J&Kમાં ઓપરેશન ઓલઆઉટ: ભારતીય સેના આકરા પાણીએ, 72 કલાકમાં 12 આતંકીઓનો ખાતમો
જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોએ આજે ફરીથી આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં 6 આતંકીઓનો ખાતમો કર્યો છે.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોએ આજે ફરીથી આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં 6 આતંકીઓનો ખાતમો કર્યો છે. આ એન્કાઉન્ટર બટાગુંડ વિસ્તારમાં થયું. સુરક્ષાદળોએ ઠાર કરેલા 6 આતંકીઓમાંથી 4ના મૃતદેહ મળી આવ્યાં છે. જ્યારે 2 આતંકીઓના મૃતદેહની શોધ ચાલુ છે. આ સાથે જ સુરક્ષાદળો અને પોલીસ જોઈન્ટ રીતે સર્ચ અભિયાન ચલાવી રહ્યાં છે. સુરક્ષાદળોને વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન આતંકીઓ સાથે અથડામણ થઈ.
અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં શુક્રવારે પણ આતંકીઓ સાથે ભીષણ અથડામણ થઈ હતી. જેમાં 6 આતંકીઓ ઠાર કરાયા હતાં. તમામ આતંકીઓના મૃતદેહો સુરક્ષાદળોને મળી આવ્યાં હતાં. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ આઝાદ મલિક, ઉનિસ શાફી, શાહિદ બશીર, બાસિત ઈશ્તિયાક, આકિબ નઝર, અને ફિરદૌસ નઝર તરીકે થઈ હતી. જેમાંથી આઝાદ મલિક ઉર્ફે આઝાદ ડાડા પત્રકરા શુજાત બુખારીની હત્યામાં સામેલ હતો.
આ આતંકીઓ રાષ્ટ્રીય રાઈફલ્સ તરફથી બિજબેહરાના સેકીપોરામાં ચલાવવામાં આવેલા અભિયાનમાં માર્યા ગયાં. શુક્રવારે સવારે સુરક્ષા દળોને વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકીઓ તરફથી સુરક્ષાદળો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો.