ધગધગી રહ્યા છે અમદાવાદ સહિતના અનેક શહેરો, જાણો શું છે આ `અર્બન હીટ આઈલેન્ડ ઈફેક્ટ`?
Heatwave in Cities: દિલ્હી-એનસીઆર, પશ્ચિમી યુપી અને હરિયાણા સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમીનો દૌર ચાલુ છે. ગુજરાતમાં પણ અનેક ઠેકાણે તાપમાન 45 પાર જોવા મળ્યું છે. સોમવારે દિલ્હીમાં પારો 48 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો પણ અનુભૂતિથી 50 ડિગ્રી જેવી થઈ રહી હતી
દિલ્હી-એનસીઆર, પશ્ચિમી યુપી અને હરિયાણા સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમીનો દૌર ચાલુ છે. ગુજરાતમાં પણ અનેક ઠેકાણે તાપમાન 45 પાર જોવા મળ્યું છે. સોમવારે દિલ્હીમાં પારો 48 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો પણ અનુભૂતિથી 50 ડિગ્રી જેવી થઈ રહી હતી. મંગળવારે પણ લગભગ એવી જ સ્થિતિ છે. એટલું જ નહીં રાજસ્થાનના ફલૌદીમાં તો પારો 49 ડિગ્રી સુધી પહોંચી ગયો. દિલ્હી, ગુરુગ્રામ સહિત દેશના કુલ 17 જેટલા શહેરો છે જ્યાં તાપમાન 45 ડિગ્રી પાર નોંધાયેલું છે. દિવસમાં લૂના થપેડા અને રાતે ગરમ પવનના કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ગરમી વધુ મહેસૂસ થઈ રહી છે.
આવામાં સવાલ એ ઉઠે છે કે આખરે શહેરી વિસ્તારોમાં જ આટલું તાપમાન કેમ વધી રહ્યું છે? જેનો જવાબ કહી શકાય અર્બન હીટ આઈલેન્ડ ઈફેક્ટ. આ એક એવી અવસ્થા છે જ્યારે શહેરી વિસ્તારોનો વિકાસ એ હદે થઈ જાય કે પછી ત્યાં કુદરતી કવર લગભગ ખતમ જેવું જોવા મળે. હરિયાળી ખતમ થઈ જાય અને ત્યાં કોંક્રિટના જંગલ જેવું જોવા મળે. દિલ્હી સહિત અને શહેરો એવા છે જ્યાં આવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. રસ્તાઓ, મોલ, જ્યાં જુઓ ત્યાં હાઈ રાઈસ બિલ્ડિંગો, પાકા મકાનો એટલે કે કોંક્રિટ જંગલ છે. પરંતુ કુદરતી હરિયાળી કે ઝાડનું તો નામોનિશાન નથી.
હીટ સ્ટ્રોકથી પીડાતા લોકોની સંખ્યા વધી
આવી સ્થિતિમાં ગરમી પ્રચંડ સ્વરૂપ ધારણ કરી રહી છે. આ ઉપરાંત શહેરોના આવા નિર્માણ અને પછી ગાડીઓની વધુ સંખ્યા તથા ઘરોમાં જોવા મળતા એર કન્ડિશન્સના કારણે પણ આવી સ્થિતિ પેદા થઈ રહી છે. આવી સ્થિતિથી વધતી ગરમીને જ અર્બન હીટ આઈલેન્ડ ઈફેક્ટ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં વીજળીનો વપરાશ વધે છે. એર પોલ્યુશન વધુ થાય છે. આ ઉપરાંત ગરમી સંબંધિત રોગો અને તેનાથી મોતનો આંકડો વધે છે. રાજસ્થાનમાં હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા વધીને 3622 થઈ છે.
શું છે ઉપાય?
શહેરો કરતા ગામડાઓમાં સ્થિતિ સારી જોવા મળી રહી છે. કારણ કે ત્યાં ઝાડપાન વધુ હોય છે. જેનાથી વાતાવરણમાં ભેજ જળવાઈ રહે છે. વૃક્ષો કાપવા પર કાપ મુકવો જોઈએ અને વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ.