વસુંધરા રાજેની વિરુદ્ધ ઝાલરાપાટનથી IPS અધિકારીની પત્ની લડશે ચૂંટણી
મુકુલ ચૌધરીના પતિ પંકજ ચૌધરી 2009ની બેંચના રાજસ્થાન કેડરના આઇપીએસ અધિકારી છે, પોતાની કાર્યશૈલીનાં કારણે તેઓ સ્થાનિક સ્તરે ચર્ચામાં છે
જયપુર : પોતાની કાર્યશૈલીના કારણે ઘણીવાર ચર્ચામાં રહેતાનારા ભારતીય પોલીસ સેવાનાં અધિકારી પંકજ ચૌધરીની પત્ની મુકુલ ચૌધરી રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેની વિરુદ્ધ ચૂંટણી મેદાને ઉતરશે. મુકુલે ઝાલરાપાટનથી અપક્ષ ઉમેદવાર સ્વરૂપે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ચૌધરીએ જણાવ્યું કે, લોકશાહીમાં રાજેના શાસનમાં અન્યાયથી લડવા માટે તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. મુકુલના પતિ પંકજ 2009 બેચના રાજસ્થાન કેડરનાં આઇપીએસ અધિકારી છે.
ચૌધરીએ જણાવ્યું કે, હું અપક્ષ ઉમેદવાર સ્વરૂપે ભ્રષ્ટાચાર અને કુશાસનની વિરુદ્ધ મારા જન્મસ્થાન ઝાલરાપાટનથી ચૂંટણી લડીશ. મુખ્યમંત્રીના શાસનમાં સમગ્ર પ્રદેશ ભ્રષ્ટાચાર અને કુશાસનનો માર સહી રહ્યું છે. પ્રદેશનાં ગુનેગારોની સંખ્યા વધી રહી છે. હું આ મુદ્દાઓને જમીની સ્તર પર ઉઠાવીશ.
ચૌધરીએ જણાવ્યું કે, તેમના પતિને પરેશાન કરવામાં આવ્યા અને ઇમાનદારીથી કામ કરવા છતા તેમને ચાર્જશીટ અને સતત બદલીઓનો સામનો કરવો પડ્યો. તેમણે જણાવ્યું કે, ઇમાનદાર અધિકારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને મારા પતિ પણ તેનો જ હિસ્સો છે. હું પહેલા ઝલરાપાટનની પુત્રી અને ત્યાર બાદ ઇમાનદાર આઇપીએસ અધિકારીની પત્ની છું. તેમણે જણાવ્યું કે, ઝલરાપાટનથી ચૂંટણી લડવાનું કારણ એવું પણ છે કે સરકારની વડા વસુંધરા રાજે અહીંથી ચૂંટાય છે. મને ભ્રષ્ટાચાર, કુશાસન અને લોકોની પરેશાનીઓ માટે ચૂંટણી લડવા માટેની પ્રેરણા છે.
ચૌધરીની માં શાંતિ દત્તા 1993માં પૂર્વ ભૈરોસિંહ શેખાવત સરકારમાં કાયદા મંત્રી હતા જ્યારે તેમના પતિ જયપુરમાં સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોમાં પોલીસ અધીક્ષક છે.