J&K: કુલગામમાં છૂપાઈને બેઠેલા 3 આતંકીઓનો ખાતમો, 2 જવાનો સહિત 10 લોકો ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં શનિવાર રાતથી આતંકીઓ સાથે ચાલી રહેલા અથડામણમાં સુરક્ષાદળોને આજે મોટી સફળતા મળી.
નવી દિલ્હી/શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં શનિવાર રાતથી આતંકીઓ સાથે ચાલી રહેલા અથડામણમાં સુરક્ષાદળોને આજે મોટી સફળતા મળી. આજે સવારે સુરક્ષાદળોએ અહીં એક ઘરમાં છૂપાઈને બેઠેલા 3 આતંકીઓનો ખાતમો કર્યો. સૂત્રોના જણાવ્યાં મુજબ માર્યા ગયેલા 3 આતંકીઓમાંથી 2 પાકિસ્તાનના છે.
સુરક્ષાદળોને આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને ગોળા બારૂદ પણ મળ્યાં છે. ફાયરિંગમાં 10 નાગરિકો પણ ઘાયલ થયા છે. ડીજીપી દિલબાગ સિંહે આ મામલાની જાણકારી આપતા કહ્યું કે કુલગામમાં સુરક્ષાદળો અને આતંકી વચ્ચેની અથડામણમાં 3 આતંકીઓ માર્યા ગયા છે. આ અભિયાન બંધ કરવામાં આવી રહ્યું છે. જો કે હજુ સુધી આતંકીઓની ઓળખ થઈ નથી.
દિલબાગ સિંહ (તસવીર-એએનઆઈ)
કુલગામના એસએસપી હરમિત સિંહના જણાવ્યાં મુજબ આ અથડામણ શનિવારે શરૂ થઈ હતી. બંને તરફથી સતત ફાયરિંગ થઈ રહ્યું હતું. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના લારલુ વિસ્તારમાં આતંકીઓ હોવાની સૂચના મળતા વિસ્તારની નાકાબંધી કરાઈ અને સર્ચ અભિયાન ચાલુ કરવામાં આવ્યું.
તેમણે જણાવ્યું કે જ્યારે સુરક્ષાદળો તલાશી રહ્યાં હતાં ત્યારે આતંકીઓએ તેમના ઉપર ફાયરિંગ કર્યું અને અથડામણ શરૂ થઈ ગઈ.