટેક્શન માટે આમ કરવું જરૂરી છે. હકીકતમાં ચાલુ વર્ષે એપ્રિલમાં સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. 


2017ના ચુકાદાને સુપ્રીમે પલટ્યો
ગત વર્ષ 27 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટના બે જજોની બેંચે પોતાના જૂના ચુકાદામાં કહ્યું હતું કે આઈપીસીની કલમ 498એ એટલે કે દહેજ સતામણી મામલે ધરપકડ સીધી થશે નહીં. સુપ્રીમે કહ્યું છે કે દહેજ સતામણીના મામલાને જોવા માટે દરેક જિલ્લામાં એક પરિવાર કલ્યાણ સમિતિ બનાવવામાં આવે જે ફરિયાદના પહેલુઓ પર તપાસ કરે અને સમિતિના રિપોર્ટ આવ્યા બાદ જ જરૂરી હોય તો ધરપકડ થવી જોઈએ, તેના પહેલા નહીં. 


બે જજોની પેનલે તરત ધરપકડ પર લગાવી હતી રોક
હકીકતમાં જુલાઈ 2017ના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ આદર્શકુમાર ગોયલ અને જસ્ટિસ યૂ યૂ લલિતની બે જજોની બેન્ચે મહિલાઓ માટે બનેલા કાયદાના દુરઉપયોગના મામલાને લઈને મહત્વના નિર્દેશ જારી કર્યા હતાં. કોર્ટે દહેજ સતામણી કાયદાના દુરઉપયોગની ફરિયાદોને ધ્યાનમાં લેતા આવા મામલાઓમાં તત્કાળ ધરપકડ પર રોક લગાવી હતી. તે મુજબ દહેજ સતામણીના મામલાઓમાં હવે પતિ કે સાસરિયાઓની તરત ધરપકડ થઈ શકે નહીં. દહેજ સતામણી એટલે  કે આઈપીસીની કલમ 498-એના દુરઉપયોગથી ચિંતિત સુપ્રીમ કોર્ટે મહત્વનું પગલું ભરતા તે અંગે કેટલાક દિશા નિર્દેશ જારી કર્યા હતાં. 


કોર્ટે કહ્યું હતું કે એવું લાગે છે કે 498એની મર્યાદાઓને હળવી કરવી એ મહિલાઓને કાયદા હેઠળ મળેલા અધિકારોની વિરુદ્ધ જાય છે. કોર્ટે આ મામલે એડવોકેટ વી શેખરને કોર્ટના સલાહકાર  બનાવ્યાં હતાં. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અમે વૈવાહિક વિવાદ સંબંધિત તથ્યોને જોવા માટે નથી પરંતુ અમારે એ જોવાનું છે કે સિસ્ટમમાં જે ગેપ છે તેને આદેશ દ્વારા ભરવામાં આવે. અમારે એ જોવાનું છે કે શું ગાઈડલાઈન્સ જારી કરીને કાયદાના ગેપને ભરવામાં આવ્યો છે? શું કલમ 142નો ઉપયોગ કરીને ચુકાદો આપવો યોગ્ય હતો? આ સાથે જ એ જોવું જરૂરી છે કે આ આદેશથી શું કાયદો નબળો પડ્યો છે? સરકારનું કહેવું હતું કે ગત વર્ષનો ચુકાદો વ્યવહારિક દ્રષ્ટિકોણથી યોગ્ય નથી. આમ આ રીતે સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો અને આજે તે અંગે ચુકાદો આપવામાં આવ્યો.