J&K: બડગામ અને શ્રીનગરમાં આતંકીઓ સાથે અથડામણ ચાલુ, અનંતનાગમાં એક આતંકીનો ખાતમો
જમ્મુ અને કાશ્મીરમાં 3 અલગ અલગ જગ્યાઓ પર આજ સવારથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં 3 અલગ અલગ જગ્યાઓ પર આજ સવારથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. શ્રીનગરના નુરબાગ અને બડગામના ચડૂરા વિસ્તારમાં અથડામણ ચાલુ છે. આ બાજુ સુરક્ષાદળોએ અનંતનાગના ડુરુ શાહાબાદમાં એક આતંકીને ઠાર કર્યો છે. શ્રીનગરના નૂરબાગ વિસ્તારમાં સુરક્ષાદળોને 2-3 આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. આ માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. વિસ્તારમાં સુરક્ષા કારણોસર ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે.
એવું કહેવાય છે કે સુરક્ષાદળોને કાશ્મીરના બડગામ, અનંતનાગના ડૂરુ શાહાબાદ અને શ્રીનગરના નૂરબાગ વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળો અને જમ્મુ કાશ્મીર પોલીસે સયુંક્ત રીતે સર્ચ ઓપરેશન ચલાવ્યું.આ દરમિયાન સુરક્ષાદળોની ડૂરુ શાહાબાદમાં આતંકીઓ સાથે અથડામણ ચાલુ થઈ ગઈ. જેમાં એક આતંકી ઠાર કરાયો. ત્યારબાદ ફાયરિંગ બંધ થઈ ગયું છે. સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન ચલાવ્યું છે.
શ્રીનગરના નૂરબાગ વિસ્તારમાં પણ સુરક્ષાદળોને ઓછામાં ઓછા બે આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી હતી, જેના લીધે સુરક્ષાદળોએ વિસ્તારને સંપૂર્ણ ઘેરી લીધો છે. આ દરમિયાન ત્યાં પણ અથડામણ ચાલુ થઈ ગઈ. સ્થિતિને પહોંચી વળવા માટે વિસ્તારની ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. સતત સર્ચ ઓપરેશન ચાલુ છે.
શ્રીનગરના નૂરબાગમાં આતંકીઓ સાથે અથડામણની તસવીર (સાભાર-એએનઆઈ)
અનંતનાગના ડૂરુ શાહાબાદ વિસ્તારમાં પણ ગુરુવારે કેટલાક આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળો ત્યાં પહોંચ્યા અને આતંકીઓ સાથે અથડામણ શરૂ થઈ ગઈ. જેમાં સુરક્ષાદળોએ એક આતંકીનો ખાત્મો કર્યો. વિસ્તારમાં ફાયરિંગ રોકાયા બાદ મોટા પાયે સર્ચ અભિયાન ચાલી રહ્યું છે.