મસ્જિદમાં નમાઝ ઈસ્લામનો ભાગ છે કે નહીં? સુપ્રીમ કાલે આપશે ચૂકાદો
નવી દિલ્હીઃ મસ્જિદમાં નમાઝ પઢવી એ ઈસ્લામનું અભિન્ન અંગ છે કે નહીં તેના અંગે દેશની સર્વોચ્ચ અદાલત 27 સપ્ટેમ્બર, ગુરૂવારે ચૂકાદો આપી શકે છે. પોતાના ચૂકાદામાં સુપ્રીમ એ જણાવશે કે, આ કેસને બંધારણિય બેન્ચને મોકલવામાં આવશે કે નહીં. સુપ્રીમ કોર્ટે 20 જુલાઈના રોજ આ અંગે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો કે બંધારણિય બેન્ચના ઇસ્માઈલ ફારૂકી (1994) ચૂકાદાને મોટી બેન્ચને મોકલવાની જરૂર છે કે નહીં.
હકીકતમાં સુપ્રીમ કોર્ટ અયોધ્યા વિવાદમાં માલિકી હક્ક અંગેના કેસ કરતાં પણ પહેલાથી આ પક્ષ પર સુનાવણી કરી રહી હતી કે, મસ્જિદમાં નમાઝ પઢવી ઈસ્લામનો અભિન્ન અંગ છે કે નહીં. ટોચની કોર્ટની યાદી મુજબ આ કેસ 27 સપ્ટેમ્બરની તારીખે યાદીમાં મુકવામાં આવ્યો છે.
વર્ષ 1994માં પાંચ ન્યાયાધિશની બેન્ચે રામ જન્મભૂમિમાં યથાસ્થિતીને જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. બેન્ચે એમ પણ જણાવ્યું હતું કે, મસ્જિદમાં નમાઝ પઢવું એ ઈસ્લામનો અભિન્ન અંગ નથી.
ત્યાર બાદ વર્તમાન મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાની આગેવાનીવાળી બેન્ચે જણાવ્યું હતું કે, સૌથી પહેલા તો એ નક્કી કરવામાં આવશે કે 1994ના એ ચૂકાદા 'મસ્જિદમાં નમાઝ પઢવી ઈસ્લામનું અભિન્ન અંગ છે કે નહીં' પર ચર્ચા વિચારણા કરવાની જરૂર છે કે નહીં. ત્યાર બાદ જ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના માલિકી હક્ક અંગે વિચાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટે ચૂકાદો આપ્યો હતો, જેમાં વિવાદિત જમીનનો એક તૃતિયાંશ ભાગ હિન્દુ, એક તૃતિયાંશ ભાગ મુસ્લિમ અને એક તૃતિયાંશ ભાગ રામલલ્લા વિરાજમાનને આપ્યો હતો.