ઈઝરાયેલ અને હમાસ વચ્ચે  ચાલી રહેલી લડાઈ દિન પ્રતિદિન ભયાનક થઈ રહી છે. પરંતુ તેની અસર હવે બીજા દેશોમાં પણ જોવા મળી રહી છે. ઈઝરાયેલ પર હમાસના હુમલાથી નારાજ એક ભારતીય મૂળના ડોક્ટરને એક્સ (અગાઉ ટ્વિટર) પર પેલેસ્ટાઈનના લોકોનું ખરાબ બોલવું ભારે પડ્યું અને નોકરી ગુમાવવી પડી. ડોક્ટર સુનીલ રાવ બહેરીનની રોયલ બેહરીન હોસ્પિટલમાં આંતરિક ચિકિત્સા વિશેષજ્ઞ તરીકે તૈનાત હતા. જેના મેનેજમેન્ટે સોશિયલ મીડિયા પર સુનીલની પોસ્ટ જોયા બાદ તેમને નોટિસ આપ્યા વગર જ નોકરીમાંથી બરતરફ કરી દીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોસ્પિટલે આપ્યું આ કારણ
ડો. સુનીલ રાવને નોકરીમાંથી હાંકી કાઢ્યા બાદ રોયલ બેહરીન હોસ્પિટલ મેનેજમેન્ટે એક નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં કહેવાયું છે કે આપણા ત્યાં આંતરિક ચિકિત્સામાં તૈનાત ડો. સુનીલ રાવે સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ અપલોડ કરી છે જે આપણા સમાજનું અપમાન કરવા જેવી છે. અમે તેમની વિચારધારા અને તેમની ટ્વીટ હોસ્પિટલની નહીં પરંતુ તેમનો વ્યક્તિગત મામલો હોવાની પુષ્ટિ કરવા માંગીએ છીએ. આ હોસ્પિટલના મૂલ્યો અને વિચારનું પ્રતિનિધિત્વ કરતા નથી. મેનેજમેન્ટે વધુમાં કહ્યું કે સુનીલની ટ્વીટ અમારા કોડ ઓફ કન્ડક્ટની વિરુદધમાં છે. આથી અમે તેમના વિરુદ્ધ જરૂરી કાનૂની કાર્યવાહી કરી રહ્યા છીએ અને તેમની સેવાઓને તત્કાળ પ્રભાવથી ખતમ કરી રહ્યા છીએ. 


વેબસાઈટથી પણ હટાવી પ્રોફાઈલ, ડો.સુનીલે માંગી માફી
રોયલ બેહરીન હોસ્પિટલે ડો. સુનીલ રાવને નોકરીમાંથી હટાવ્યા બાદ તેમની પ્રોફાઈલ પણ પોતાની વેબસાઈટ પરથી હટાવી દીધી છે. ડો. સુનીલે પણ ત્યારબાદ પોતાની ભૂલ સ્વીકારી છે. તેમણે ટ્વીટ દ્વારા માંફી માંગી લીધી. તેમણે ટ્વીટમાં લખ્યું કે હું આ મંચ પર પોસ્ટ કરાયેલા મારા એક નિવેદન માટે માફી માંગુ છું. હાલની ઘટના અંગે કરાયેલી આ ટ્વીટ અસંવેદનશીલ હતી. એક ડોક્ટર તરીકે મારા માટે દરેકનું જીવન મહત્વ ધરાવે છે. હું આ દેશ અને તેમના લોકો તથા તેમના ધર્મનું દિલથી સન્માન કરું છું. હું અહીં 10 વર્ષથી રહું છું અને મને અહીં ખુબ પ્રેમ મળ્યો છે. 



આંધ્ર પ્રદેશ અને કર્ણાટકથી ભણેલા છે ડો. રાવ
ડો. રાવ છેલ્લા 10 વર્ષથી બહેરીનમાં રહીને તબીબી પ્રેક્ટીસ કરી રહ્યા છે. પરંતુ તેમણે પોતાનો અભ્યાસ ભારતથી કર્યો છે. તેમણે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત આંધ્ર મેડિકલ કોલેજ અને કર્ણાટકના મેંગલુરુ સ્થિત કસ્તૂરબા મેડિકલ કોલેજથી પોતાનો મેડિકલ અભ્યાસ કર્યો છે.