બેંગલુરુઃ દેશના નવીન ભૂઅવલોકન ઉપગ્રહ હાઈસિસ (HySIS)એ 29 નવેમ્બરના રોજ પ્રક્ષેપિત કરાયા બાદ કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેણે જે પ્રથમ ફોટો મોકલ્યો છે તેમાં ગુજરાતના લખપત વિસ્તારના કેટલાક ભાગ જોવા મળી રહ્યા છે. ઈસરોએ જણાવ્યું કે, રાષ્ટ્રીય દૂર સંવેદી કેન્દ્ર (NRAC) પર હીઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા ફોટાઓનો ઉપયોગ કૃષિ, જમીન સર્વેક્ષણ અને પર્યાવરણની દેખરેખ માટે કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસરોના સૂત્રોએ જણાવ્યું કે, HySIS દ્વારા જે ફોટો પ્રાપ્ત થયો છે તે શ્રેષ્ઠ રિઝોલ્યુશન ધરાવે છે અને એજન્સી તેનાથી સંતુષ્ટ છે. ઉલ્લેખનીય છે કે, ઈસરોએ PSLV C-43 રોકેટની મદદથી 31 ઉપગ્રહ લોન્ચ કર્યા હતા, જેમાં ભારતના હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ (HySIS) અને 8 દેશોના 30 બીજા ઉપગ્રહ સામેલ હતા. 


HySISની વિશેષતા
HySIS  ઉપગ્રહનું નિર્માણ અંતરિક્ષમાંથી પૃથ્વી પર દેખરેખ માટે ઈસરો દ્વારા સંપૂર્ણ સ્વદેશી રીતે કરાયું છે. તેનો ઉદ્દેશ્ય પૃથ્વીની સપાટીની સાથે ઈલેક્ટ્રોમેગ્નિટિક સ્પેક્ટ્રમમાં ઈન્ફ્રારેડ અને શોર્ટ વેવ ઈન્ફ્રારેડ ફિલ્ડનું અધ્યયન કરવાનો છે. HySIS એક વિશેષ ચીપની મદદથી તૈયાર કરવામાં આવે છે જેને ટેક્નોલોજીની ભાષામાં ઓપ્ટિકલ ઈમેજિંગ ડિટેક્ટર એરે કહે છે. આ ઉપગ્રહથી ધરતીના ખૂણે ખૂણા પર નજર રાખવી સરળ બનશે, કારણ કે ધરતીથી લગભગ 630 કિમી દૂર અંતરિક્ષમાંથી પૃથ્વી પર હાજર વસ્તુઓના 55 વિભિન્ન રંગોની ઓળખ સરળતાથી થશે. 


હાઈપર સ્પેક્ટ્રલ ઈમેજિંગ (HySIS)ની એક ખુબી એ છે કે તે ડિજિટલ ઈમેજિંગ અને સ્પેક્ટ્રોસ્કોપીની શક્તિને જોડે છે. HySIS ઈમેજિંગ અંતરિક્ષથી એક દ્રશ્યને દરેક પિક્સલના સ્પેક્ટ્રમને વાંચવા ઉપરાંત પૃથ્વીની વસ્તુઓ, સામગ્રી કે પ્રક્રિયાની અલગ ઓળખ પણ કરે છે. તેનાથી પર્યાવરણ સર્વેક્ષણ, પાક માટે ઉપયોગી જમીનના આકલન, તેલ અને ખનિજ પદાર્થોની ખાણોની શોધ સરળતાથી કરી શકાશે. 


'ગગનયાન'ને પણ સંપૂર્ણ સ્વદેશી બનાવવાની યોજના
ઈસરોના અધ્યક્ષ સિવને જણાવ્યું હતું કે, સંસ્થા ભારતના મહત્વાકાંક્ષી સમાનવ અંતરિક્ષ અભિયાન 'ગગનયાન'ને સંપૂર્ણ સ્વદેશી બનાવવા માગે છે. 2022 સુધી વડા પ્રધાન મોદીની અંતરિક્ષમાં માનવીને મોકલવાની કલ્પનાને સાકાર કરવકા માટે કેટલાક પરિક્ષણ વિદેશમાં થઈ શકે છે, પરંતુ હાલ તેના અંગે વધુ નક્કી કરાયું નથી. 


ઇસરો 2020 સુધીમાં ગગનયાન અંતર્ગત પ્રથમ માનવ રહિત કાર્યક્રમ શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. જો ગગનયાન સફળ રહે છે તો ભારત આ ઉપલબ્ધિ મેળવનારું વિશ્વનું ચોથું રાષ્ટ્ર બની જશે. ઇસરો આગામી વર્ષે 12-14 અંતરિક્ષ અભિયાન ચલાવાની તૈયારી કરી રહ્યું છે.