ભારતના મિત્ર ઈઝરાયેલે લક્ષદ્વીપ વિશે કરી એવી જબરદસ્ત જાહેરાત, માલદીવને લાગશે ખુબ મરચા!
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ માલદીવના મંત્રીઓની અપમાનજનક ટિપ્પણીઓ બાદ બંને દેશો વચ્ચે રાજનયિક તણાવ વધી ગયો છે. હવે ભારતના મિત્ર દેશ ઈઝરાયેલે માલદીવને ફડાકો મારતા લક્ષદ્વીપના કુદરતી સૌંદર્યની ખુબ પ્રશંસા કરી છે. આ સાથે જ તેણે લક્ષદ્વીપને લઈને એક મોટી જાહેરાત પણ કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ માલદીવના મંત્રીઓની અપમાનજનક ટિપ્પણીઓ બાદ બંને દેશો વચ્ચે રાજનયિક તણાવ વધી ગયો છે. હવે ભારતના મિત્ર દેશ ઈઝરાયેલે માલદીવને ફડાકો મારતા લક્ષદ્વીપના કુદરતી સૌંદર્યની ખુબ પ્રશંસા કરી છે. આ સાથે જ તેણે લક્ષદ્વીપને લઈને એક મોટી જાહેરાત પણ કરી છે. ઈઝરાયેલે કહ્યું છે કે તે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કાલથી સમુદ્રી પાણીને સ્વચ્છ કરવાના પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દેશે.
ભારતમાં ઈઝરાયેલના દૂતાવાસે પોતાના એક્સ હેન્ડલ પર લક્ષદ્વીપની કેટલીક તસવીરો શેર કરતા લખ્યું કે ડિસેલિનેશન પ્રોજેક્ટ શરૂ કરવાના ભારત સરકારની ભલામણ પર અમે ગત વર્ષે લક્ષદ્વીપ ગયા હતા. ઈઝરાયેલ કાલથી જ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે તૈયાર છે. આ તસવીરો એ લોકો માટે છે જે હજુ સુધી લક્ષદ્વીપની સુંદરતા જોઈ શક્યા નથી. આ તસવીરોમાં આ દ્વીપના મનમોહક અને આકર્ષક દ્રશ્યો જોઈ શકાય છે.
શું હોય છે ડિસેલિનેશન ટેક્નોલોજી?
લક્ષદ્વીપ એક ટાપુ છે અને ત્યાં પીવાના મીઠા પાણીની સમસ્યા છે. ઈઝરાયેલ પાસે સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવવાની ટેક્નોલોજી છે. જેને ડિસેલિનેશન કહે છે. જે હેઠળ ખારા પાણીમાં રહેલા ખનિજો અને અન્ય અશુદ્ધિઓને અલગ કરીને પીવા યોગ્ય બનાવવામાં આવે છે. ઈઝરાયેલ પોતે પણ સમુદ્રથી ઘેરાયેલો છે અને ત્યાં પણ ભૂમિ રેતાળ છે આથી ત્યાં પણ પાણીની અછત છે. પરંતુ હવે તે સમુદ્રના ખારા પાણીને મીઠા પાણીમાં ફેરવવા માટે ડિસેલિનેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પોતાની જરૂરીયાતો પૂરી કરે છે. લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવાની દિશામાં ડિસેલિનેશન ટેક્નોલોજી ખુબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
માલદીવ સાથે તણાવ
અત્રે જણાવવાનું કે પીએમ મોદી 4 જાન્યુઆરીના રોજ લક્ષદ્વીપના પ્રવાસે ગયા હતા. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લક્ષદ્વીપની તસવીરો પોસ્ટ કરી હતી. આ સાથે લખ્યું હતું કે જે લોકો રોમાંચકારી અનુભવ લેવા માંગતા હોય તેમણે લક્ષદ્વીપને પોતાના ટ્રાવેલ લિસ્ટમાં સામેલ કરવું જોઈએ. મે સ્નોર્કલિંગની પણ કોશિશ કરી અને તે ખુબ ઉત્સાહજનક અનુભવ હતો.
પીએમ મોદીની પોસ્ટ એટલી વાયરલ થઈ હતી કે ઘણા ઈન્ટરનેટ યૂઝર્સે પીએમ મોદીની પોસ્ટ પર રિએક્શન આપતા લક્ષદ્વીપને માલદીવનું વૈકલ્પિક પર્યટન સ્થળ ગણાવ્યું હતું. આ ટિપ્પણીઓથી માલદીવ સરકારના અનેક મંત્રીઓ ચિડાયા હતા અને તેમણે પીએમ મોદી વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી. એક મહિલા મંત્રીએ પીએમ મોદીના લક્ષદ્વીપના પ્રવાસને બેકાર ગણાવતા તેમને ઈઝરાયેલની કઠપુતળી ગણાવ્યા હતા.
ઈન્ટરનેટ પર હાહાકાર
એક મંત્રી ઝાહિદ રમિઝે એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે સારું પગલું છે પરંતુ અમારી સાથે સ્પર્ધા એ ભ્રમ સિવાય બીજુ કઈ નથી. તેઓ અમારા જેવી સુવિધાઓ કેવી રીતે આપશે, તેમના રૂમમાં ગંધ આવે છે. તેઓ આટલા સ્વચ્છ કેવી રીતે હોઈ શકે. માલદીવના નેતાઓની આ ટિપ્પણીઓ વાયરલ થઈ ગઈ. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ઈન્ટરનેટ યૂઝર્સે તેમની ક્લાસ લગાવી દીધી. વિવાદ વધતા મુઈજ્જુ સરકારે ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરવા પડ્યા.