દેશ-વિદેશના રોકાણકારો માટે ભારતમાં સર્વોત્તમ માહોલ બન્યો છે: પીએમ મોદી
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં આયોજિત ઉત્તરાખંડ રોકાણકાર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે ટેક્સ સિસ્ટમમાં સુધારો કર્યો છે અને આ સિસ્ટમને વધુ સુગમન અને પારદર્શક બનાવવા પર કામ થઈ રહ્યું છે.
દહેરાદૂન: ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં આયોજિત ઉત્તરાખંડ રોકાણકાર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે ટેક્સ સિસ્ટમમાં સુધારો કર્યો છે અને આ સિસ્ટમને વધુ સુગમન અને પારદર્શક બનાવવા પર કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ટેક્સ સિસ્ટમમાં સુધાર તથા અનેક જનકલ્યાણ યોજનાઓ શરૂ કરવાથી દેશમાં રોકાણનો સુરક્ષિત માહોલ બની રહ્યો છે. દેશ વિદેશના રોકાણકારો માટે ભારતમાં સર્વોત્તમ માહોલ બન્યો છે. તેમણે કહ્યું કે બેંકિંગ સિસ્ટમને મજબુત કરવાથી દેશમાં કારોબાર કરવા માટે સારો માહોલ તૈયાર થયો છે.
તેમણે કહ્યું કે આયુષ્યમાન ભારત યોજનાથી મેડિકલ ક્ષેત્રમાં રોકાણ માટે સારી તકો તૈયાર થઈ છે. આ યોજના હેઠળ ટાઈપ-2 અને ટાઈપ-3 શહેરોમાં હોસ્પિટલ બનશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે 10 હજારથી વધુ કાયદામાં ફેરફાર કરાયો અને 1400થી વધુ કાયદા ખતમ કરાયા. આ કાયદા અંગ્રેજોના જમાનાથી હતાં અને તેની આજના યુગમાં કોઈ સાર્થકતા નહતી. તેમણે જીએસટી સિસ્ટમને એક મોટી ઉપલબ્ધિ ગણાવતા કહ્યું કે જીએસટી સિસ્ટમ દેશની સૌથી મોટી ટેક્સ રિફોર્મ છે.
પીએમ મોદીએ કહ્યું કે સુરક્ષિત રોકાણનો સમય જે ભારતમાં છે, એવો માહોલ પહેલા ક્યારેય નહતો. દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપથી સુધાર કરવામાં આવી રહ્યો છે. રોજના 27 કિમી રાષ્ટ્રીય રાજમાર્ગોનું નિર્માણ થઈ રહ્યું છે. અલગ અલગ શહેરોમાં મેટ્રોનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. દેશના 400 રેલવે સ્ટેશનને અતિઆધુનિક બનાવવામાં આવી રહ્યાં છે.