ચંદ્રયાન-2: વિક્રમ લેન્ડર અંગે આવ્યાં સારા સમાચાર, ધબ દઈને પછડાયું છતાં તૂટ્યું નથી, બિલકુલ સલામત છે
ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ અંગે એક મોટી જાણકારી સામે આવી રહી છે. ઈસરોના જણાવ્યાં મુજબ વિક્રમ સુરક્ષિત છે અને તેને કોઈ નુકસાન થયુ નથી.
નવી દિલ્હી: ચંદ્રયાન-2ને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. આ મિશન સાથે જોડાયેલા ઈસરોના એક ઓફિસરે જણાવ્યું કે વિક્રમ લેન્ડર પૂર્વનિર્ધારિત જગ્યાની નજીક જ પડ્યું છે. મોટી વાત એ છે કે તેમા કોઈ તોડફોડ થઈ નથી. લેન્ડર ચંદ્રની સપાટી પર થોડું ત્રાસુ પડ્યું છે. તેમણે સોમવારે જણાવ્યું કે 'વિક્રમે હાર્ડ લેન્ડિંગ કરી છે અને ઓર્બિટરના કેમેરાએ જે તસવીર મોકલી છે તેનાથી જાણવા મળે છે કે તે નિર્ધારીત સ્થળની બિલકુલ નજીક પડ્યું છે. વિક્રમ તૂટ્યું નથી અને તેનો આખો ભાગ સુરક્ષિત છે.'
ફરીથી પોતાના પગ પર ઊભું થઈ શકે છે વિક્રમ
વિક્રમ લેન્ડર પોતાના નિર્ધારિત સ્થાનથી લગભગ 500 મીટર દૂર ચંદ્રની સપાટી પર પડ્યું છે. પરંતુ જો તેની સાથે સંપર્ક થઈ શકે તો તે ફરીથી પોતાના ચાર પગ પર ઊભું થઈ શકે છે. ઈસરોના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યાં મુજબ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં તે ટેક્નોલોજી છે કે તે પડ્યા બાદ પણ પોતાની જાતે ઊભું થઈ શકે છે. પરંતુ તેના માટે જરૂરી એ છે કે તેની કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે સંપર્ક થઈ શકે અને તેના કમાન્ડ રિસિવ થઈ શકે. જો કે આ કામના સફળ થવાની આશા તો માત્ર એક ટકો છે પરંતુ ઈસરોના વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઓછામા ઓછો એક ટકો પરંતુ આશા તો છે.
ઈસરોના સૂત્રોએ જણાવ્યું કે વિક્રમ લેન્ડરની નીચેની તરફ પાંચ થ્રસ્ટર્સ લાગેલા છે. જેના દ્વારા તેણે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું. આ ઉપરાંત વિક્રમ લેન્ડરની ચારે બાજુ પણ થ્રસ્ટર્સ લાગેલા છે. જે અંતરિક્ષમાં મુસાફરી દરમિયાન તેની દિશા નક્કી કરવા માટે ઓન કરવામાં આવતા હતાં. આ થ્રસ્ટર્સ હજુ પણ સુરક્ષિત છે. લેન્ડરના જે ભાગમાં કોમ્યુનિકેશન એન્ટિના દબાયેલું છે તે જ ભાગમાં થ્રસ્ટર્સ પણ છે. જો પૃથ્વી પરના ગ્રાઉન્ડ સ્ટેશનથી મોકલવામાં આવેલા કમાન્ડને સીધા કે ઓર્બિટર દ્વારા દબાયેલા એન્ટિનાએ રિસિવ કરી લીધુ તો તેના થ્રસ્ટર્સને ઓન કરી શકાય છે. થ્રસ્ટર્સ ઓન થતા વિક્રમ એક બાજુથી પાછું ઉઠીને પોતાના પગ પર ઊભું થઈ શકે છે. જો આમ થયું તો આ મિશન સંબંધિત તમામ પ્રયોગ થઈ શકશે જે પહેલેથી ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2ને લઈને નક્કી કર્યા હતાં.
વધુ વિગતો માટે જુઓ VIDEO