J&K: અનંતનાગમાં સુરક્ષાદળોની જબરદસ્ત કાર્યવાહી, 6 આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ સાથે અથડામણ થઈ. જેમાં 6 આતંકીને ઠાર કરવામાં આવ્યાં છે. માર્યા ગયેલા 6માંથી 4 આતંકીઓના મૃતદેહો સુરક્ષાદળોએ મેળવી લીધા છે. જ્યારે 2 આતંકીઓના મૃતદેહોની શોધખોળ ચાલુ છે. આ આતંકીઓ રાષ્ટ્રીય રાયફલ્સ તરફથી બિજબેહરાના સેકીપોરામાં ચલાવવામાં આવેલા અભિયાનમાં ઠાર કરાયા છે. કહેવાય છે કે માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા વધી શકે છે.
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આજે સવારથી જ રક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી. આ અથડામણ બિજબેહરાના સેકીપોરા વિસ્તારમાં થઈ. સુરક્ષાદળોએ સ્વીકાર્યું હતું કે વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે. સુરક્ષાદળોને તેમની હાજરીની સૂચના મળી હતી, ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. સુરક્ષાદળો અને પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો. અટકી અટકીને ફાયરિંગ થઈ રહ્યું હતું.
અત્રે જણાવવાનું કે આ અગાઉ 20 નવેમ્બરના રોજ પણ જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં હિજબુલ મુજાહિદ્દીનના ચાર આતંકીઓ માર્યા ગયા હતાં. તથા સેનાનો એક જવાન પણ શહીદ થયો હતો. અથડામણમાં સેનાના બે અન્ય જવાનો પણ ઘાયલ થયા હતાં.
પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે શોપિયા જિલ્લાના નાદિગામમાં આતંકીઓની હાજરીની ગુપ્ત બાતમી મળ્યા બાદ સુરક્ષાદળોએ મંગળવારે સવારે વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે સર્ચ અભિયાન દરમિયાન વિસ્તારમાં છૂપાયેલા આતંકીઓએ પેટ્રોલિંગ ટુકડી પર ફાયરિંગ કર્યું હતું.
પ્રવક્તાએ કહ્યું કે ફાયરિંગનો જડબાતોડ જવાબ અપાયો અને ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ. શરૂઆતના ફાયરિંગમાં સેનાના 23 પેરાનો એક જવાન એચ એસ વિજય ઘાયલ થયો. તેને તરત હોસ્પટલ લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં તેણે દમ તોડ્યો. ભીષણ ફાયરિંગમાં ચાર આતંકીઓ પર ઠાર થયાં અને તેમના મૃતદેહોને પણ જપ્ત કરાયા હતાં.
માર્યા ગયેલા આતંકીઓની ઓળખ આબિદ નઝીર ચોપન, બશરત નેનગ્રુ, મેહરાજુદ્દીન નજર અને મલિકજાદા ઈનામ ઉલ હક તરીકે થઈ હતી. તેમણે કહ્યું કે આ આતંકીઓ હિજબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા હતાં અને વિસ્તારમાં સુરક્ષા સંસ્થાનો પર થયેલા અનેક હુમલામાં તથા લોકો પર કરવામાં આવેલા અત્યાચારની ઘટનાઓમાં સામેલ હતાં.