નવી દિલ્હી: જૈન મુનિ સંત તરુણ સાગરનું 51 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું. તેમનું સ્વાસ્થ્ય છેલ્લા બે દિવસથી ખુબ કથળી ગયું હતું. ગત 20 દિવસથી તેઓ દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં દાખલ હતાં. તેમને કમળો થયો હતો પરંતુ સારવાર કરાવવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ તેમણે રાધાપુરી જૈન મંદિર ચાતુર્માસ જવાનો નિર્ણય કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તરુણ સાગર પોતાના કડવા પ્રવચનોના લીધે ખુબ પ્રખ્યાત હતાં. આ જ કારણે તેમને ક્રાંતિકારી સંત પણ કહેવામાં આવતા હતાં. જૈન મુનિ તરુણ સાગર પ્રવચનો ઉપરાંત પોતાના અનેક નિવેદનોના લીધે પણ વિવાદમાં રહ્યાં હતાં. 


દેશમાં છે ગદ્દાર
ટ્રિપલ તલાકના મુદ્દે 10 ઓગસ્ટના રોજ તેમણે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જે લોકો મુસ્લિમ મહિલાઓના કલ્યાણના દાવા કરી રહ્યાં છે તે માત્ર દેખાડો છે. આવા નેતાઓ કે પક્ષોને મહિલાઓના હક સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ બસ રાજકારણ ખેલી રહ્યાં છે. આ સાથે જ તેમણે આતંકવાદ પર નિવેદન આપતા કહ્યું હતું કે જેટલા આતંકવાદીઓ પાકિસ્તાનમાં નથી તેનાથી વધુ ગદ્દારો આપણા દેશમાં હાજર છે. આથી આવા ગદ્દારોને શોધીને તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. જેથી કરીને આંતરિક આતંકવાદ ખતમ થઈ શકે. 


ભારત બનશે બીજુ પાકિસ્તાન
જૈન મુનિએ લવ જેહાદને મુસલમાનોનું ષડયંત્ર ગણાવતા કહ્યું હતું કે ખોટા પ્રેમના નામે હિંદુ યુવતીઓને મુસલમાન બનાવવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે જો લવ જેહાદને રોકવામાં ન આવ્યું તો થોડા દિવસમાં ભારત બીજુ પાકિસ્તાન બની જશે. આ સાથે મુસલમાનની વસ્તી ઉપર કહ્યું હતું કે મુસ્લિમોની વધતી વસ્તી દેશ માટે જોખમ છે. 


રાવણ નહીં દુષ્કર્મી બાબાઓના પુતળા બાળો
તરુણ સાગરે દશેરાના અવસરે રાવણની જગ્યાએ દુષ્કર્મી બાબાઓના પુતળા બાળવાની વાત કરી હતી. જૈન મુનિએ કહ્યું હતું કે દશેરા ત્યારે જ સાર્થક થશે જ્યારે આપણે બધા એક સાથે મળીને આ નકલી બાબાઓ વિરુદ્ધ સાથે થઈશું. જે બાબાઓ પર કોર્ટમાં દુષ્કર્મના આરોપ સાબિત થયા છે તેમના પુતળા બનાવીને દશેરા પર દહન કરવું જોઈએ જેથી સમાજમાં એક સંદેશ જઈ શકે. 


મધ્ય પ્રદેશમાં થયો હતો જન્મ 
તરુણ સાગર મહારાજનું અસલ નામ પવનકુમાર જૈન છે. તેમનો જન્મ 26 જૂન, 1967ના રોજ મધ્ય પ્રદેશના દામોહ જિલ્લાના ગુહજી ગામમાં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઈ અને પિતાનું નામ પ્રતાપ ચંદ્ર હતું. કહેવાય છે કે તેમણે 8 માર્ચ 1981ના રોજ ઘર પરિવારને ત્યાગીને સન્યાસ ધારણ કર્યો હતો. મધ્ય પ્રદેશ સરકારે 6 ફેબ્રુઆરી 2002ના રોજ તેમને રાજકીય અતિથિનો દરજ્જો આપ્યો હતો.